આજે શેરબજારમાં બ્લેક ફ્રાઇડે: કોરોનાના નવા વેરિએન્ટથી સેન્સેક્સમાં 1510 અને નિફ્ટીમાં 340 પોઈન્ટનો કડાકો

આજે બજાર માટે બ્લેક ફ્રાઇડે સાબિત થયો છે. બપોરે 2.08 વાગ્યે સેન્સેક્સ 1510ના કડાકા સાથે 57284 પર ટ્રેડ થઇ રહ્યો છે. તો નિફ્ટી 420 અંકના કડાકા સાથે 17115 પર ટ્રેડ થઇ રહ્યું હતું.

Updated By: Nov 26, 2021, 04:41 PM IST
આજે શેરબજારમાં બ્લેક ફ્રાઇડે: કોરોનાના નવા વેરિએન્ટથી સેન્સેક્સમાં 1510 અને નિફ્ટીમાં 340 પોઈન્ટનો કડાકો

મુંબઈ: શુક્રવારે શેરબજાર ભારે કડાકા સાથે ખુલ્યું હતું. આજે બજાર માટે બ્લેક ફ્રાઇડે સાબિત થયો છે. બપોરે 2.08 વાગ્યે સેન્સેક્સ 1510ના કડાકા સાથે 57284 પર ટ્રેડ થઇ રહ્યો છે. તો નિફ્ટી 420 અંકના કડાકા સાથે 17115 પર ટ્રેડ થઇ રહ્યું હતું. ત્યારબાદ શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં ભયંકર ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 168.94 પોઈન્ટ અને નિફ્ટી 509.80 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ ઇન્ડેક્સ 720 પોઈન્ટથી વધુના કડાકા સાથે ખૂલ્યું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના નિફ્ટીની સ્થિતિ પણ ઓછાવત્તા અંશે સમાન રહી હતી. આનું એક સૌથી મોટું કારણ વિશ્વના ઘણા ભાગોમાં કોરોનાનો ફરી વધી રહેલો પ્રકોપ છે, જેના કારણે રોકાણકારો ખૂબ જ ડરેલા દેખાઈ રહ્યા છે. 

સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) બંને પર ફાર્માસ્યુટિકલ કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં રહ્યા હતા, જ્યારે ઓટો મોબાઈલ, સ્ટીલ, ફાઈનાન્સ અને એનર્જી સેક્ટરને લગતી કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઇ ખાતે સેન્સેક્સ ધડામ કરતો પછડાયો છે. 

સેન્સેક્સમાં મોટો ઘટાડો
શેરબજારની શરૂઆત પહેલા પ્રી-ઓપન સેશનમાં જ સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બજાર ખુલ્યું ત્યારે તે 720 પોઈન્ટની આસપાસ ઘટીને 58,075.93 પોઈન્ટ પર ખુલ્યું હતું. જ્યારે ગુરુવારે સેન્સેક્સ ઉછાળા સાથે 58,795.09 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. દિવસના કારોબાર દરમિયાન શેરબજાર 1500થી વધુ પોઈન્ટ તોડીને 57,251.52 પોઈન્ટ પર પહોંચી ગયું હતું.

નિફ્ટીની પણ ખરાબ હાલત 
આ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સની હાલત પણ ખરાબ રહી હતી. નિફ્ટીની શરૂઆત પણ નબળી રહી હતી અને તે લગભગ 250 પોઈન્ટના ઘટાડા સાથે 17,338.75 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે ગુરુવારે તે 17,536.25 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. સવારના વેપારમાં નિફ્ટીએ 430 પોઈન્ટ સુધીનો ઘટાડો નોંધ્યો હતો. સવારે 11 વાગ્યાની આસપાસ તે 17,112.70 પોઈન્ટ હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube