Jobs: કોરોના પછી ગુજરાતના 72 ટકાથી વધુ ઉદ્યોગકારો વિસ્તરણ માટે તૈયાર, રોજગારી માટે ખૂલ્યાં નવા દ્વાર

કોરોના મહામારીમાં બિઝનેસ ઓર્ડર અટકી જવાના કારણે મોટા ભાગના ઉદ્યોગોએ 2020માં અનેક ચઢાવ-ઉતાર જોયા છે. વર્ષ 2021 ઔદ્યોગિક એકમો માટે આશાસ્પદ છે. સપ્ટેમ્બરથી નવા ઉત્સાહ સાથે માર્કેટ રિકવર થવા લાગ્યું છે એટલું જ નહિં ગુજરાત મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં દેશભરમાં લીડ કરશે તેવો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે.

 

Jobs: કોરોના પછી ગુજરાતના 72 ટકાથી વધુ ઉદ્યોગકારો વિસ્તરણ માટે તૈયાર, રોજગારી માટે ખૂલ્યાં નવા દ્વાર

ઝી બ્યૂરો, અમદાવાદઃ 2021માં ગુજરાતમાં સરેરાશ 4-5 લાખ નવી રોજગારીનું સર્જન થશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.72.5 ટકાથી વધુ ઔદ્યોગિક એકમો મહામારી બાદ વેપારમાં વિસ્તરણ માટે ઉત્સુક છે. મહામારીના સમયમાં 80 ટકાથી વધુ રિકવરી 42 ટકાથી વધુ ઉદ્યોગોએ પ્રાપ્ત કરી લીધી છે. રિયલ એસ્ટેટ, ટેક્સટાઇલ-ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા બે-ત્રણ માસથી ઝડપી રિકવરી જોવા મળી છે.

ફાર્મા સેક્ટરમાં બે લાખ નવી રોજગારી આવશે
ગુજરાત ફાર્મા હબ છે. કોરોનાના કારણે આ સેક્ટરમાં સૌથી વધુ રોજગારીનું સર્જન થશે.માત્ર આ સેક્ટર જ 2 લાખથી વધુ નવી રોજગારીની તક પૂરી પાડશે. આ ઉપરાંત IT-ઇ કોમર્સમાં પણ સૌથી વધુ રોજગારીની તકો રહેલી છે. ગુજરાતમાં બેરોજગારી દર અત્યારે 11 ટકા આસપાસ છે જે માર્ચ 2021 સુધીમાં ઘટીને 3.4 ટકાની અંદર રહેશે.

પે-આઉટ ઘટ્યાં પણ નાના-મોટા તમામ સેક્ટરમાં રોજગારીનું સર્જન થયું
મહામારીના કારણે ઇન્ડસ્ટ્રીઝ-કોર્પેોરેટ સેક્ટરમાં પે-આઉટ ઘટ્યાં છે પણ રોજગારીનું સર્જન થયું છે.MSME સેક્ટરનું યોગદાન રોજગારી માટે સૌથી વધુ છે.ખાનગી એસ્ટેટ ડેવલપ થઇ રહ્યાં છે. અનેક વિદેશી કંપનીઓ ગુજરાતમાં રોકાણ માટે તત્પર છે. જેના કારણે એન્જિનિયરિંગ, ફાર્મા, ઓટો તથા કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઝડપી રોજગારીનું સર્જન થશે.

ગુણવત્તાને પ્રાધાન્ય આપશે તે ઉદ્યોગો ફાવશે
નવા વર્ષમાં નાના ઉદ્યોગોએ વેપારને વેગ આપવા માટે બિનજરૂરી ખર્ચ પર કાપ મુકવો પડશે. જે પ્રોડક્ટ બનાવે છે તેમાં ગુણવત્તાને પ્રાધાન્ય આપવું પડશે. નિકાસલક્ષી ટાર્ગેટ ધ્યાનમાં રાખવો પડશે તો જ આ સમયમાં ઝડપથી ગ્રોથ જોવા મળશે.વેપારને બને તેટલા દેવા મુક્ત રાખવામાં આવે તો આવનાર આપત્તિઓમાં સરળતાથી બહાર નિકળી શકાય.
 

લૉકડાઉને ઉદ્યોગોને ઘણું શીખવ્યું
મહામારી અને લોકાડાઉનમાં ઉદ્યોગોએ ઓછી મૂડીમાં વધારે ટર્નઓવર કઇ રીતે મેળવી શકાય, બિનજરૂરી ખર્ચા પર કેમ કાપ મુકી શકાય, બિઝનેસની આંતરીક મજબૂતાઇ કઇ રીતે કેળવી શકાય, કરેલા રોકાણ પર શ્રેષ્ઠ વળતર કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, એકમોમાં ઉપલબ્ધ રિસોર્સનો મહત્મ ઉપયોગ કેવી રીતે કરવો જેવી ઉદ્યોગની બાબતોને લૉકડાઉને સમજાવી દીધું છે. આવનારી કટોકટીમાં પણ વેપારને વેગ આપવા હવે મોટાભાગના ઉદ્યોગો સજ્જ બન્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news