માત્ર 30 અને 60 રૂપિયામાં દિવસભર ધાર્મિક પ્રવાસ, જાણો અમદાવાદમાં કોણે આપી આ ઓફર

AMTS દ્વારા ધાર્મિક પ્રવાસના આયોજનમાં અમદાવાદના 24 જેટલા ધાર્મિક મહત્વ ધરાવતા મંદિરોના દર્શન કરી શકાશે. દર શ્રાવણ માસમાં AMTS ધાર્મિક પ્રવાસનું આયોજન કરે છે. AMTS બસ ટર્મીનલ ઉપર બસ બુક કરાવી શકાશે.

 માત્ર 30 અને 60 રૂપિયામાં દિવસભર ધાર્મિક પ્રવાસ, જાણો અમદાવાદમાં કોણે આપી આ ઓફર

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે ખાસ નિર્ણય કરાયો છે. શ્રાવણ માસમાં AMTS દ્વારા અમદાવાદીઓ માટે ધાર્મિક સ્થળોએ પ્રવાસનું આયોજન કરાયું છે. શહેરમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળો પર AMTS દ્વારા લઈ જવાશે. બાળકો માટે 30 અને મોટી ઉંમરના લોકો માટે 40 રૂપિયા ટિકિટનો દર રહેશે. AMTSની 40 સીટ દીઠ ગ્રુપમાં ભેગા થઇ 2400 રૂપિયા જમા કરાવતા AMTS બસમાં ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરી શકાશે.

AMTS દ્વારા ધાર્મિક પ્રવાસના આયોજનમાં અમદાવાદના 24 જેટલા ધાર્મિક મહત્વ ધરાવતા મંદિરોના દર્શન કરી શકાશે. દર શ્રાવણ માસમાં AMTS ધાર્મિક પ્રવાસનું આયોજન કરે છે. AMTS બસ ટર્મીનલ ઉપર બસ બુક કરાવી શકાશે. આઠ કલાકના સમયમાં દર્શનનો લાભ લઈ શકાય તે રીતે મંદિરો નક્કી કરવાના રહેશે. લાલદરવાજા, મણિનગર, સારંગપુર અને વાડજ ટર્મિનસથી બસ ઉપલબ્ધ થાય છે.

AMTSમાં સામાન્ય દિવસોમાં ધાર્મિક બસ પ્રવાસ યોજનામાં પુખ્ત વયના લોકોની 90 અને બાળકોની 45 રૂપિયા ટિકિટ હોય છે. જેને ઘટાડી પુખ્ત વયના લોકો માટે 60 અને બાળકો માટે 30 રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત રક્ષાબંધનના દિવસે પણ મહિલાઓ માટે મનપસંદ ટિકિટ યોજનામાં માત્ર 10 રૂપિયામાં મહિલાઓ મુસાફરી કરી શકશે. બાળકોની પાંચ રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે.

મહત્વનું છે કે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કુલ 23 જેટલા અલગ-અલગ મંદિરોમાં પ્રવાસીઓને દર્શન કરાવવામાં આવે છે. નાગરિકો સસ્તા દરે શ્રાવણ માસમાં વિવિધ મંદિરોમાં દર્શન કરી શકે તેના માટે AMTS સત્તાધીશો દ્વારા ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ધાર્મિક બસ પ્રવાસ યોજના માટે ઓછામાં ઓછા 40 પ્રવાસીઓ હોવા જરૂરી છે. સવારે 8.15થી ઉપડી વિવિધ 23 મંદિરે ફરી સાંજે 4.15 વાગ્યે પરત લાવે છે.

ધાર્મિક બસ પ્રવાસ યોજના માટે લોકોને પાંચ રૂટના ઓપ્શન આપવામાં આવ્યા છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મંદિરોના રૂટ અલગ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પુર્વમાં બે અને પશ્ચિમમાં બે તેમજ એક જનરલ રૂટ છે. જે પણ રૂટ ઉપર પ્રવાસીઓ નક્કી કરે તે રૂટ પર દર્શનનો લાભ તેમને આપવામાં આવશે. આ સાથે જ એક ખાસ નિયમ પણ મૂકાયો છે. જેમ કે, જો આ સુવિધા ગ્રૂપમાં લેવી હશે તો ઓછામાં ઓછા 40 પ્રવાસી હોવા જોઈએ. પ્રવાસ માટે જવા એક દિવસ પહેલા જાણ કરવાની રહેશે. 

કયા કયા મંદિરોના દર્શન કરાવાશે
ભદ્રકાળી મંદિર - લાલ દરવાજા , મહાકાળી મંદિર - દૂધેશ્વર, ચામુંડા મંદિર - અસારવા બ્રિજ નીચે, માત્રભવાની વાવ - અસારવા, પદ્માવતી મંદિર - નરોડા, ખોડિયાર મંદિર - નિકોલ, હરસિદ્ધી માતા મંદિર - રખિયાલ, બહુચરાજી મંદિર - ભૂલાભાઈ પાર્ક, મેલડી માતા મંદિર - બહેરામપુર, વૈષ્ણોદેવી મંદિર - એસજી હાઈવે, ઉમિયા માતા મંદિર - જાસપુર રોડ, આઈમાતા મંદિર - સુઘડ, હિંગળાજ માતા મંદિર - નવરંગપુરા, કેમ્પ હનુમાન, સિદ્ધિ વિનાયક, કર્ણમુક્તેશ્વર મહાદેવ, અક્ષર પુરષોત્તમ મંદિર, તિરૂપતિ બાલાજી, જગન્નાથ મંદિર, નિલકંઠ મહાદેવ, ચકુડિયા, સોલા ભાગવત, ઈસ્કોન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news