માત્ર અમાસના દિવસે દેખાતા કંકણાકૃતિ સૂર્યગ્રહણને નિહાળવા આ બાબતનું ખાસ ધ્યાન રાખજો
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :આવતી 26 ડિસેમ્બર, 2019ના રોજ થનારું કંકાણાકૃતિ સૂર્યગ્રહણ (Solar Eclipse 2019 ) કચ્છ-ગુજરાતમાં ખંડગ્રાસ સ્વરૂપે જોવા મળશે. સવારે 08.04 થી 10.46 વાગ્યા દરમ્યાન કુલ 02 કલાક 42 મિનીટ સુધી જોઈ તેને નિહાળી શકાશે. આ ગ્રહણ મૂળ રીતે કંકણાકૃતિ પ્રકારનું સૂર્યગ્રહણ છે. આ ગ્રહણની શરૂઆત પૃથ્વી પર સાઉદી અરેબિયાથી થશે, ત્યાર બાદ ગ્રહણપથ ઓમાનથી અરબી સમુદ્ર વાટે ભારતના દક્ષિણી ક્ષેત્રમાંથી પસાર થઇ પ્રશાંત મહાસાગરમાં આ ગ્રહણનો અંત થશે. ભારતમાં કેરળના કુનુરથી તામિલનાડુના મોટાભાગના વિસ્તારમાં મહત્તમ કંકણાકૃતિ ગ્રહણ જોવા મળશે, જ્યારે કે બાકીના ભારત અને ગુજરાતમાં તે દિવસે ખંડગ્રાસ પ્રકારનું સૂર્યગ્રહણ જોવા મળશે. 10 વર્ષ બાદ સૂર્યગ્રહણ જોવા માટેનો આ શ્રેષ્ઠ મોકો છે, ત્યારે ખાસ પ્રકારનું કંકણાકૃતિ સૂર્યગ્રહણને લગતી અફવાઓથી ડર્યા વગર વૈજ્ઞાનિક અભિગમ સાથે માણવાની અપીલ કચ્છના ખગોળ એક્સપર્ટસ દ્વારા કરાઈ છે.
અમાસના દિવસે સૂર્ય-ચંદ્ર એક જ રાશિમાં હોય છે
સૂર્યગ્રહણ અંગે વિશેષ માહિતી આપતા સ્ટાર ગેઝીંગ ઇન્ડિયાના નિશાંત ગોરે જણાવ્યું કે, સૂર્યગ્રહણ હંમેશા અમાસના દિવસે જ થાય છે. કારણ કે, માત્ર અમાસના દિવસે જ સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં હોય છે અને તેમનું કોણીય અંતર શૂન્ય ડિગ્રી હોય છે. ચંદ્રનો પરિક્રમા પથ અને પૃથ્વીનો પરિક્રમા પથ એકબીજાને જ્યાં છેદે છે તે છેદન બિંદુ ઉપર સૂર્ય અને ચંદ્ર આવે છે, ત્યારે આપણને સૂર્યગ્રહણ જોવા મળે છે. આ છેદન બિંદુઓને ભારતીય ખગોળમાં રાહુ અને કેતુના નામે ઓળખવામાં આવે છે. આકાશમાં મોટા ભાગે સૂર્ય અને ચંદ્ર આપણને એકસરખા જ જોવા મળતા હોય છે. કારણ કે, સૂર્ય એ ચંદ્ર કરતા લગભગ ૪૦૦ ગણો મોટો તો છે, પરંતુ તેનાથી ૪૦૦ ગણો દૂર પણ છે.
‘દેશ કે ગદ્દારો કો ગોલી મારો...’ કહી CAAના સમર્થનમાં સુરતના રસ્તા પર ઉતર્યા હજ્જારો લોકો
કેમ કંકણાકૃતિ સૂર્યગ્રહણ કહેવાય છે
આ ગ્રહણની વિશેષતાઓ સાથે વિગતો જોઈએ, તો ૨૬મી ડિસેમ્બરે સૂર્યનું પૃથ્વીથી સરેરાશ અંતર ૧૪,૯૫,૯૭,૮૭૧ કિલોમીટર કરતા ઓછું હોય ત્યારે સૂર્યનું બિંબ નજીક હોઈ સૂર્ય તેના સરેરાશ કદ કરતા મોટો દેખાય. તેની સાથે સાથે ચંદ્રનું પૃથ્વીથી સરેરાશ અંતર 3,૮૫,૦૦૦ કિલોમીટરના અંતર કરતા વધુ છે, જેથી ચંદ્રનું કદ સામાન્ય કરતાં નાનું દેખાય છે. આ પરિસ્થિતિમાં જો ગ્રહણ થાય તો, આ ગ્રહણ દરમ્યાન ચંદ્રની તકતી સૂર્યની તકતીને પૂરેપૂરી ઢાંકી શકતી નથી, જેથી સંપૂર્ણ ગ્રહણને બદલે સૂર્યની વચ્ચોવચ ચંદ્ર આવી જાય છે, અને તેની આસપાસ સૂર્યનું અગ્નિ વર્તુળ દેખાય છે. જેને અંગ્રેજીમાં રીંગ ઓફ ફાયરના નામે પણ ઓળખવામાં આવે છે. સૂર્ય બંગડી(કંકણ) આકારે દેખાતો હોવાથી
તેને કંકાણાકૃતિ સૂર્ય ગ્રહણ કહેવાય છે.
9 વર્ષ બાદ આવું ગ્રહણ જોવાની તક મળશે
આ ગ્રહણ શા માટે વિશેષ છે તે અંગે વાત કરતા કચ્છના જાણીતા ખગોળશાસ્ત્રી અને સ્ટારગેઝીંગ ઇન્ડીયાના સહસંસ્થાપક નરેન્દ્ર ગોર જણાવે છે કે, આ પહેલા કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં 15 જાન્યુઆરી ૨૦૧૦ના જોવા મળ્યું હતું, તે સમયે નરેન્દ્ર ગોર સાથેની કચ્છની એક ટીમે કન્યાકુમારી જઈ આ ગ્રહણનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ ભારતમાં આ પ્રકારનું સૂર્યગ્રહણ જોવા મળવાનું છે. આ રીતે સૂર્યગ્રહણ જોવું એ એક દુર્લભ ઘટના છે, જે કોઈ સ્થળ પરથી જવલ્લે જ જોવા મળે છે. આ સાથે વિશેષમાં જણાવ્યું કે, આ સૂર્યગ્રહણ બાદ 21 જુન, 2020ના રોજ ફરીથી સૂર્યગ્રહણ જોવા મળશે. ત્યાર બાદ છેક 2034માં ભારતમાંથી સૂર્યગ્રહણ જોવા મળશે. આવી વિરલ ઘટનાનો સૌ કોઈ વૈજ્ઞાનિક અભિગમ
સાથે સમજીને અભ્યાસ કરે તે ઇચ્છનીય છે.
સૂર્યગ્રહણનો સમય
- ગ્રહણ પ્રારંભ સમય - 08.08.08
- ગ્રહણ સમાપ્તિ સમય - 10.58.55
- ખગ્રાસનો સમય - 2 વાગીને 49 મિનીટ 46 સેકન્ડ્સ
સૂતક ક્યારે લાગશે
- સૂતક પ્રારંભ - 17:52:13- 25 ડિસેમ્બરથી
- સૂતક સમાપ્ત - 10:58:55-26 ડિસેમ્બર
- બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે સૂતકનો પ્રારંભ - 03:44:27
- બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે સૂતક સમાપ્ત - 10:58:44
સૂર્યગ્રહણ જોવા શું તકેદારી રાખવી
સૂર્યગ્રહણને જોવામાં કેટલીક તકેદારીઓ રાખવી અત્યંત જરૂરી છે, સૂર્યની સામે નરી આખે જોવાથી આંખને કાયમી નુકશાન થઇ શકે છે, જેથી સૂર્યની સામે યોગ્ય સલામતી ફિલ્ટર વિના જોવું નહિ. કચ્છના જાણીતા આંખના ડોક્ટર સંજય ઉપાધ્યાયે સૂર્યગ્રહણ જોવા બાબતે જણાવ્યું હતું કે, સામાન્ય પરિસ્થિતિમાં સૂર્યની સામે થોડી ક્ષણોથી વધુ જોઈ શકાતું હોતું નથી, અને તેટલા સમયમાં આંખની કિકી ઝીણી થઇ જાય છે, કે આંખમાં પાણી આવી જાય છે, જે આપણી આંખની પ્રતિકારક પ્રક્રિયા છે. જેના કારણે આંખને નુકશાન થતું અટકે છે. હવે જ્યારે આ જ સ્થિતિ આપણે સૂર્યગ્રહણ વખતે જોઈએ તો શું થાય? ચંદ્ર સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવી જાય છે, એના કારણે સૂર્યની પ્રકાશિતતામાં ઘટાડો નોંધાય છે. જ્યારે
તેમાંથી આવતા હાનિકારક વિકિરણોમાં કોઈ ઘટાડો થતો નથી, જેથી આંખને નુકશાની થઇ શકે છે. આ નુકશાની કાયમી રીતે ખોડ પણ ઉત્પન કરી શકે છે. જેથી સૂર્યગ્રહણને નરી આંખે ન જોવા સલાહ છે. તેના માટે યોગ્ય વૈજ્ઞાનિક ફિલ્ટર તથા 14 નંબરનો વેલ્ડીંગ ગ્લાસ ઉપયોગમાં લઇ શકાય અથવા સૂર્યનું પ્રોજેક્શન કરી ગ્રહણ નિહાળી શકાય. પરંતુ એક્સરે ફિલ્મ, ફોટોગ્રાફિક ફિલ્મ, પાણીમાં પ્રતિબિંબ જેવી તમામ અવૈજ્ઞાનિક પદ્ધતિઓથી આંખને નુકશાન થવાની સંભાવના વધારે રહેલી છે.
સૂર્ય ગ્રહણ જોવા માટેના ખાસ વૈજ્ઞાનિક ફિલ્ટરવાળા ચશ્મા પણ માર્કેટમાં અવેલેબલ હોય છે. જેના દ્વારા સલામત રીતે સૂર્યગ્રહણ જોઈ શકાય છે. નિશાંત ગોરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં સૂર્યગ્રહણ અંગે સમજ કેળવાય તે માટે કચ્છની અનેક શાળાઓ જેમ કે, નિંગાળ પ્રાથમિક શાળા, આગાખાન શાળા મુન્દ્રા, લાલન કોલેજ, શ્રી લેઉવા પટેલ કન્યા વિદ્યાલય, આર ડી વરસાણી કુમાર વિદ્યાલય જેવી અનેક શાળાઓમાં પ્રેઝન્ટેશન અને ગ્રહણ કેવી રીતે જોવું એની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે