દિલીપકુમારની નામરજી હતી, પણ નૌશાદે એવી ઉસ્તાદી કરી આપણને આ યાદગાર ગીત મળ્યું
Trending Photos
- ફિલ્મ આનના ગીત ‘દિલ મેં છૂપા કે પ્યાર કા તુફાન લે ચલે’ ગીતમાં પ્રેમની નકારાત્મક અભિવ્યક્તિ લાગવાથી દિલીપસાબ નાખુશ હતા
ઝી મીડિયા/અમદાવાદ :દિગ્ગજ અભિનેતા દિલીપકુમારની વિદાયથી હિન્દી સિનેમાના એક યુગનો અંત આવ્યો છે. અભિનયની પાઠશાળા ગણાતા દિલીપકુમાર (Dilip Kumar) ફિલ્મનિર્માણના દરેક તબક્કામાં સક્રિય રસ દાખવતા હતા. ફિલ્મના સંગીતમાં પણ તેમની સામેલગીરી રહેતી હતી અને ગીતના શબ્દો, ધૂનની પસંદગીમાં પણ તેમનો આગ્રહ બહુ મહત્વનો હતો. એવો જ એક રસપ્રદ કિસ્સો વિખ્યાત સંગીતકાર નૌશાદે નોંધ્યો છે.
મિયાં, યે ગાના મેરી ફિલ્મ પીટવા દેગા
હિન્દી ફિલ્મ આન બની રહી હતી. દિગ્દર્શક મહેબૂબખાન ઉપરાંત સંગીતકાર નૌશાદ અને ગીતકાર શકિલ બદાયુની સાથે દિલીપકુમારને ગાઢ મૈત્રી હતી. ફિલ્મનું સંગીત બની રહ્યું હતું ત્યારે દિલીપકુમારના પાલીહિલ ખાતને નિવાસસ્થાને ત્રણ ગીતોની ધૂન નૌશાદે રજૂ કરી. ગીતકાર શકિલે તરત એ ધૂન પરથી ફિલ્મની સિચ્યુએશન મુજબ મુખડા લખવા માંડ્યા. એમાં એક મુખડું સાંભળીને દિલીપકુમારે તરત મોં મચકોડ્યું. એ ગીતના શબ્દો હતા ‘દિલ મેં છૂપા કે પ્યાર કા તુફાન લે ચલે... હમ આજ અપની મોત કા સામાન લે ચલે’. દિલીપકુમારે આ મુખડુ સાંભળીને તરત કહી દીધું, ‘પ્યાર કા તુફાન... મૌત કા સામાન... ક્યા બકવાસ લિખ રહે હો મિયાં... યે ગાના તો મેરી ફિલ્મ પીટવા દેગા’
મહેબુબખાને પણ સૂર પૂરાવ્યો
દિલીપકુમારે બોલકી નારાજગી વ્યક્ત કરી એટલે ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક મહેબુબખાને પણ તેમાં સૂર પૂરાવ્યો. એમને પણ આ ગીતમાં પ્રેમની નકારાત્મક અભિવ્યક્તિ થતી હોવાનું લાગતું હતું. પરંતુ નૌશાદને આ મુખડું બહુ જ ગમ્યું હતું. પોતે બનાવેલી રમતિયાળ ધૂન અને ખાસ તો હિરોઈનને ચીડવી રહેલા હિરોની સિચ્યુએશન મુજબ એમને આ મુખડું એકદમ યોગ્ય લાગતું હતું.
છેવટે આ રીતે નિર્ણય લેવાયો
ફિલ્મના હિરોની નારાજગી, દિગ્દર્શકની ય નાખુશી... હવે શું કરવું? છેવટે નૌશાદે વચલો રસ્તો કાઢ્યો. તેમણે કહ્યું કે આપણે એક કામ કરીએ. આજે આ મુખડુ જ હું મારા અવાજમાં રેકોર્ડ કરી લઉં છું. આપણે ૧૦૦ લોકોને સંભળાવીએ અને પછી તેમના અભિપ્રાયના આધારે નિર્ણય લઈએ. ભારે નારાજગી સાથે છેવટે દિલીપકુમારે આ વિકલ્પ ચકાસવાની હા પાડી. યોગાનુયોગે ટ્રાયલ તરીકે રેકોર્ડ થયેલ મુખડું સાંભળનારા દરેક લોકોએ વખાણ કર્યા એટલે પછી નાછૂટકે દિલીપકુમારે એ ગીત માટે હા પાડવી પડી.
ખરેખર તો એ નૌશાદની ઉસ્તાદી હતી
નૌશાદને પાકો ભરોસો હતો કે ગીત સુપરહિટ જવાનું જ છે. આથી તેમણે ગીત સંભળવતા પહેલાં દરેક લોકોને કહી રાખ્યું હતું કે તમારે એમ જ કહેવાનું છે કે ગીત બહુ સરસ છે. એ ચબરાકીને લીધે જ દરેક લોકોએ ગીત માટે પોઝિટિવ ફિડબેક આપ્યા હતા. યોગાનુયોગે ફિલ્મ રિલિઝ થયા પછી એ ગીત ભારે લોકપ્રિય થયું અને આજે પણ લાખો સંગીતરસિયાની જીભે એ ચડેલું છે. બાદમાં દિલીપકુમારને નૌશાદની આ ઉસ્તાદી વિશે ખબર પડી ત્યારે હસીને તેમણે કહ્યું કે, ‘અબ મિયાં ઐસે હી કરતે રહેના’
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે