અમદાવાદીઓના 40 કરોડ રૂપિયા થશે સ્વાહા, નવો નક્કોર હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે?

Hatkeshwar Bridge : અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા માટેનો AMCનો વિચાર... બ્રિજ તોડવા માટે ઘાટ કરતા ઘડામણ મોંઘી પડે તેવી શક્યતા.... આઈઆઈટી રુરકીના રિપોર્ટ બાદ AMC જવાબદાર સામે પગલાં લેવાની કાયદાકીય પ્રક્રિયામાં જોડાયું...  સૂત્ર થકી મળી માહિતી... 

અમદાવાદીઓના 40 કરોડ રૂપિયા થશે સ્વાહા, નવો નક્કોર હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે?

Ahmedabad News સપના શર્મા/અમદાવાદ : 2017 માં 40 કરોડના ખર્ચે બનેલો નવો નક્કોર હાટકેશ્વર બ્રિજ AMC ના ભ્રષ્ટ અધિકારીઓના પાપે સડી ગયો છે. બ્રિજમાં વપરાયેલા માલની ગુણવત્તા એ હદે ખરાબ છે કે તેનું સમારકામ થઇ શકે તેમ નથી. કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતની પોલ ઉઘાડી પડી છે. ત્યારે હવે જાણવા મળ્યું છે કે, આ બ્રિજને તોડી પાડવા માટે AMC નો વિચાર ચાલી રહ્યો છે. 

અમદાવાદના ભ્રષ્ટાચારી બ્રિજ હાટકેશ્વર બ્રિજને લઇ વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ બ્રિજને તોડી પાડવા માટેનો AMC નો વિચાર ચાલી રહ્યો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, બ્રિજને તોડવા માટે ઘાટ કરતા ઘડામણ મોંઘુ થાય તેવું શક્યતા છે. બ્રિજ ઉતારી લેવાની કામગીરી મોંઘી પડશે તેવી ચર્ચા છે. પરંતુ આઈઆઈટી રુરકીના રિપોર્ટ બાદ AMC જવાબદાર સામે પગલાં લેવા કાયદાકીય પ્રક્રિયામાં જોડાયું છે. પણ જો બ્રિજ તોડી પડાશે તો પ્રજાના 40 કરોડ રૂપિયા સ્વાહા થઈ જશે. 

અમદાવાદમાં ઓપનિંગના પાંચ વર્ષમાં જ ખખડધજ બની ગયેલા હાટકેશ્વર બ્રિજ મામલે ZEE 24 કલાક એક બાદ એક મોટા ખુલાસા થયા છે. રિપોર્ટમાં બ્રિજના બાંધકામમાં એક નહીં પણ અડઢક ખામીઓનો ઉલ્લેખ થયો છે. વર્ષ 2023 ના જાન્યુઆરી મહિનામાં 15 જાન્યુઆરી સુધીમાં ટેસ્ટિંગનું ફિલ્ડવર્ક પૂરું કરવામાં આવ્યું છે અને હાલમાં જ NDT એટલે કે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટનો રિપોર્ટ આવ્યો છે. આ ટેસ્ટ મુંબઈ બેઝ ઈ ક્યુબ કોન્ક્રીટ કન્સલ્ટીંગ કંપની દ્વારા કરવામા આવ્યો છે. આ ટેસ્ટમાં બ્રિજના કોર સેમ્પલ લઇ તેનું અલ્ટ્રા પલ્સ વેલોસીટી ટેસ્ટ, કોર ડેન્સિટી, વોટર એબ્સોર્પશન, કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, સિમેન્ટ કોન્ટેન્ટ જેવા વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

AMC અને સરકાર માન્ય બે લેબોરેટરી પાસેથી ખુદ મનપાએ અલ્ટ્રા પલ્સ વેલોસિટી અને કોન્ક્રીટ કોર ટેસ્ટનો રિપોર્ટ કઢાવ્યો છે. આ રિપોર્ટ મુજબ 45 મીટર સ્પાનના PSC બોક્સના ઉપરનો સ્લેબ, નીચેનો સ્લેબ, વેબ આમ બધા જ ભાગોમાં કોંક્રિટની સ્ટ્રેન્થ ખુબ જ ઓછી છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, જેટલી મજબૂતીનો બ્રિજ બનવવાના ખર્ચનું આયોજન હતું. તેના માત્ર ચોથાભાગનો માલ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યો છે.

KCT કન્સલ્ટન્સી સર્વિસિસ દ્વારા કોંક્રિટ કોર સેમ્પલ લઇ તેનો રિપોર્ટ AMC ને સુપરત કરવામાં આવ્યો છે. જેમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટ માટે સંસ્થાએ બ્રિજના જુદા જુદા ભાગોથી 12 સેમ્પલ સીધા હતા. આ સેમ્પલ કેટલા ટન વજન સહન કરી શકે તે માટેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. રિપોર્ટ આવતા જાણવા મળ્યું કે, જે બ્રિજની 33.75 ન્યુટન/સ્ક્વેર મિલીમીટર વજન સહન કરવાની ક્ષમતા હોવી જોઈએ, તે માત્ર 5 થી 9 ન્યુટન/સ્ક્વેર મિલીમીટર વજન સહન કરતા તૂટી જાય છે. બીજી રીતે સમજીએ તો, જે બ્રિજના 1 મિલીમીટર જગ્યા ઉપર 4.5 કિલો વજન સહન થવું જોઈતું હતું, તે માત્ર 1 કિલો વજન સહન કરતા જ તૂટી જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news