ક્રિકેટના મેદાનમાંથી સીધા હોસ્પિટલ પહોંચી ગયા હતા ભારતના 5 ખેલાડીઓ, વિન્ડીઝ બોલરોએ કરી હતી જીવલેણ બોલિંગ

Story of Bloody battle Test Match WI vs IND 1976: ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે આવતીકાલથી બે ટેસ્ટ મેચની સિરીઝ રમવા ઉતરવાની છે. ત્યારે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમ માટે આવેલા કાળા દિવસની વાત કરવી છે. 1976માં ટેસ્ટ સિરીઝ દરમિયાન જે ઘટના બની તેને યાદ કરીને આજે પણ રૂવાંડા ઉભા થઈ જાય છે. 
 

ક્રિકેટના મેદાનમાંથી સીધા હોસ્પિટલ પહોંચી ગયા હતા ભારતના 5 ખેલાડીઓ, વિન્ડીઝ બોલરોએ કરી હતી જીવલેણ બોલિંગ

નવી દિલ્હીઃ વર્ષ 1976ની વાત છે. વેસ્ટ ઈન્ડિઝનું વર્લ્ડ ક્રિકેટમાં એકતરફી રાજ હતું. દુનિયાભરના બેટરો કેરેબિયન બોલરોથી થર-થર ધ્રૂજતા હતા. તે સમયે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝનો સામનો કરવા તેના દેશમાં પહોંચી હતી. ચાર મેચની ટેસ્ટ સિરીઝ ચાલી રહી હતી. પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરતા ત્રીજી ટેસ્ટમાં ક્લાઇવ લોયડની ટીમને હારનો ડોઝ આપી દીધો હતો. 

કેપ્ટન ક્લાઇવ લોયડ તે હારને પચાવી શક્યા નહીં. ભારતની આ જીતે કેરેબિયન બોલરોની અંદર સૂઈ રહેલા શેતાનને જગાવી દીધો હતો. ત્યારબાદ ચોથી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરોએ ભારતીય બેટરોની જે હાલત કરી તે સાંભળીને આજે પણ રૂવાંડા ઉભા થઈ જાય છે. એક જીતનું નુકસાન ભારતે તે રીતે ઉઠાડવું પડ્યું હતું કે ટીમના પાંચ ખેલાડીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. 

ભારતીય ટીમે કરી હતી શાનદાર શરૂઆત
ત્રીજી ટેસ્ટ મેચ જીત્યા બાદ ભારતીય ટીમનો જુસ્સો આસમાને હતો. 406 રનના રેકોર્ડ લક્ષ્યને હાસિલ કરતા ટીમે યાદગાર જીત હાસિલ કરી હતી. ચોથી ટેસ્ટમાં પણ ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર શરૂઆત કરી અને સુનીલ ગાવસકર અને અંશુમન ગાયકવાડની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 136 રન જોડ્યા હતા. પ્રથમ દિવસની રમત ભારતીય ટીમના નામે રહી અને સ્કોરબોર્ડ પર 1 વિકેટ ગુમાવી 175 રન નોંધાયા હતા. 

કેપ્ટન ક્લાઇવ લોયડનો જીવલેણ પ્લાન
ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય બેટરોનો દબદબો રહ્યાં બાદ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન ક્લાઇવ લોયડે ફાસ્ટ બોલરોની સાથે મળીને જીવલેણ પ્લાન તૈયાર કર્યો હતો. કેરેબિયન બોલરોએ બીજા દિવસે ભારતીય બેટરોની સ્ટમ્પની જગ્યાએ તેના શરીરને નિશાન બનાવવાનું શરૂ કર્યું. વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરોએ એક બાદ એક ભારતીય બેટરના શરીરને નિશાન બનાવ્યું. બદલાની આગ બોલરોના આંખમાં ચમકી રહી હતી અને તેના બોલરોને જોઈને લાગી રહ્યું હતું કે તે ભારતીય બેટરોને આઉટ કરવા માટે નહીં, પરંતુ જીવ લેવા માટે ઉતર્યા છે. 

ત્રણ ખેલાડી પહોંચ્યા હોસ્પિટલ
અંશુમન ગાયકવાડ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરનો પ્રથમ શિકાર બન્યા અને ગોળીની ઝડપે આવેલો બોલ તેના કાન પર લાગ્યો હતો. અશુંમન મેદાન પર પડી ગયા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. અંશુમન બાદ બૃજેશ પટેલના ચહેરા પર માઇકલ હોલ્ડિંગનો બોલ લાગ્યો અને તેમણે હોસ્પિટલ પહોંચીને ટાકા લગાવવા પડ્યા. ગુડપ્પા વિશ્વનાથ પણ કેરેબિયન બોલરના કહેરથી બચી શક્યા નહીં. 

કેપ્ટને ઈનિંગ કરી ડિકલેર
બેટરોની આ સ્થિતિ જોઈને ભારતીય ડ્રેસિંગ રૂમમાં દરેક ખેલાડી ડરી રહ્યાં હતા. કેપ્ટન બિશન સિંહ બેદીએ ટીમના હિતમાં નિર્ણય લેતા ઈનિંગ ડિકલેર કરવાનું નક્કી કર્યું હતું. કહેવામાં આવે છે કે જો બેદી દાવ ડિકલેર ન કરત તો ભારતીય ટીમના બધા ખેલાડીઓ હોસ્પિટલ પહોંચી ગયા હોત. ભારતના 306 રનના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે ફરી 391 રન બનાવ્યા અને 85 રનની લીડ મેળવી હતી. ફીલ્ડિંગ કરતા સમયે કેપ્ટન બેદી અને ચંદ્રશેખર પણ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. એટલે કે ભારતની અડધી ટીમ ઈજાગ્રસ્ત...

બીજી ઈનિંગમાં માત્ર પાંચ બેટર
બીજી ઈનિંગમાં ભારત તરફથી બેટિંગ કરવા માત્ર પાંચ બેટર ઉતર્યા હતા. ગાવસકરની સાથે દિલીપ વેંગસરકરે ઈનિંગની શરૂઆત કરી. ગાવસકર બીજી ઈનિંગમાં ખાસ કરી શક્યા નહીં. વેંગસકરે મોહિંદર અમરનાથની સાથે ઈનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે જલદી પેવેલિયન પરત ફર્યા હતા.

97ના સ્કોર પર મદન લાલ, મોહિંદર અમરનાથ અને એસ વૈંકટરાઘવન એક સાથે આઉટ થયા હતા. ત્યારબાદ ભારતીય ટીમનો કોઈ બેટર બેટિંગ માટે આવ્યો નહીં. ત્રણ બેટર હોસ્પિટલમાં દાખલ હતા, તો બેદી અને ચંદ્રશેખર ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ભારતે વેસ્ટ ઈન્ડિઝની સામે માત્ર 13 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેને કેરેબિયન ટીમે 1.5 ઓવરમાં હાસિલ કરી લીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news