જાણો ઈઝરાયેલની 'મોસાદ' વિશે, દુનિયામાં છે જબરદસ્ત ધાક, જેના નામથી થર થર કાંપે છે આતંકીઓ
મોસાદને વિશ્વની સૌથી શ્રેષ્ઠ ગુપ્તચર સંસ્થા ગણવામાં આવે છે. ખાસ કરીને 1972 પછી આ એજન્સીએ દુનિયામાં એવી ધાક બેસાડી દીધી કે લોકોએ તેની ગણતરી કરવાની ફરજ પડી.
Trending Photos
14મી ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરમાં સીઆરપીએફના કાફલાની એક બસ પર જૈશ એ મોહમ્મદ દ્વારા આત્મઘાતી હુમલો કરાયો જેમાં સીઆરપીએફના જાંબાઝ 40 જવાનો શહીદ થયા. હવે ચારે બાજુ માગણી ઉઠી છે કે પાકિસ્તાનને આ કાયરતાપૂર્ણ હરકત બદલ બરાબર પાઠ ભણાવવામાં આવે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે ભારતે ઈઝરાયેલની જેમ પાકિસ્તાનને સીધુ દોર કરવું જોઈએ. તો આવો જાણીએ ઈઝરાયેલની એ ગુપ્તચર એજન્સી મોસાદ વિશે... જે આતંકીઓને પાઠ ભણાવવા માટે પ્રખ્યાત છે. ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી (જાસૂસી એજન્સી) મોસાદની એટલી જબરદસ્ત ધાક છે કે તેનાથી આતંકીઓ થર થર કાંપે છે.
મોસાદને વિશ્વની સૌથી શ્રેષ્ઠ ગુપ્તચર સંસ્થા ગણવામાં આવે છે. ખાસ કરીને 1972 પછી આ એજન્સીએ દુનિયામાં એવી ધાક બેસાડી દીધી કે લોકોએ તેની ગણતરી કરવાની ફરજ પડી. 1958માં ઈઝરાયેલ દેશ અસ્તિત્વમાં આવ્યો. તેના દોઢ વર્ષ બાદ આ એજન્સીનું ગઠન કરવામાં આવ્યું હતું. 13 ડિસેમ્બર 1949ના રોજ સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂશન ફોર કો-ઓર્ડિનેશન તરીકે આ સંસ્થા અસ્તિત્વમાં આવી હતી. આ એજન્સીનું ગઠન કરવાનો શ્રેય ઈઝરાયેલની સેનાના જાંબાઝ અધિકારી રૂવેન શિલોહને ફાળે જાય છે. મોસાદનું વડુ મથક ઈઝરાયેલના શહેર તેલ અવિવમાં છે. આ એજન્સીને 'કિલિંગ મશીન' તરીકે પણ ઓળખવામાં આવે છે.
મોસાદમાં લગભગ બેહજાર ઓફિસરો અને કર્મચારીઓ છે. રચના બાદ ચાર યહુદી સંગઠન હગાનાહ, ઈરગુન, લેહી અને પાલમચને મેળવીને મોસાદ બનાવવામાં આવી હતી. મોસાદ 'કિલ એન્ડ ફ્લાય' એટલે કે મારો અને ઉડી જાઓ ટેક્નિકમાં નિપુણતા ધરાવે છે. દુશ્મનોને મારીને ગાયબ થવામાં મોસાદીની બરાબરી કોઈ કરી શકે તેમ નથી.
મોસાદનો મુખ્ય ઉદ્દેશ આતંકવાદ સામે લડવું, ગુપ્ત માહિતીઓ ભેગી કરવી વગેરે છે. મોસાદના વડા સીધા પીએમને રિપોર્ટ કરે છે. એવું કહેવાય છે કે જ્યાં ઈઝરાયેલના નાગરિકો વિરુદ્ધ કોઈ કાવતરું રચાઈ રહ્યું હોય ત્યાં તે તમામ સ્થળો પર મોસાદની પહોંચ હોય છે. એવું કહેવાય છે કે પોતાના દુશ્મનોના મોઢેથી રહસ્યો ઓકાવામાં આ એજન્સીને મહારથ હાસલ છે. તેની મહિલાઓ દુનિયાભરમાં ફેલાયેલી છે. મહિલા એજન્ટો તેની તાકાત ગણાય છે.
જાણો તેની કામગીરી અને ઓપરેશનો વિશે...
ઓપરેશન રેથ ઓફ ગોડ (ખુદા કા કહર)
આ મોસાદનું એક ગુપ્ત ઓપરેશન હતું. 5 સપ્ટેમ્બર 1972ના રોજ પેલેસ્ટાઈનના આતંકીઓએ મ્યુનિખના ઓલિમ્પિક વિલેજ પર હુમલો કર્યો હતો અને તેમના નિશાના પર ઈઝરાયેલની ટીમ હતી. આતંકીઓએ ઈઝરાયેલની ટીમના 11 સભ્યોની હત્યા કરી હતી. આ ઘટના પાછળ પેલેસ્ટાઈનના 8 આતંકીઓનો હાથ હતો. તેનો બદલો લેવા માટે ઈઝરાયેલના તત્કાલિન વડાપ્રધાન ગોલ્ડા મીરે એક ઓપરેશનને મંજૂરી આપી. જેનું નામ હતું રેથ ઓફ ગોડ. તેને ઓપરેશન બાયોનેટ નામથી પણ ઓળખાય છે. આ ઓપરેશન 20 વર્ષથી વધુ સમય સુધી ચાલ્યું. જેમાં મોસાદની ટીમે દુનિયાના ગમે તે ખુણેથી આરોપી હત્યારાઓને વીણી વીણીને સાફ કર્યાં. સ્ટીવન સ્પીબર્ગની 2005માં આવેલી ફિલ્મ મ્યુનિખ આ ઓપરેશન પર આધારિત છે. ત્યારબાદથી આતંકીઓ મોસાદ સાથે બાથ ભીડતા ડરે છે.
યુગાન્ડામાં પોતાના નાગરિકોને છોડાવ્યાં
યુગાન્ડાના એરપોર્ટ પર આતંકીઓએ ઈઝરાયેલના 54 જેટલા નાગરિકોને બંધક બનાવ્યાં હતાં. મોસાદના એજન્ટો આ સમગ્ર મામલે એરપોર્ટમાં પ્રવેશી પણ ગયા અને પોતાના નાગરિકોને હેમખેમ ઈઝરાયેલ લાવવામાં પણ સફળ રહ્યાં.
એવું પણ કહેવાય છે કે યુગાન્ડા આતંકીઓ સાથે ભળી ગયું હતું પરંતુ મોસાદે પોતાની તાકાતથી પોતાના 54 નાગરિકોને મોતના મુખમાંથી પાછા મેળવ્યાં. ત્યારબાદ મોસાદે સાબિત કરી દીધુ કે તેનાથી શ્રેષ્ઠ એજન્સી દુનિયામાં કોઈ નથી.
ઈઝરાયેલની અર્થવ્યવસ્થા હાઈટેક છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના મામલે ઈઝરાયેલનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. હાયર એજ્યુકેશનના મામલે પણ આ દેશનો રેકોર્ડ ઉત્તમ છે. એટલું જ નહીં હાઈ સ્કીલ રોજગાર મામલે પણ આ દુનિયાનો ચોથો મોટો દેશ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે