અમદાવાદમાં દુર્લભ પ્રકારના કેન્સરની જટીલ સર્જરી, 10 કલાક સુધી ચાલેલી સર્જરી વિના મૂલ્યે કરાઈ
કોન્ડ્રોસારકોમા એ એક દુર્લભ પ્રકારનું કેન્સર છે જે સામાન્ય રીતે હાડકામાં શરૂ થાય છે, પરંતુ કેટલીકવાર હાડકાની નજીકના નરમ પેશીઓ-ટિસ્યુમાં થઈ શકે છે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: મૂળ કલકત્તાના 51 વર્ષીય અરુણ કોલેની જીસીએસ હોસ્પિટલમાં સ્ટર્નમ ટ્યૂમરની સફળ જટીલ સર્જરી કરાઈ. આ પ્રકારની સર્જરી મેડીકલ જગતમાં ખૂબ જ ઓછી જોવા મળે છે. સ્ટર્નમ (છાતીના હાડકામાં) કેન્સરની અસામાન્ય ગાંઠ માટે ડોક્ટરોની ટીમ દ્વારા અત્યંત રેર કહી શકાય તેવી સર્જરી સફળતાપુર્વક પાર પાડી અને દર્દીને નવજીવન આપ્યું હતું. ખાનગી હોસ્પિટલમાં લાખોના ખર્ચે થતી સર્જરી આયુષ્માન ભારત યોજના અંતર્ગત GCS હોસ્પિટલમાં તદ્દન નિઃશુલ્કપણે સફળતાપૂર્વક કરવામાં આવી.
હાલ અમદાવાદ ખાતે અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અરુણભાઈને છેલ્લા એક વર્ષથી છાતીના ભાગમાં ગાંઠના કારણે અસહ્ય દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જે કારણોસર કલકત્તાની ઘણી હૉસ્પિટલમાં બતાવ્યા છતાં કોઈ ઉકેલ ન આવતા અમદાવાદ આવવાનું નક્કી કર્યું. અમદાવાદ ખાતે જીસીએસ હોસ્પિટલમાં ડો. ઉર્વીશ શાહે (કેન્સર સર્જન) દર્દીને તપાસી અને સીટીસ્કેન, પેટ સીટી અને બાયોપ્સી રિપોર્ટ કરાવતા એ ગાંઠ કોન્ડ્રોસારકોમાની હોવાનું માલુમ પડ્યું હતું.
કોન્ડ્રોસારકોમા એ એક દુર્લભ પ્રકારનું કેન્સર છે જે સામાન્ય રીતે હાડકામાં શરૂ થાય છે, પરંતુ કેટલીકવાર હાડકાની નજીકના નરમ પેશીઓ-ટિસ્યુમાં થઈ શકે છે. આ ગાંઠનું સ્થાન ખુબ કટોકટીભર્યું હતું. છાતીમાં હાડકાંનું બનેલુ પાંસળીઓનું પીંજર હોય છે જેની અંદર ફેફસાં અને હૃદય સુરક્ષિત હોય છે. છાતીની બંને તરફ બાર-બાર પાંસળીઓ રહે તે રીતે વચ્ચેના હાડકાં સાથે જોડાઈને પીંજર જેવો આકાર તૈયાર થયેલો છે. પાંસળીના પીંજરની વચ્ચે મુખ્ય સ્થંભને સ્ટર્નમ કહે છે. આ સ્ટર્નમ ભાગમાં દર્દીને કેન્સર જોવા મળ્યું હતું જે ધીરે ધીરે વધી રહ્યું હતું. ફેફસાની પાંસળીઓને સપોર્ટ આપતું મુખ્ય હાડકું અને હૃદયના બહારના આવરણ સુધી આ ગાંઠ ફેલાયેલી હોવાથી ફેફસાના હાડકાને કાઢવું જરૂરી બને એવું હતું.
આ જટિલ સર્જરી માટે સ્ટારનમના ગાંઠ-ગ્રસ્ત ભાગ નીકાળી લીધા બાદ ટાઇટેનિયમની મેશ દ્વારા પાંસળીઓને ટેકો આપવાનો વિચાર ડોક્ટર્સ દ્વારા કરાયો. ટાઇટેનિયમ મેશની વિશેષતા એ છે કે, તેનાથી દર્દીને ભારેપણું લાગતું નથી. આ ઓપરેશન ખુબ જોખમી હોવાથી સગાની સાથે વાત કરી આખરે ઓપરેશનનો નિર્ણય લેવાયો. આ ખાસ ઓપરેશન દરમિયાન ડો. ઉર્વીશ શાહ દ્વારા કેન્સરની ગાંઠનો નિકાલ કરવાની, ડો. અનિતેશ શંકર (કાર્ડિયોથોરાસિક અને વાસ્ક્યુલર સર્જન) દ્વારા હૃદયને કોઈ હાનિ ન થાય એ કાળજી લેવાની અને ડો.પ્રમોદ મેનન (પ્લાસ્ટિક સર્જન) દ્વારા મેશનું પ્રત્યારોપણ અને પગમાંથી ચામડી લઇ છાતીના ભાગે પ્લાસ્ટિક સર્જરી કરવાની કામગીરી કરવામાં આવી હતી. તેમજ એનેસ્થેસિયા વિભાગના ડો. કેરોલીન કેરકેટા અને ટીમ દ્વારા પણ સમગ્ર ઓપરેશન દરમિયાન ખાસ કાળજી લેવામાં આવી હતી.
ડોક્ટરોની 10 કલાકની અથાગ પરિશ્રમના અંતે એક કિલોની ગાંઠ દૂર કરવામાં આવી તેમજ હ્રદય અને ફેફસાંના ભાગને નુકસાન ન થાય તેમ સફળ રીતે આ ઓપરેશન પૂરું થયું. પરંતુ દર્દી માટે આટલે જ મુશ્કેલીઓ પુરી થઇ ન હતી. ટાઇટેનિયમના ઇમ્પ્લાન્ટનું પણ ખુબ ધ્યાન રાખવું જરૂરી હતું. આ તબક્કામાં ડો. ભાવેશ શાહ (ઇન્ટેન્સિવિસ્ટ) અને આઇસીયુ સ્ટાફે ખુબ કાળજી રાખી દર્દીને સચોટ આઇસીયુ સારવાર આપવામાં આવી હતી.
અરુણભાઈ અને તેમના ભાઈ વરુણભાઇએ જીસીએસ હોસ્પિટલનો આભાર માનતા કહ્યું કે, "હોસ્પિટલના ડૉક્ટર્સ, પેરા-મેડિકલ સ્ટાફ અને અન્ય સ્ટાફ દ્વારા મારી યોગ્ય સારવાર કરવામાં આવી છે. હું હંમેશાં તેમનો ઋણી રહીશ. ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશન માટે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, પરંતુ આયુષ્માન ભારત યોજનાને પરિણામે તદ્દન નિઃશુલ્કપણે ઓપરેશન અને સારવાર થઈ છે. અંતે 20 દિવસની હોસ્પિટલ સારવાર બાદ અરુણભાઈ સંપૂર્ણ સ્વસ્થ રીતે ડિસ્ચાર્જ થઇ હાલ જાતે ચાલી શકે છે અને તમામ દિનચર્યા પણ સારી કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે