IND vs SA 2nd Test: જોહનિસબર્ગમાં ક્યારેય હાર્યું નથી ભારત, વધુ એક જીત સાથે રચી શકે છે ઈતિહાસ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 જાન્યુઆરીથી જોહનિસબર્ગમાં બીજી ટેસ્ટ રમાવાની છે. આ મેચમાં ભારતની નજર ટેસ્ટ સિરીઝ જીતવા પર છે. જો વિરાટની ટીમ અહીં જીત મેળવે તો ભારતીય ક્રિકેટ ટીમ નવો ઈતિહાસ રચશે. 

IND vs SA 2nd Test: જોહનિસબર્ગમાં ક્યારેય હાર્યું નથી ભારત, વધુ એક જીત સાથે રચી શકે છે ઈતિહાસ

જોહનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમી રહેલી ટીમ ઈન્ડિયા સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં શાનદાર જીત મેળવ્યા બાદ 1-0થી આગળ છે. સિરીઝની બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરી 2022થી જોહનિસબર્ગના ધ વાન્ડર્સ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન ભારત માટે ભાગ્યશાળી સાબિત થયું છે અને ટીમ ઈન્ડિયા અહીં અત્યાર સુધી એક મેચ પણ હારી નથી. ભારત પાસે આ મેદાન પર ઈતિહાસ રચવાની તક છે. ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચ જીતે તો તે દક્ષિણ આફ્રિકાની ધરતી પર પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતી શકે છે. 

જોહનિસબર્ગમાં 29 વર્ષથી અજેય છે ભારત
ભારતે છેલ્લા 29 વર્ષમાં જોહનિસબર્ગના ધ વાન્ડર્સ સ્ટેડિયમમાં પાંચ મેચ રમી છે. આ મેદાન પર ટીમ ઈન્ડિયા ક્યારેય હારી નથી. આ પાંચ ટેસ્ટ મેચોમાંથી બે મેચ ભારતે જીતી છે, જ્યારે ત્રણ મુકાબલા ડ્રો રહ્યાં છે. સાથે 15 વર્ષ પહેલાં 2006માં આ મેદાન પર ભારતીય ટીમે રાહુલ દ્રવિડની આગેવાનીમાં ઈતિહાસ રચ્યો હતો. ત્યારે ભારતે આફ્રિકાની ધરતી પર પ્રથમવાર ટેસ્ટ મેચમાં જીત મેળવી હતી. આ સમયે ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે 1997માં પ્રથમ સદી પણ અહીં ફટકારી હતી. 

વિરાટની સેનાએ ચાખ્યો છે જીતનો સ્વાદ
જોહનિસબર્ગમાં ભારતે બે ટેસ્ટ મેચ જીતી છે, જેમાંથી એક દ્રવિડ તો એક વિરાટની આગેવાનીમાં જીત મળી છે. કોહલીની આગેવાનીમાં ભારતે 2018માં રમાયેલી ટેસ્ટ મેચ 63 રનથી જીતી હતી. આ સિવાય 1992, 1997 અને 2013માં ભારતીય ટીમે મેચ ડ્રો કરાવી હતી. 1992થી અત્યાર સુધી ટીમ ઈન્ડિયા 8મી વખત દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગઈ છે. જ્યાં અત્યાર સુધી કુલ 21 ટેસ્ટ રમી છે, જેમાંથી તેને 10માં હાર મળી છે અને 7 મેચ ડ્રો રહી છે. દક્ષિણ આફ્રિકાની ટીમ અહીં 42 ટેસ્ટ મેચ રમી ચુકી છે, જ્યાં તેને 18માં જીત મળી છે, જ્યારે 13માં હારનો સામનો કરવો પડ્યો છે. તો 11 મેચ ડ્રો રહી છે. 

જોહનિસબર્ગમાં કોહલી અને પુજારાએ ફટકારી છે સદી
જોહનિસબર્ગના મેદાન પર રમાનારી બીજી ટેસ્ટ દરમિયાન બધાની નજર ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી પણ હશે. આ મેદાન કોહલી માટે લક્કી છે. કોહલીની પાસે આ મેદાન પર સૌથી વધુ રન બનાવનાર બેટર બનવાની તક છે. ટેસ્ટ ક્રિકેટમાં જોહનિસબર્ગમાં સૌથી વધુ રન બનાવવાના મામલે કોહલી બીજા સ્થાને છે. તેણે આ મેદાન પર 310 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડના જોન રીડ તેનાથી આગળ છે, જેના નામે 316 રન નોંધાયેલા છે. કોહલીનો અહીં સારો રેકોર્ડ રહ્યો છે. તેણે અહીં બે ટેસ્ટ મેચમાં એક સદી અને બે અડધી સદી ફટકારી છે. આ સિવાય ચેતેશ્વર પુજારાનો રેકોર્ડ પણ અહીં સારો છે. પુજારા એક સદી અને બે અડધી સદીની મદદથી અહીં 229 રન બનાવી ચુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news