IND vs ZIM: ઝિમ્બાબ્વે સામે 102 રન બનાવી ટીમ ઈન્ડિયા ઢેર, પ્રથમ ટી20 મેચમાં 13 રને થયો પરાજય

સિકંદર રઝાની આગેવાનીમાં ઝિમ્બાબ્વેએ હરાવે સ્પોર્ટ્સ ક્લબ ખાતે પ્રથમ ટી20 મેચમાં ભારતને 13 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે ઝિમ્બાબ્વેની ટીમ પાંચ મેચની સિરીઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે. 

IND vs ZIM: ઝિમ્બાબ્વે સામે 102 રન બનાવી ટીમ ઈન્ડિયા ઢેર, પ્રથમ ટી20 મેચમાં 13 રને થયો પરાજય

હરારેઃ શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમે પ્રથમ ટી20 મેચમાં ઝિમ્બાબ્વે સામે 13 રને હારનો સામનો કરવો પડ્યો છે. હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી મેચમાં ભારતીય ટીમ માત્ર 102 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આઈપીએલમાં ધૂમ મચાવનાર ખેલાડીઓ ઝિમ્બાબ્વે સામે ઢેર થઈ ગયા હતા. રિંકૂ સિંહ, અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ, ગાયકવાડ કે શુભમન ગિલ જેવા બેટરો ફ્લોપ રહ્યાં હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 9 વિકેટે 115 રન બનાવ્યા હતા, જેની સામે ભારતીય ટીમ 102 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

ભારતની ખરાબ શરૂઆત
ઝિમ્બાબ્વેએ આપેલા 116 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં અભિષેક શર્મા (0) રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ રુતુરાજ ગાયકવાડ પણ 7 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આઈપીએલ 2024માં ધૂમ મચાવનાર રિયાન પગાર માત્ર 2 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ભારતે 22 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. 

રિંકૂ, જુરેલ પણ થયા ફ્લોપ
ભારતીય ટીમે પાવરપ્લેમાં એક બાદ એક વિકેટ ગુમાવી હતી. રિંકૂ સિંહ પણ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો હતો. વિકેટકીપર ધ્રુવ જુરેલે 14 બોલમાં 1 ચોગ્ગા સાથે 7 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન શુભમન ગિલે ઈનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. ગિલ પણ છઠ્ઠી વિકેટના રૂપમાં 31 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ગિલે 29 બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. 

રવિ બિશ્નોઈ 9 રન બનાવી તો આવેશ ખાન 16 રન બનાવી આઉટ થયા હતા.
વોશિંગટન સુંદર 34 બોલમાં 27 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે મુકેશ કુમારે શૂન્ય રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી ચતારાએ 16 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય કેપ્ટન સિકંદર રઝાને પણ ત્રણ સફળતા મળી હતી. 

ઝિમ્બાબ્વેની ઈનિંગ
ઝિમ્બાબ્વની ઈનિંગની વાત કરવામાં આવે તો યજમાન ટીમ તરફથી વિકેટકીપર ક્લાઇવ મદંડેએ સૌથી વધુ 29 રન ફટકાર્યા હતા. ક્લાઇવ મદંડેએ 24 બોલમાં ચાર બાઉન્ડ્રી ફટકારી હતી. આ સિવાય ડિયોન મેયર્સે 23, બ્રાયન બેનેટે 22 અને ઓપનર મધેવેરે 21 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે કેપ્ટન સિકંદર રઝાએ 17 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેની ઈનિંગમાં માત્ર એક સિક્સ લાગી હતી. 

ભારતના બોલરો છવાયા
ભારતીય બોલરો સામે ઝિમ્બાબ્વેના ખેલાડીઓ બેટિંગ કરી શક્યા નહીં. ભારત તરફથી રવિ બિશ્નોઈએ પોતાના કરિયરનું બેસ્ટ પ્રદર્શન કરતા 4 ઓવરમાં 2 મેડન સાથે 13 રન આપી 4 વિકેટ લીધી હતી. આ સિવાય વોશિંગટન સુંદરે 4 ઓવરમાં માત્ર 4 રન આપી બે વિકેટ લીધી હતી. મુકેશ કુમાર અને આવેશ ખાનને એક-એક સફળતા મળી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news