આબરૂના ધજાગરા! મસમોટી વાતો વચ્ચે ઓસ્ટ્રેલિયન નાગરિકે ગુજરાત પોલીસની પોલ ખોલી, કોહલી-પેલેસ્ટાઈન ટાર્ગેટ

Pitch Invading at Narendra Modi Stadium: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ દરમિયાન પિચ ઇનવેડિંગની ઘટના બની હતી. પેલેસ્ટાઈન સમર્થક એક દર્શક ટી શર્ટ પહેરી વિરાટ કોહલીની પાસે પહોંચી ગયો હતો. આ યુવકને એક દિવસના રિમાન્ડમાં મોકલી દેવામાં આવ્યો છે. હવે ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરપતવંત સિંહ પન્નુએ મેદાનમાં વિરાટ કોહલી પાસે પહોંચી જનાર ઓસ્ટ્રેલિયન નાગરિકન વેન જોનસનને 10 હજાર ડોલર ઈનામ આપવાનું એલાન કર્યું છે.

આબરૂના ધજાગરા! મસમોટી વાતો વચ્ચે ઓસ્ટ્રેલિયન નાગરિકે ગુજરાત પોલીસની પોલ ખોલી, કોહલી-પેલેસ્ટાઈન ટાર્ગેટ

અમદાવાદઃ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ભારતની વિશ્વમાં આબરૂના ધજાગરા થયા છે. પોલીસના ફૂલપ્રૂફ પ્લાન ફેલ ગયા છે. મેચની વચ્ચે એક વિદેશી યુવક છેક વિરાટ કોહલી સુધી પીચ પર પહોંચી ગયો હતો. તપાસમાં યુવક ઓસ્ટ્રેલિયન નાગરિક હોવાનું સામે આવ્યું છે. આ સિવાય તે યુવક ગ્રાઉન્ડ પર વિરાટ કોહલીને ભેટી પડ્યો હતો. યુવક જ્યારે ગ્રાઉન્ડ પર આવ્યો ત્યારે મોઢા પર માસ્ક પહેર્યું હતું જે પેલેસ્ટાઈનના ઝંડાના રંગનું હતું. તેના કપડાં પર પેલેસ્ટાઈન તરફી કેટલાંક વાક્યો પણ લખેલા હતા. હવે સ્થાનિક પોલીસે આ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ વ્યક્તિનું નામ વેઇન જોન્સન છે. તે ઓસ્ટ્રેલિયન નાગરિક છે.  પિતા ચીની છે અને માતા ફિલિપિન્સની છે. અગાઉ પણ આ યુવક સામે ઓસ્ટ્રેલિયામાં 3 કેસ નોંધાયેલા હોવાની ચર્ચાઓ છે. ગુજરાતમાં 100થી વધારે વીવીઆઈપી અને રાજનેતાઓના આગમન વચ્ચે ગુજરાત પોલીસે સુરક્ષાના મોટા મોટા દાવાઓ કર્યા હતા. ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કોઈ કચાશ ના રહે માટે બેઠકો કરી હતી. સંઘવી તો ખુદ મેદાન પર વિઝિટ કરીને આવ્યા હોવા છતાં સરકારના તમામ સુરક્ષા વ્યવસ્થાઓને બ્રિચ કરી એક ઓસ્ટ્રેલિયન નાગરિક મેદાન સુધી પહોંચ્યો હતો. જેને પેલેસ્ટાઈનને સમર્થન આપતા કપડાં પહેર્યા હતા. સારી બાબત એ છેકે કંઈ પણ ના થયું કારણ કે એ ભારતના સ્ટાર બેટસમેન વિરાટ કોહલી સુધી પહોંચી ગયો હતો. ગુજરાતમાં વિશ્વકપ જેવી મેચ વચ્ચે એક સામાન્ય નાગરિક ખેલાડી સુધી આટલી સુરક્ષા વ્યવસ્થા તોડીને પહોંચે એ સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ દર્શાવે છે. આ મામલે હર્ષ સંઘવી પણ બગડ્યા છે. જેઓએ આજે ટોપ લેવલની બેઠક બોલાવી હતી પણ ગુજરાત પોલીસની આબરૂ ગયા બાદ હવે ઢાંકપિછોડો કરવો એ યોગ્ય નથી. આજે આ યુવકને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મગાતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એક વખત ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. પન્નુએ અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ દરમિયાન મેદાનમાં વિરાટ કોહલી પાસે પહોંચી જનાર ઓસ્ટ્રેલિયન નાગરિકન વેન જોનસનને 10 હજાર ડોલર ઈનામ આપવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, વેન જોનસને મેદાનમાં પહોંચીને ગાઝા અને પેલેસ્ટાઈનને લઈને ભારતના વલણને એક્સપોઝ કરી દીધું છે. હવે આ સુરક્ષા ચૂકનો મામલો વધુ વિવાદ પકડે તો પણ નવાઈ નહીં.

ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ફાઈનલ મેચમાં સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક જોવા મળી હતી. ગુજરાત પોલીસે ચાલુ મેચમાં કોહલી સુધી પહોંચી જનાર વેઇન જોન્સનની ધરપકડ કરી છે અને તેની સતત પૂછપરછ કરી રહી છે. હવે સિનિયર પોલીસ અધિકારી, ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી હતી. જેમાં ખાસ કરીને વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં સુરક્ષા મુદ્દે બેઠકમાં ચર્ચા કરાઈ છે. આ બેઠકમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર, અમદાવાદ ક્રાઈમ JCP નિરજ બડગુજર, DCP ચૈતન્ય માંડલીક, ટ્રાફિક DCP સફિન હસન, તરુણ દુગ્ગલ, કાનન દેસાઈ સહિતના અધિકારીઓ અધિકારીઓ હાજર રહ્યા છે. આ મામલો સુરક્ષા સાથે સંકળાયેલો હોવાથી કોઈ કર્મચારીનો ભોગ લેવાશે એ નક્કી છે. દોષનો ટોપલો કોના પર ઢોળાશે એ તો આગામી સમય જ બતાવશે પણ પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે સીધી આંગળીઓ ચિંધાઈ રહી છે.  

પોલીસે મેચ પહેલાં કર્યા હતા આ દાવાઓ...
ગઇકાલની મેચમાં અનેક મહાનુભાવો અને લાખોની સંખ્યામાં ક્રિકેટ રસિકો ફાઈનલ મેચ નિહાળવા આવ્યા હતા. જે દરમિયાન પીએસઆઇ સહિત 16 જેટલા પોલીસકર્મીઓ સહિતની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાના ઘેરાને તોડીને વેન જોન્સન નામનો ઓસ્ટ્રેલિયન ચાલુ મેચે મેદાનમાં આવી ગયો હતો. સરકારે મેચ પહેલાં તો મોટી મોટી વાતો કરી હતી. જેમાં સ્ટેડીયમના એન્ટ્રી ગેટથી જ દરેક પ્રેક્ષેની સઘન તપાસણી કરવામાં આવશે. બારકોડ ચેકીંગ પછી પ્રેક્ષકો પોતાની બેઠક ઉપર પહોંચી જાય તે પછી અન્ય પ્રેક્ષકોને સમસ્યા ન સર્જાય તેવી વ્યવસ્થામાં પોલીસ સહભાગી બનશે. આ વખતે તમામ બ્લોકમાં એક પી.એસ.આઈ ઉપરાંત છ પોલીસ કર્મચારી તહેનાત કરવામાં આવશે. સ્ટેડીયમ ખાતે પોલીસનો વિશેષ કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે. ડ્રોન ઉપરાંત એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવી છે. સ્ટેડીયમમાં પ્રેક્ષકો ઉપર પણ ખાસ કેમેરાથી નજર રાખવામાં આવશે અને તમામ બ્લોકમાં તહેનાત પોલીસ કર્મચારીઓ જરાપણ ઉપદ્રવ કરે તેવા દર્શકને તરત જ બહાર લઈ જશે ખાસ કરીને મેદાન નજીકના સર્કલ ઉપર ચૂસ્ત વ્યવસ્થા રખાઈ છે. મેદાન નજીકની પહેલી બે રોની તમામ ખુરશીઓ ખાલી રખાશે. વી.વી.આઈ.પી. બ્લોસમાં મહેમાનો આસપાસ કોઈ ફરકી ન શકે તેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. સ્ટેડીયમ ફરતે બે કિલોમીટર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવા ઉપરાંત સ્થાનિક પોલીસના વોચર્સ પણ સિવિલ ડ્રેસમાં લોકો વચ્ચે રહેશે.

આટલો ગોઠવાયો હતો બંદોબસ્ત
સુરક્ષા એજન્સી
એન.ડી.આર.એફ.
આરએએફ
એન્ટી ડ્રોન
હોમગાર્ડસ
કુલ 1000 

સ્ટેડીયમ બંદોબસ્ત
1 આઈજીપી
13 ડીસીપી 
20 એસીપી
45 પી.આઈ.
145 પી.એસ.આઈ
2800 પોલીસ
કુલ  3000

શહેરમાં બંદોબસ્ત
4 આઈજીપી 
27 એસીપી 
230 પીએસઆઈ
23 ડીસીપી 
82 પી.આઈ. 
4450 પોલીસ
કુલ 5000
ટ્રાફિક બંદોબસ્ત

1 આઈજીપી
6 ડીસીપી
11 એસીપી
26 પી.આઈ
36 પી.એસ.આઈ
1300 પોલીસ
કુલ 1400

આ બનાવ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આ યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામા આવી છે અને સમગ્ર ઘટના અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. આજે આ યુવકને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફીસ ખાતે પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો. આ ઓસ્ટ્રેલિયન યુવકને ગાંધીનગર કોર્ટમાં લઇ જવામાં આવ્યો છે. જ્યાં રિમાન્ડ મગાતા એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસ વેઈનના હોટલ સ્ટેમાંથી તેની ટિકિટ જેવી અનેક બાબતોની તપાસ કરી રહી છે. પોલીસે વેઈનના મોબાઈલમાંથી એક વીડિયો પણ કબજે કર્યો છે, જેમાં તેણે ભારતીય ટી-શર્ટ પહેરેલી છે. આ વીડિયોમાં વેઈનની સ્ટેડિયમમાં એન્ટ્રીનો વીડિયો છે. હવે પોલીસ આ મામલે કેવી કાર્યવાહી કરે છે એ તો આગામી સમય જ બતાવશે પણ હાલમાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો પેદા થયા છે. વિશ્વકપની આ ફાયનલે પોલીસની વ્યસ્થામાં ખામીઓ ઉજાગર કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news