WION Global Summit : શ્રીલંકાના વ્યૂહાત્મક સ્થાનનો યોગ્ય ઉપયોગ થયો નથી- નમલ રાજપક્સા

Zee Media દ્વારા દુબઈમાં આયોજિત Global Summitમાં શ્રીલંકાના સાંસદ નમલ રાજપક્સાએ 'Future of South Asia - Strategic Balances & Alliances' વિષય પર આયોજિત પરિચર્ચામાં ભાગ લીધો હતો 

WION Global Summit : શ્રીલંકાના વ્યૂહાત્મક સ્થાનનો યોગ્ય ઉપયોગ થયો નથી- નમલ રાજપક્સા

દુબઈઃ શ્રીલંકાના સાંસદ નમલ રાજપક્સાએ જણાવ્યું કે, શ્રીલંકાનું વૈશ્વિક નકશામાં જે વ્યૂહાત્મક સ્થાન આવેલું છે તેનો યોગ્ય ઉપયોગ થયો નથી. Zee Media દ્વારા દુબઈમાં આયોજિત Global Summitમાં શ્રીલંકાના સાંસદ નમલ રાજપક્સાએ 'Future of South Asia - Strategic Balances & Alliances' વિષય પર આયોજિત પરિચર્ચામાં ભાગ લીધો હતો. આ પરિચર્ચામાં તેમના ઉપરાંત હસનુલ હક(બાંગ્લાદેશના પૂર્વ મંત્રી), શૌર્ય દેવોલ (ઈન્ડિયા ફાઉન્ડેશનના ડિરેક્ટર), ઝાકિયા વાર્ડક (અફઘાનિસ્તાનમાં સામાજિક કાર્યકર્તા), મિશેલ કુગેલમન (અમેરિકાના વિલ્સન સેન્ટરમાં દક્ષિણ એશિયાની બાબતોના વિશેષજ્ઞ)એ પણ ભાગ લીધો હતો. 

બાંગ્લાદેશના પૂર્વ માહિતી મંત્રી હસનુલ હક્કે આ પરિચર્ચામાં જણાવ્યું કે, "પાકિસ્તાનની મોટાભાગની વસતી આતંકવાદીઓનું સમર્થન કરતી નથી. આ કારણે જ અલ્જેરિયાથી માંડીને ઈન્ડોનેશિયા સુધી આતંકવાદીઓ તેમની પકડ ગુમાવી રહ્યા છે. પાકિસ્તાન આઈએસઆઈ અથવા આતંકી નેટવર્કની મદદથી જે ઈરાદા પાર પાડવા માગી રહ્યું છે તેમાં તેને સફળતા મળશે નહીં. 1971ના યુદ્ધમાં પાકિસ્તાને જ્યારે અમને છેતરવાનો પ્રયાસ કર્યો ત્યારે અમે આઝાદીની લડાઈ જીતી ગયા હતા." આ પરિચર્ચામાં દક્ષિણ એશિયાની બાબતોના વિશેષજ્ઞ મિશેલ કુગેલમને જણાવ્યું કે, "રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પરિષદની બેઠકમાં ટ્રમ્પ સરકારે જણાવ્યું કે તેઓ ચીન પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. અમેરિકા માટે દક્ષિણ એશિયામાં ચીનની ભૂમિકા અત્યંત મહત્વની છે."

આપણે લાંબા સમયથી આદર્શવાદી એજન્ડા અપનાવ્યો છે- બિક્રમ સિંહ
દક્ષિણ એશિયામાં શાંતિની સ્થાપના માટે રાજ્ય પોષિત આતંકવાદનો મૂળિયા સાથેના સર્વનાશ ("Uprooting state-sponsored terrorism: An imperative for peace in South Asia") વિષય પર આયોજિત પેનલ ડિસ્કશનમાં બિક્રમ સિંઘે જણાવ્યું કે, "આપણે લાંબા સમય સુધી આદર્શવાદી એજન્ડા અપનાવ્યો છે. તમે વારંવાર ગાલ આગળ ધરીને લાફો ખાઈ શકો નહીં. આતંકવાદના કેન્દ્રને વધુ સમસ્યાઓ ઊભી કરવાની મંજૂરી ન આપવી જોઈએ. આપણે પાકિસ્તાનનો સામનો કરવો જોઈએ."

અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રહેલા હુસૈન હક્કાનીએ જણાવ્યું કે, "સબ-કન્વેન્શનલ યુદ્ધની રણનીતિ હવે નિષ્ફળ થઈ ચૂકી છે. એક દેશ કોઈ અન્ય દેશના રાજ્ય પોષિત આતંકવાદને પ્રોત્સાહન આપવાની વાત કરે છે, પરંતુ બીજા આવા જ કોઈ દેશને પોતાના સ્વાર્થ માટે આવું કહી શકાય નહીં. આ બાબતે સાંમજસ્ય હોવું જરૂરી છે." પાકિસ્તાનમાં ભારતના હાઈ કમિશ્નર રહી ચૂકેલા જી પાર્થસારથીએ પાકિસ્તાનનો કાન આમળતાં જણાવ્યું કે, "દરેક દેશ પાસે એક સેના છે, પરંતુ પાકિસ્તાનમાં સેના પાસે એક દેશ છે. આજે બાંગ્લાદેશનો વિકાસ દર પાકિસ્તાન કરતાં વધુ છે, કેમ કે તેમણે વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે." પેનલ ડિસ્કશનમાં કંવલ સિબ્બલે જણાવ્યું કે, "1990થી પાકિસ્તાન દ્વારા આતંકવાદને આશરો આપવાના દરમાં વધારો થયો છે." દક્ષિણ એશિયન બાબતોના વિશેષજ્ઞ માઈકલ કુગેલમેને આ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું કે, "આ મુદ્દે પાકિસ્તાનની સેનાના મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે."

લોકશાહીમાં દરેકની લાગણીની કદર થવી જોઈએ- સદગુરુ
આધ્યાત્મિક ગુરુ અને ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક સદુગુરુએ WION Global Summitમાં જણાવ્યું કે, જ્યાં માનવી સંઘર્ષ પેદા થવાની સ્થિતિ હોય ત્યાં વ્યવહારિક કઠણાઈઓનો અન્ય પદ્ધતિથી ઉકેલ લાવવાની જરૂર છે. તેની સાથે જ તેમણે જણાવ્યું કે, લોકશાહીમાં દરેકની લાગણીઓ અને વિચારોને મહત્વ આપવું જોઈએ. જોકે, અનેક વખત આમ કરવું મુશ્કેલ હોય છે. 

તેમણે ભાર મુકીને કહ્યું કે, દક્ષિણ એશિયાનું ભવિષ્ય સતત વિકાસમાં રહેલું છે. તેમણે જણાવ્યું કે, આ વિસ્તારમાં દુનિયાના 33 ટકા કુપોષિત બાળકો રહે છે. આંતરરાષ્ટ્રીય પત્રકાર રિઝ ખાન સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, પાકિસ્તાની લોકો પણ કાશ્મીરી લોકોની ભલાઈ ઈચ્છે છે એ વાત સાથે હું સહમત છું. આપણે જ્યારે સમસ્યામાં રોકાણ કરીએ છીએ, ત્યારે સમસ્યાઓ વધતી જાય છે.

ભારતનું વધી રહ્યું છે કદ- શેખ નહયાન
આ અગાઉ WION Global Summitનું ઉદ્ઘાટન કરતા મુખ્ય અતિથિ અને ગેસ્ટ ઓફ ઓનર શેખ નહયાન મુબારક અલ નહ્યાને જણાવ્યું કે, દક્ષિણ એશિયાના અર્થતંત્રમાં ભારતનું મહત્વ વધી રહ્યું છે અને તેની સાથે જ વૈશ્વિક બાબતોમાં તેના વધતા કદ અંગે વ્યૂહાત્મક દૃષ્ટિકોણની જરૂર છે. ભારતની આ સ્થિતિ દક્ષિણ એશિયાના વિસ્તારમાં નવી સંભાવનાઓ પેદા કરે છે. 

શેખ નહયાન સંયુક્ત આરબ અમીરત(યુએઈ) સરકારના કેબિનેટના મહત્વના સભ્ય અને ટોલેરન્સ મંત્રી છે. તેની સાથે જ શેખ નહયાને જણાવ્યું કે, આ વિસ્તારના વ્યાપારિક અને આર્થિક વાતાવરણ, વૃદ્ધિ અને વિકાસનું વાતાવરણ બનાવવા માટે તમામ સ્તરના પ્રયાસ કરવા પડશે. યુએઈના ભારત અને અન્ય એશિયન દેશો સાથે સારા સંબંધો છે. સ્થાનિક અને વૈશ્વિક સુરક્ષામાં તેની મહત્વની ભૂમિકા છે. 

UAE અને ભારત વચ્ચે વિશેષ સંબંધો છેઃ નવદીપ સૂરી
સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં ભારતના રાજદૂત નવદીપ સૂરીએ જણાવ્યું કે, અહીં બની રહેલું હિન્દુ મંદિર અને અપરાધીઓને પકડીને ભારતને સોંપવાની ઘટના દર્શાવે છે કે, ભારત અને યુએઈના સંબંધો અત્યંત ખાસ છે. તેમણે જણાવ્યું કે, બે ઓક્ટોબરના રોજ બુર્જ ખલીફા પર મહાત્મા ગાંધીની તસવીર બનાવવી બંને દેશો વચ્ચેનાં વિશેષ સંબંધોને દર્શાવે છે. Zee Mediaની આંતરરાષ્ટ્રીય ચેનલ WIONની Global Summitમાં તેમણે આમ જણાવ્યું હતું. 

ભારત માટે યુએઈનું મહત્વ દર્શાવતા નવદીપ સૂરીએ જણાવ્યું કે, ભારત-યુએઈ વચ્ચેનો દ્વીપક્ષિય વેપાર ગયા વર્ષે 52 અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો. અમેરિકા પછી યુએઈ ભારતનો બીજો સૌથી મોટો નિકાસકાર ભાગીદાર દેશ છે. યુએઈમાં 33 લાખ ભારતીય રહે છે અને ભારતથી બહાર ભારતીયોની આ સૌથી મોટી વસતી છે. દુબઈ અંગે તેમણે જણાવ્યું કે, "એક પણ મોટો મધ્યપૂર્વનો દેશ બાકી નહીં હોય જેની કોઈ ને કોઈ ઓફિસ દુબઈમાં ન હોય." 

દક્ષિણ એશિયાની શક્તિ, સંભાવનાઓ અને ભવિષ્ય (Unleashing the Poser of South Asia) વિષય પર WION દ્વારા 20 ફેબ્રુઆરીથી દુબઈમાં એક Global Summitનું આયોજન કરાયું છે. શેખ નહયાને આ આયોજન માટે Zee Media અને WIONનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, તેના દ્વારા તમે શાંતિ અને સતત વિકાસને પ્રોત્સાહિત કરી રહ્યા છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news