વડોદરા : MSU એસિડ એટેક ધમકી કેસમાં 8 યુવકોની ધરપકડ
વડોદરાની એમ એસ યુનિવર્સિટી અવાર નવાર વિવાદોમાં રહે છે, ત્યારે યુનિવર્સિટીની વાઈસ પ્રેસિડન્ટ અને અન્ય વિદ્યાર્થીનીને યુનિવર્સિટીમાં ઘૂસી પઠાણ ગ્રુપના વિદ્યાર્થીઓએ એસિડ અટેકની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસે તાત્કાલિક આરોપી ઝુબેર સહિત 8 લોકોની ધરપકડ કરી છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાની એમ એસ યુનિવર્સિટી અવાર નવાર વિવાદોમાં રહે છે, ત્યારે યુનિવર્સિટીની વાઈસ પ્રેસિડન્ટ અને અન્ય વિદ્યાર્થીનીને યુનિવર્સિટીમાં ઘૂસી પઠાણ ગ્રુપના વિદ્યાર્થીઓએ એસિડ અટેકની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસે તાત્કાલિક આરોપી ઝુબેર સહિત 8 લોકોની ધરપકડ કરી છે.
એમ. એસ. યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી અને વિવાદોમાં રહેલા પઠાણ ગ્રુપના ઝુબેર પઠાણે યુનિવર્સિટીની વાઈસ ચાન્સેલરની ઓફિસની બહાર જ વાઈસ પ્રેસિડન્ટ સલોની મિશ્રા અને અન્ય વિદ્યાર્થિની શ્રેયા નેગાંધી પર એસિડ એટેક કરવાની ધમકી આપી હતી. તેમજ યુનિવર્સિટીની બહાર નીકળે એટલે બતાવી દેવાની ધમકી આપી હતી. તેથી સલોની મિશ્રાએ ડીસીપી ક્રાઈમ અને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને લેખિતમાં ફરિયાદ કરી છે. સલોની મિશ્રાએ યુનિવર્સિટીમાં આઈકાર્ડ પણ ચેક ન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ ઝુબેર પઠાણ અને તેના સાગરિતો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. આ બનાવથી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે.
સલોનીની ફરિયાદ બાદ યુનિવર્સિટી હેડ ઓફિસ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસની ટીમે યુનિવર્સિટી હેડ ઓફિસ પર પહોંચી યુનિવર્સિટી વિજિલન્સ અધિકારી સાથે વાતચીત કરી માહિતી મેળવી છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે મુખ્ય આરોપી ઝુબેર પઠાણ સહિત 8 આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ ઝુબેર સામે મોટી કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે. સાથે જ ઝુબેર સહિત 8 સામે રાયોટિંગ, જાનથી મારવાની ધમકી સહિતની કલમો લગાવી ગુનો દાખલ કર્યો છે.
મહત્વની વાત એ છે કે, ઝુબેર પઠાણ અને પઠાણ ગ્રુપના સભ્યો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ન હોવા છતાં બેરોકટોક કેમ્પસમાં અવારનવાર ઘૂસી વિદ્યાર્થીનીઓને ધમકી આપે છે. જેના પગલે યુનિવર્સિટીની સુરક્ષા સામે અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે હવે યુનિવર્સિટીના સત્તાધીશો અને પોલીસ શું મોટી કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઈની નજર બની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે