કેલિફોર્નિયાના બારમાં અંધાધૂંધ ગોળીબાર, હુમલાખોર સહિત કુલ 13નાં મોત

અમેરિકાના કેલિફોર્નિયાના પ્રખ્યાત 'બોર્ડરલાઈન બાર એન્ડ ગ્રીલ બાર'માં એક વ્યક્તિએ અચાનક ગોળીબાર શરૂ કરી દેતાં અફરાતફરી મચી ગઈ હતી 

કેલિફોર્નિયાના બારમાં અંધાધૂંધ ગોળીબાર, હુમલાખોર સહિત કુલ 13નાં મોત

વોશિંગટનઃ કેલિફોર્નિયા રાજ્યના થાઉઝન્ડ ઓક્સ પ્રાંતમાં આવેલા એક પ્રખ્યાત બારમાં એક વ્યક્તિએ અચાનક ધસી આવીને અંધાધૂંધ ગોળીબાર કરતાં એક પોલીસ કર્મચારી સહિત કુલ 13નાં મોત થયાં હતાં. બારમાં કોલેજની મ્યુઝિક પાર્ટી ચાલતી હતી અને 200 વ્યક્તિ હાજર હતા. જેમાંથી કેટલાક લોકો ઘાયલ થયા છે. 

શેરીફ જીઓફ ડીને સીએનએનને જણાવ્યું કે, લગભગ 13 લોકોનાં મોત થયા છે, જેમાં એક પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. એક વ્યક્તિ અચાનક 'બોર્ડરલાઈન બાર એન્ડ ગ્રીલ બાર'માં ધસી આવ્યો હતો અને તેણે બુધવારે રાત્રે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ગોળીબાર કરનારો આ શંકાસ્પદ વ્યક્તિ પણ ઘટનાસ્થળે મૃત હાલતમાં મળી આવ્યો હતે. 

કેલિફોર્નિયાના થાઉઝન્ડ ઓક્સ પ્રાન્તમાં આવેલા આ બારમાં થયેલા ગોળીબારની ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. બુધવારે થાઉઝન્ડ ઓક્સમાં આવેલા 'બોર્ડરલાઈન બાર એન્ડ ગ્રીલ બાર'માં થયેલી ગોળીબારની ઘટના બાદ પોલીસ લગભગ રાત્રે 11.30 કલાકે પહોંચી ગઈ હતી. 

પ્રાપ્ત અહેવાલો અનુસાર, આ બારમાં એક કોલેજની મ્યુઝિક પાર્ટી ચાલતી હતી અને એ દરમિયાન લગભગ 200થી વધુ લોકો બારમાં હાજર હતા. ચાલુ પાર્ટીમાં જ હુમલાખોર અચાનક ધસી આવ્યો હતો અને તેણે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. 

પોલીસના જણાવ્યા મુજબ અંદાજે 30 રાઉન્ડ જેટલો ગોળીબાર કરાયો હતો. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, વ્યક્તિએ જ્યારે અચાનક ધસી આવીને અંધાધુંધ ગોળીબાર શરૂ કર્યો ત્યારે બારમાં બિહામણું દૃશ્ય સર્જાયું હતું. બારમાં હાજર રહેલા લોકો પોતાના બચાવ માટે ખુરશીઓ વડે બારીઓ તોડીને બહાર નિકળ્યા હતા.

અહેવાલો અનુસાર હુમલાખોરે સ્મોક ગ્રેનેડનો ઉપયોગ કર્યો હોવો જોઈએ. ત્યાર બાદ તેણે એક બંદૂકથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. 

ઘટનાસ્થળે રહેલા એક પ્રત્યક્ષદર્શી હોલ્ડન હારાહએ જણાવ્યું કે, 'એક વ્યક્તિ ચાલતો-ચાલતો મુખ્ય પ્રવેશદ્વારથી બારમાં પ્રવેશ્યો હતો. પ્રવેશતાંની સાથે જ તેણે સામે કાઉન્ટર પર બેસેલી એક છોકરીને શૂટ કરી દીધી હતી.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news