Ahmedabad: 18 માસની બાળકીના પેટમાંથી દૂર કરાયું 400 ગ્રામનું અવિકસિત ભ્રુણ, બાળકીને મળ્યું નવજીવન

મધ્યપ્રદેશના (Madhya Pradesh) નીમુચ જિલ્લામાં રહેતા અને જ્વેલરીના વ્યવસાય સાથે જોડાયેલા હર્ષીતભાઈ તેમની 18 મહીનાની દીકરી વેદીકાની પેટમાં ગાંઠની (Tumor) તકલીફને લઇને મધ્યપ્રદેશની વિવિધ હોસ્પિટલમાં ધક્કા ખાઇ રહ્યા હતા

Ahmedabad: 18 માસની બાળકીના પેટમાંથી દૂર કરાયું 400 ગ્રામનું અવિકસિત ભ્રુણ, બાળકીને મળ્યું નવજીવન

અતુલ તિવારી/ અમદાવાદ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) નીમુચ જિલ્લામાં રહેતા અને જ્વેલરીના વ્યવસાય સાથે જોડાયેલા હર્ષીતભાઈ તેમની 18 મહીનાની દીકરી વેદીકાની પેટમાં ગાંઠની (Tumor) તકલીફને લઇને મધ્યપ્રદેશની વિવિધ હોસ્પિટલમાં ધક્કા ખાઇ રહ્યા હતા. દીકરીનું પેટ અચાનક ફૂલી જવાથી બાળકી અત્યંત વેદના સહન કરી રહી હતી. મધ્યપ્રદેશમાં વિવિધ રીપોર્ટસ કરાવતા દીકરીના ગર્ભમાં અવિકસિત ભ્રુણ (Undeveloped Fetus) હોવાનું સામે આવ્યું હતું. આ ભ્રુણને દૂર કરવાની સર્જરી (Surgery) અત્યંત પડકારજનક અને જોખમી હોવાથી મધ્યપ્રદેશના તબીબોએ હાથ ઊંચા કર્યા હતા અને રાજસ્થાન (Rajasthan) કે ગુજરાતમાં (Gujarat) બાળકીને સારવાર માટે લઈ જવા કહી દીધું હતું.

દોઢ વર્ષની દીકરીને ત્રણ મહીનાથી પેટમાં ગાંઠની (Tumor) તકલીફથી પીડાતી જોઇ પિતા હર્ષીતભાઇ ચિંતાતુર રહેતા. એક દિવસ સોશિયલ મીડિયા (Social Media) પર ટ્વીટરમાં સર્ફીંગ કરતા સમયે સિવિલ હોસ્પિટલના (Civil Hospital) ટ્વીટર હેન્ડલ પર તબીબો દ્વારા બાળકોની પણ વિવિધ પ્રકારની જટીલ સર્જરી (Surgery) કરવામાં આવતી હોવાની પોસ્ટ તેમના નજરે પડી. તેઓને તરત જ પોતાના બાળકીની પીડા વિશેની માહિતી આપતું ટ્વીટ કર્યું. જે પહોંચ્યું સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી (Pediatric Surgery) વિભાગના વડા ડોક્ટર રાકેશ જોષી પાસે. જેમણે હર્ષિતભાઇના ટ્વીટના જવાબમાં દીકરીને હોસ્પિટલ લઇ આવવા કહ્યું અને પછી સોશિયલ મીડિયાનું માધ્યમ દોઢ વર્ષની બાળકી માટે બન્યું નવજીવનનું માધ્યમ.

અમદાવાદના (Ahmedabad) નરોડા વિસ્તારમાં રહેતા તેમના સગાએ ટ્વીટરના માધ્યમથી સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી (Pediatric Surgery) વિભાગમાં આ પ્રકારની સર્જરી શક્ય હોવાનું જણાવતા તેમના પિતાએ સિવિલના તબીબનો ટ્વીટરના માધ્યમથી સપર્ક કર્યો અને સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) દીકરી વેદીકાને લઇને આવી પહોંચ્યા. જ્યાં બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા વેદિકાનું સી.ટી. સ્કેન કરાવવામાં આવ્યું. જેમાં દોઢ વર્ષની વેદીકાના પેટમાં 400 ગ્રામનું અવિકસિત ભ્રુણ (Undeveloped Fetus) હોવાનું નક્કી થયું. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી પાસે આ પ્રકારની અત્યંત જટીલ સર્જરી કરવાનો અનુભવ હોવાથી તેમણે પોતાની ટીમ સાથે સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પાર પાડવાનું બીડુ ઉપાડ્યું. બાળરોગ સર્જરી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી અને એન્સ્થેસિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. તૃપ્તી શાહના સહયોગથી સમગ્ર સર્જરી 3 કલાકની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક પાર પાડીને આ ભ્રુણ દૂર કર્યું.

સર્જરીની વિગત આપતા ડૉ. રાકેશ જોષીએ કહ્યું કે, 18 મહીનાની બાળકીના પેટમાં અવિકસીત ગર્ભ હોવાની 20 વર્ષની તબીબી કારકિર્દીમાં ત્રીજી ઘટના જોવા મળી છે. વિશ્વમાં 5 લાખ બાળકોએ એક બાળકમાં આ પ્રકારની અત્યંત જટીલ બીમારી થતી હોય છે. સર્જરી દરમિયાન ચોકસાઇ અને તકેદારી રાખવામાં ન આવે તો બાળકીની ધોરીનસ, જમણી કિડની, સ્વાદુપિંડ, યકૃત અને કિડનીના રક્ત સ્ત્રાવને નુકસાન પહોંચવાની સંભાવનાઓ પ્રબળ રહેલી હોય છે. આ તમામ બાબતોની સાવચેતી રાખીને સમગ્ર સર્જરી સફળાતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. વેદીકાને પીડામુક્ત જોઇ તેના પિતા હર્ષીતભાઇ ભાવવિભોર બન્યા હતા. તેઓએ મધ્યપ્રદેશથી ગુજરાત આવીને સમગ્ર સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ થવા બદલ અને સિવિલ હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર અને સુવિધા મળવા બદલ સિવિલ હોસ્પિટલના તબીબો અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

બાળકીમાં અવિકસીત ભ્રુણ કઇ રીતે બને છે?
આ પ્રકારના ભ્રુણના વિકાસ માટે પેરાસાયટિક ટ્રિવન અને ટેરેટોમેટ્સ એમ બે પ્રકારની થીયરી કામ કરે છે. વેદીકામાં જોવા મળેલું ભ્રુણ આ બંનેમાંથી કોઇપણ એક થીયરીના કારણે વિકસીત થયેલ હોવાની સંભાવના હતી. જેમાં ગર્ભની શરૂઆત થાય ત્યારે અંડકોષ ફલિત થયા બાદ બે ભાગમાં વહેચાયુ હશે તેમે માનવામાં આવે છે. જેમાંથી એક સામાન્ય બાળક અને બીજો અંડકોષ બાળકમાં સમાઇ જતા “ફિટ્સ ઇન ફિટુ” એટલે કે ગર્ભમાં ગર્ભ તરીકે વિકસે છે. તેમાં લોહીનો સપ્લાય જીવંત બાળકમાંથી મળે છે, અને મગજ, હ્યદય , ફેફસા જેવા અંગો હોય છે પરંતુ તે નિષ્ક્રીય રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news