ગુજરાતમાં હજુ ચોમાસું સત્તાવાર રીતે બેઠું નથી એવા હવામાન વિભાગના દાવા વચ્ચે ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. આ આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં 14 જૂને ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, મોરબી તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, દાદરાનાગર હવેલી, ભરૂચ, વલસાડ, તાપીમાં વધુ અસર જોવા મળી શકે છે. ત્યારે 5 દિવસ સુધી મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા વડોદરામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાને આપી છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે સવારથી બપોરના 2 વાગ્યા સુધીમાં 23 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીના જલાલપુર અને ગીર સોમનાથના તાલાલામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.
Jun 10,2020, 14:23 PM IST