Bollywood ની ફિલ્મોના એવા Superhit ગીતો જે ખુબ લાંબા હોવા છતાં આજે પણ છે યાદગાર
ભારતીય ફિલ્મોમાં જેટલી મહેનત સ્ટોરી પર કરવામાં આવે છે, તેટલી મહેનત ગીત-સંગીત પર પણ કરવામાં આવે છે. તમે બોલીવુડની કેટલીક એવી ફિલ્મો પણ જોઈ હશે જે માત્ર ગીતના કારણે સુપરહીટ થઈ હોય.
Trending Photos
મોનાલી સોની, અમદાવાદઃ કહેવાય છે કે, એક સારી ફિલ્મમાં બધા જ પાસાઓનું ધ્યાન રાખવુ જોઈએ. ત્યારે જઈને ફિલ્મ બોક્સ ઓફિસ પર સારુ કલેક્શન કરી શકે છે. ભારતીય ફિલ્મોમાં જેટલી મહેનત સ્ટોરી પર કરવામાં આવે છે, તેટલી મહેનત ગીત-સંગીત પર પણ કરવામાં આવે છે. તમે બોલીવુડની કેટલીક એવી ફિલ્મો પણ જોઈ હશે જે માત્ર ગીતના કારણે સુપરહીટ થઈ હોય. અને કેટલીક એવી ફિલ્મો પણ જે ફ્લોપ થઈ હોય પરંતુ તેના ગીતની ધુન, તેના શબ્દો દરેકના હોઠ ગણગણાવતા હોય.
ભારતીય ફિલ્મોમાં ગીતોની મુખ્ય ભૂમિકા હોય છે. આ ગીતોમાં આપણા સંગીતકારોએ અનેક રેકોર્ડ પણ બનાવ્યા છે. જો ગીતોની લંબાઈની વાત કરવામાં આવે તો, સામાન્ય રીતે ગીત 5 મિનિટ સુધીના હોય છે. પરંતુ કેટલાક ગીત 15 મિનિટ સુધીના હોય છે. આટલા લાંબા ગીતોને દર્શકોએ ખૂબ જ પસંદ પણ કર્યા છે.
અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ
વર્ષ 2004માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ’નું ટાઈટલ સોંગ 14 મિનિટ 29 સેકન્ડનું હતુ. આ ગીતને બોલીવુડનું સૌથી લાંબુ ગીત માનવામાં આવે છે. ગીતના લેખક સમીર હતા અને તેને સંગીત આપ્યુ હતુ અનુ મલિકે. સોનુ નિગમ અને ઉદિત નારાયણે ગીતને પોતાનો શાનદાર અવાજ આપ્યો હતો. આ ગીતને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યુ અને શ્રેષ્ઠ દેશભક્તિના ગીતોમાં શામેલ કરી દીધુ.
હમ સાથ સાથ હૈ
‘હમ સાથ સાથ હૈ’નું ગીત ‘સુનો જી દુલ્હન, એક બાત સુનોજી’ પણ સૌથી લાંબા ગીતની શ્રેણીમાં શામેલ છે. 12 મિનિટ 11 સેકન્ડનાં લાંબા રાજશ્રી પ્રોડક્શનનાં આ ગીતને ઘણા ગાયકોએ અવાજ આપ્યો છે. પ્રતિમા રોય, ઉદિત નારાયણ, સોનૂ નિગમ, રુપ કુમાર રાઠોર અને કવિતા કૃષ્ણમૂર્તિએ પોતાના અવાજનો જાદુ પાથર્યો છે. ગીતને ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યુ હતુ.
મુજસે દોસ્તી કરોગે
ફિલ્મ ‘મુજસે દોસ્તી કરોગે’નું એક અંતાક્ષરી સોંગ ‘ધ મેડલે’ પણ સામે આવ્યુ હતુ. જે ખૂબ જ લાંબુ હતું. 12 મિનિટ 9 સેકન્ડનાં આ સોંગમાં લતા મંગેશકર, ઉદિત નારાયણ, સોનૂ નિગમ અને પામેલા ચોપડાએ પોતાનો અવાજ આપ્યો હતો. લિરિક્સ આનંદ બક્શીના હતા. ફિલ્મમાં ઋત્વિક રોશન, કરીના કપૂર, રાની મુખર્જી અને ઉદય ચોપડા સહિતના અન્ય કલાકારો નજરે પડ્યા હતા.
એલઓસી કારગિલ
‘એલઓસી કારગિલ’ દેશભક્તિ પર આધારિત ફિલ્મ હતી. 12 ડિસેમ્બર 2003માં રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ તો નથી કરી શકી, પરંતુ તેના બધા જ ગીત હિટ સાબિત થયા હતા. ‘મેં કહી ભી રહૂ, હર કદમ હર ઘડી’ નામનું ગીત 10 મિનિટ 18 સેકન્ડ લાંબુ હતુ. આ ગીતને સોનૂ નિગમ, ઉદિત નારાયણ, રુપ કુમાર રાઠોર, હરિહરણ અને સુખવિંદર સિંહે અવાજ આપ્યો હતો. આ ગીત જાવેદ અખ્તરે લખ્યુ હતુ, જેને અનુ મલિકે સંગીત આપ્યુ હતું.
બોર્ડર
દેશભક્તિ ફિલ્મની વાત હોય અને ‘બોર્ડર’નો ઉલ્લેખ ન હોય તેવુ કેવી રીતે બની શકે. ફિલ્મ જેટલી હીટ હતી તેટલા ગીતો પણ હીટ થયા હતા. આજે પણ 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ‘સંદેશે આતે હે’ ગીત સાંભળવા મળી જ જાય છે. આ ગીત 10 મિનિટ 7 સેકન્ડનું છે. આ ગીતે ઘણા એવોર્ડ પોતાના નામે કર્યા અને ગીત ગાયુ સોનૂ નિગમ અને રુપ કુમાર રાઠોરે. બીજીબાજુ જાવેદ અખ્તર અને અનુ મલિકીની જોડીએ ગીતને લખ્યુ અને કમ્પોઝ કર્યુ હતું.
શાનદાર
શાહિદ કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘શાનદાર’નું ગીત ‘સેંટીવાલી મેંટલ’ 10 મિનિટ 5 સેકન્ડનું ગીત છે. આ ગીતને અરજિત સિંહ, સ્વનંદ કિરકિરે, અમિત ત્રિવેદી અને નીતિ મોહને ગાયુ છે.
મહોબ્બતે
આ ફિલ્મને કોણ નથી જાણતું. શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને એશ્વર્યા રાય સહિત અન્ય સ્ટાર સાથેની આ મલ્ટી સ્ટારર ફિલ્મ બ્લોકબસ્ટર હતી. ફિલ્મના ગીતો પણ ખૂબ લોકપ્રિય રહ્યા. તેનું એક ગીત ‘સોણી સોણી અંખિયો વાલી’ 9 મિનિટ 7 સેકન્ડ લાંબુ હતુ. આ ગીતને ઉદિત નારાયણ, મનોહર શેટ્ટી, સોનાલી ભતૌડકર, શ્વેતા પંડિત અને ઈશાને ગાયુ હતું.
મૈંને પ્યાર કિયા
90નાં દાયકાની ફિલ્મોની વાત કરીએ તો આ ફિલ્મ વગર અધૂરી જ લાગે. કંટાળાનજક અને એક્શન ફિલ્મોના દોર વચ્ચે આવેલી આ ફિલ્મે લોકોનું દિલ જીતી લીધુ હતું. આ ફિલ્મથી સલમાન ખાન રાતો-રાત સ્ટાર બની ગયા હતા. બોલીવુડની આ રોમેન્ટિક ફિલ્મે પોતાના સમયમાં સૌથી વધુ કમાણી કરી હતી. ગીતમાં એકથી એક ચઢિયાતા ગીતો હતા. 9 મિનિટ 8 સેકન્ડ લાંબુ ‘અંતાક્ષરીનું ગીત લોકોને ખૂબ જ પસંદ આવ્યુ હતુ. આ ફિલ્મમાં એક બીજુ પણ ગીત ‘કબૂતર જા જા’ 8 મિનિટ 24 સેકન્ડ લાંબુ હતુ. આજે પણ આ ગીતને લોકો ગણગણાવતાં મળી જાય છે. એસ.પી.સુબ્રમણ્યમ અને લતા મંગેશ્કરે ગીત ગાયુ હતુ.
ગાઈડ
ફિલ્મ ‘ગાઈડ’માં વહીદા રહેમાન પર ફિલ્માવવામાં આવેલા ગીત ‘પિયા તોસે નૈના લાગે રે, નૈના લાગે રે, જાને ક્યા હો અબ આગે રે’. બોલીવુડના સૌથી લાંબા ગીત પૈકીનું એક છે. 8 મિનિટ 28 સેકન્ડનાં આ ગીતને સ્વર કોકિલ કંઠી લતા મંગેશકરે ગાયુ હતું. એન્ડી બર્મને મ્યૂઝિક આપ્યુ હતું અને શૈલેન્દ્રએ પોતાની કલમથી ગીતના શબ્દો લખ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે