વાર્ષિક રાશિ ભવિષ્યફળઃ જાણો તમારું આગામી વિક્રમ સંવત વર્ષ 2075 કેવું રહેશે...
આપણો ભારત દેશ નિત્ય નવીન ઊંચાઈઓ સર કરે, વિશ્વગુરૂના પદ ઉપર બિરાજે, દેશનાં નાગરિકોની સુખ-સમૃદ્ધિમાં વધારો થાય. સમગ્ર વિશ્વનું પણ કલ્યાણ થાય, સૌ સુખી થાય તેવી મંગલકામના છે.
Trending Photos
અમિત ત્રિવેદી, જ્યોતિષાચાર્યઃ નવું વિક્રમ સંવત વર્ષ 2075 આજથી શરૂ થઈ રહ્યું છે. નવા વર્ષની સુપ્રભાત સાથે તમારા જીવનમાં નવા કિરણો અને નવી આશાઓનો સંચાર થાય એવી અમારી મંગલકામના છે. નવું વર્ષ સૌ શુભ સંકલ્પોથી પ્રેરીત થાય અને સૌના મનોરથ સિદ્ધ થાય એવી શુભકામના છે. તમારા જીવનમાં તન-મન અને ધનની સમૃદ્ધિનો ત્રિવેણી સંગમ રચાય એવી પ્રભુને પ્રાર્થના છે.
આપણો ભારત દેશ નિત્ય નવીન ઊંચાઈઓ સર કરે, વિશ્વગુરૂના પદ ઉપર બિરાજે, દેશનાં નાગરિકોની સુખ-સમૃદ્ધિમાં વધારો થાય. સમગ્ર વિશ્વનું પણ કલ્યાણ થાય, સૌ સુખી થાય તેવી મંગલકામના છે.
તારીખ 8 નવેમ્બર, 2018, ગુરૂવાર
માસ કારતક સુદ પ્રતિપ્રદા વિ.સં. 2075
નક્ષત્ર વિશાખા
યોગ સૌભાગ્ય
નવા વર્ષે જીવનમાં સુખ-સમૃદ્ધિ-શાંતિ રહે તેના માટે આ મંત્રનો જાપ કરવોઃ -
ઓમ વિષ્ણું જિષ્ણું મહાવિષ્ણું પ્રભવિષ્ણું મહેશ્વરમ્,
અનેકરૂપ દૈત્યાન્તં નમામિપુરૂષોત્તમમ્ ..
તમારી રાશી પ્રમાણે વાર્ષિક રાશીફળ કેવું રહેશે તે જાણો...
ચંદ્ર રાશીઃ - તુલા (ર,ત)
- સૂર્યોદય પહેલા જાગૃત થવું
- સ્નાનાદિક ક્રિયાથી સંપન્ન કર્યા બાદ ઈષ્ટદેવની પૂજા કરવી
- ઘરમાં વડીલોના આશિર્વાદ લેવા
- દેવમંદિરે દર્શન કરવા જવું
- ઈશ્વરને પ્રાર્થના કરવી પોતાના સંકલ્પ સિદ્ધ કરે અને પોતાના દ્વારા અન્યના સંકલ્પ પણ સિદ્ધ થાય તેવી શક્તિ અને બુદ્ધિ આપણને પ્રદાન કરે
આજે નૂતનવર્ષે તુલાલગ્ન ઉદિત થાય છે. લગ્નનો સ્વામી શુક્ર દેવ છે. શુભગ્રહ છે પણ વક્રી છે. માટે સંબંધોમાં જક્કી પણું આવે. અંગત સ્વાર્થ પ્રથમ આવે.
ચંદ્રથી દશમ સ્થાન ઉપર રાહુદેવ બિરાજમાન છે... યેનકેનપ્રકારેણ પોતાનું કાર્ય સિદ્ધ થાય તે દિશામાં વિચારો રહે. બહુ ડહાપણભરી ભાષામાં જનસમુદાય વાતચિત કરે અને પોતાનું કાર્ય સિદ્ધ કરે.
જનસમુદાય જ્યાં રહેતા હોય ત્યાંથી સ્થળાંતર થાય... પ્રવાસ વધુ કરે.. પૈસા વાપરવામાં પાછુવાળીને જુવે નહીં....રાજકીય ઊટ્ઠાપટ્ટક વધુ રહે... પવનનું જોર સારૂ રહે, વરસાદ સરસર આગમન કરે અને મધ્યમથી સારો રહે... મંગળદેવ વાયુતત્ત્વની રાશીમાં છે, શનીની રાશિમાં બિરાજમાન છે... આવેશ અને ઉશ્કેરાટનું પ્રમાણ વધુ રહેશે.
સૂર્યદેવ નીચ રાશીમાં છે માટે નીતિમત્તાનું ધોરણ નીચે જઈ શકે છે, પોતાનું હિત લોકો સૌ પ્રથમ જોશે.પરોપકારની ભાવનામાં થોડી ઊણપ વર્તાય. વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે. ખાસ કરીને 11 અને 12 ધોરણના વિદ્યાર્થીઓએ.
ધનની કમી ઓછી જણાય... ઓછે-વત્તે અંશે બધાય ધનપ્રાપ્ત કરી લેશે. પણ હા, ગળપણ જમવા તરફ લોકોનો ઝુકાવ થોડો વધુ જોવા મળે... કાપડ બજારમાં ગ્રાહકોનો જમાવડો રહેશે.
ચંદ્ર વિશાખા નક્ષત્રમાં છે. દ્વિતીય નક્ષત્ર ચરણ છે. આ નક્ષત્રના ત્રણ ચરણ તુલા રાશિમાં આવે છે અને છેલ્લું ચરણ વૃશ્ચિક રાશિમાં આવે છે. દ્વિતીય ચરણમાં છે માટે ગાયત્રી મંત્રનો જાપ કરવો ઉત્તમ રહેશે. વળી, આ નક્ષત્રની ગણના શુભ નક્ષત્રમાં નથી થતી. માટે જાપ અવશ્ય કરવો. પેટ અને મૂત્રાશય ઉપર આ નક્ષત્રનો પ્રભાવ વધુ હોય છે માટે ગાયત્રીમંત્ર કરવાથી આ પ્રકારની પીડાથી મુક્તિ મળે છે.
પનોતીનો તબક્કો....
8, 9, 10, 6, 2 ને પનોતીનો તબક્કો ચાલી રહ્યો છે. તેમાંય 8-ને છેલ્લો તબક્કો છે. રૂપાના પાયે લાભકારક છે. 9-ને છાતીએથી પસાર થાય છે, ચિંતા વિશેષ કરાવે. 10-ને મસ્તક ઉપરથી પસાર થાય છે, પરિશ્રમ વધુ થાય. 6-નાની પનોતી છે, પીડા વધુ થાય, કષ્ટ મળે. 2-નાની પનોતી છે, વધુ મહેનત કરવી પડે. શનિદેવ અને હનુમાનજીની ઉપાસના કરવી.
--------------------------------------------------------
મેષ (અલઈ)
- "પહેલું સુખ તે જાતે નર્યા" આ ઊક્તિ ધ્યાનમાં રાખવી
- આરોગ્યની નાની મોટી તકલીફ સતાવે
- કસરત અવશ્ય કરવી
- આર્થિક દૃષ્ટિ લાભ રહ્યા કરશે...
- ધન આવશે પણ એવું વપરાઈ પણ જશે
- બેંક બેલેન્સમાં મોટો વધારો ન થાય
- પણ, આપની મોજમજામાં વધારો થતો જણાય છે
- રાહુ દેવની થોડી તકલીફો આપને સતાવે
- પણ એપ્રિલ મહિના પછી સુખનો શ્વાસ લેવાશે
- સંતાન સાથે મતભેદ રહ્યા કરશે
- સાથે સાથે સટ્ટાકીય કાર્યમાં પણ આપ વિશેષ લેશો
- વર્ષાંતે આપની વ્યસ્તતા વધે
- ક્રોધનું પ્રમાણ વધી શકે છે, શાંતિથી કાર્ય કરજો
- રાજનીતિમાં ધારી સફળતા ન મળી શકે
- ગણપતિની ઉપાસના કરજો
------------------------------------------------------------
વૃષભ (બવઉ)
- થોડી મહેનત વધારે કરવી પડે
- લોઢાના પાયે પનોતી ચાલે છે
- પિત્તનું પ્રમાણ વધી શકે છે
- મોટી બિમારીની આશંકા સેવાતી નથી
- ધનલાભ થશે પણ રૂપિયો આસાનીથી નહીં આવે
- ખરી મહેનતનો પૈસો આવશે
- સટ્ટાકીય કાર્યથી થોડા દૂર રહેશો તો ઠીક રહેશે
- તમારી સાથે રાજરમત કરવા માટે લોકો આવશે
- એ ઘરના હોઈ શકે છે માટે સાવધાન
- થોડું ચરબીનું પ્રમાણ વધે
- મે પછી આત્મવિશ્વાસનું પ્રમાણ વધતું જણાય છે
- થોડી સફળતા મળે એટલે અહમ વધી શકે છે
- માટે પગ ધરતી પર જ રાખવા
- કારણ કે શનિદેવ તમારી ઉપર નજર રાખી રહ્યા છે
- શ્રીમહાલક્ષ્મીની પૂજા ઉપાસના કરજો
------------------------------------------------------------
મિથુન (કછઘ)
- તબિયત નરમ-ગરમ રહે
- રાશિ સ્વામી પણ શત્રુક્ષેત્રી છે
- વિચારવાયુથી ચક્કર કે પિત્ત જેવી સમસ્યા થાય
- કોઈ શસ્ત્રક્રિયાની સંભાવના જણાતી નથી
- લ્હેણા નાણા મોડા આવે
- આવે ત્યારે તેનો ઉત્સાહ ઘણો ઘટી ગયો હોય
- ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપવાનું વધી શકે છે
- આ વર્ષની ગરમી આપને હેરાન કરી મૂકે
- પારીવારીક સમસ્યાથી ઘેરાવું પડે
- અવાર-નવાર તમે સંયમ ગુમાવો
- તમારો ક્રોધ જ તમને હેરાન કરશે..માટે, સંયમ રાખજો
- સંતાનની નાની-મોટી ઊપાધીનો સામનો કરવો પડશે.
- તેમાં સમય પણ વ્યતીત કરવો પડશે
- કોઈ મોટું દેવું પણ થવાના યોગ નથી
- કેવળ શાંતીથી સમય પસાર કરવાનો છે
- ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરજો
------------------------------------------------------------------------
કર્ક (ડહ)
- આપની રાશી ઉપરથી રાહુદેવ પસાર થાય છે
- સાવચેતી રાખવી પડશે, પણ, એપ્રિલ પછી થોડી હળવાશ આવશે
- મનને ઊચાટ ઓછો થતો જણાશે
- બ્લડપ્રેશરના રોગમાં સપડાઈ ન જાવ તે જોવું
- આપની સાથે છેતરપીંડી થઈ શકે છે
- સરકારી નિયમોને અનુસરજો
- સરકારી નોટીસનો સામનો કરવો પણ પડે
- કૌટુંબિક સુખ થોડું ઘટી શકે છે
- આપનું મન પારીવારીક સંદર્ભે અશાંત થાય
- બઢતી-બદલીના યોગ પણ છે
- વિવાહના યોગ પણ નિર્માયા છે
- આગામી નવરાત્રિ બાદ દોડધામ વિશેષ વધે
- વેપાર ધંધો થોડો આગળ પણ વધે
- શિવજીનો ચાંદીનો સિક્કો ખિસ્સામાં રાખજો
----------------------------------------------------------------------
સિંહ (મટ)
- બીજાની સેવા કરવાનો અવસર મળે
- દવાખાનાના ચક્કર વધી શકે છે
- નેત્રપીડાથી સાચવવાનું રહેશે
- પરીવારમાં સ્વાર્થની વૃત્તિ વધશે
- પરદેશગમનની શક્યતા છે
- નાના-મોટા ફેરફાર આવ્યા જ કરે
- મિત્રો સાથે આનંદ-પ્રમોદ વધી જાય
- ભાઈ-બહેનને સાચી હકીકત જણાવશો તો સારૂ છે
- થોડું દંભીપણું હાવી થઈ શકે છે..સાવધાન રહેજો.
- આવકમાં વધારો થઈ શકે છે
- નોકરી કરતા જાતકોને બદલી થઈ શકે છે
- સંતાન સાથે મતભેદ વધુ થાય
- સંતાનની દલીલ વધી જાય
- આગામી શ્રાદ્ધપક્ષ આસપાસ થોડી ચિંતા સતાવે
- સટ્ટાકીય પ્રવૃત્તિથી દૂર રહેજો
- દર શનિવારે હનુમાનજીની ઉપાસના કરજો
--------------------------------------------------------------
કન્યા (પઠણ)
- નાની પનોતી લોઢાના પાયે ચાલે છે
- વાયુની તકલીફથી પરેશાની થાય
- ગઠિયો વા હોય તો સાવધાન
- હનુમાનજીની ઉપાસના કરજો
- મે મહિના પછી સુખમાં થોડી કમી જણાશે
- મિત્રો સમજી વિચારીને કરજો
- દગાખોર મિત્રોને પહેલા જ ઓળખી લેજો
- યશ-માન-પ્રતિષ્ઠા વધી શકે છે
- પરદેશગમનની શક્યતા છે
- પિતાનું આરોગ્ય કથળે ખરું
- આપનું સંતાન પગભર હોય તો તે સંપત્તિ વસાવે
- લગ્નોત્સુકના વિવાહના યોગ બને છે
- કામગરા રહેશો તો ફાયદામાં રહેશો
- મહેમાનોની આગતાસ્વાગતા કરવાનું વધુ થાય
- એપ્રિલ મહિના પછી તમે થોડું જીવનસાથીની આંખે જોવા લાગો તેવું બને...
- ઊઘરાણી ફસાય તેવું નથી લાગતું... પણ,
- મેલીવિદ્યાનો ભય તમને સતાવે
- હનુમાનજી સૌ સારાવાના કરશે...
------------------------------------------------------------------
તુલા (રત)
- કોઈને તકલીફ હેરાન કરે...પણ તમને આનંદ-પ્રમોદ હેરાન કરે
- મોજમાં આવી ખાન-પાનનું ભાન ન રહે અને આરોગ્ય જોખમાઈ શકે છે
- માર્ચ મહિના સુધી કાર્યસ્થળે મુશ્કેલીનો સામનો થાય
- પણ મુશ્કેલીને હલ કરવામાં તમે પાવરધા રહેશો
- ધનની તંગી નહીં પડે
- પૈસા વાપરવામાં તમારો હાથ વધુ છૂટ્ટો રહે
- તમને એમ થાય કે ધરમ કરતા ધાડ પડી
- યાત્રા-પ્રવાસમાં મુશ્કેલી સર્જાઈ શકે છે, માટે બરોબર આયોજન કરજો, ચોક્કસ રહેજો
- નાના ભાઈ બહેનનું સ્વાસ્થ્ય નબળું થાય
- આપના સંબંધો પણ થોડા નબળા પડે
- દાગીનો કે મોજશોખની વસ્તુ ખરીદાય
- સંતાનનું આરોગ્ય સારૂં ન પણ રહે
- અવારનવાર આ સંદર્ભે દાક્તરની મુલાકાત લેવી પડે
- ઓગષ્ટ મહિના પછી દલાલીનું કાર્ય જોર પકડે
- આવેલી તક ગુમાવશો નહીં...
- ઔમ ઐં બુધાય નમઃ મંત્રજાપ કરજો
--------------------------------------------------------
વૃશ્ચિક (નય)
- સાડાસાતીનો છેલ્લો તબક્કો છે
- રૂપાના પાયે લાભ અપાવશે
- ગુરૂ લાભ અપાવશે પણ, માનસિક તકલીફો વધુ રહે
- ચોમાસુ આરોગ્ય માટે જોખમી રહે
- તંત્ર-મંત્રના પ્રયોગનો ભય તમને સતાવે
- થોડી બેચેની વધી જાય
- ઓગષ્ટ મહિના પછી કાર્યમાં વેગ આવે
- સ્ફૂર્તિ પણ વધતી જણાય
- સંપત્તિમાંથી આવક વધે
- શેર-સટ્ટા તરફ મન આકર્ષાય
- શરીર વધે નહીં તેની તકેદારી રાખજો
- મે-જૂનથી મિત્રોનો સાથ મળતો ઓછો થશે
- નાણાકીય લાભ છે પણ માનસિક અસ્વસ્થતા વધે
- ઓમ ક્લીં કૃષ્ણાય નમઃ મંત્રજાપ કરજો
--------------------------------------------------------------------
ધન (ભધફઢ)
- સાડાસાતીનો બીજો તબક્કો છે
- છાતી ઉપરથી પસાર થાય છે, ચિંતા કરાવે, મન ગભરાય, અનિષ્ટનો ભય સતાવે
- માંદગી આવશે તો તેનું કારણ કેવળ મન હશે
- વિચારવાનું ઓછું રાખજો
- તમારો હરીફ વર્ગ તમારી જાણકારી રાખે
- તમે શું કરો છો... તેમાં તેમને રસ જાગે
- એ લોકો માહિતી કઢાવી પણ લે અને હેરાન કરે
- માટે, સાવધાની રાખજો.
- માર્ચ મહિનાની આસપાસ લાંબાગાળાના રોકાણથી લાભ
- આપના દ્વારા રોકાણ થવાની શક્યતા પણ છે
- દિવાળી પછી ગુસ્સાનો પ્રમાણ વધી જાય
- જાન્યુઆરી મહિનાની આસપાસ ઈન્ફેક્શનથી સાચવજો
- મહાદેવજીની ઉપાસના કરજો...
-----------------------------------------------------------------
મકર (ખજ)
- સાડાસાતીનો પ્રથમ તબક્કો છે
- લોઢાના પાયે છે
- પરીશ્રમ વધુ કરવો પડે, કરજો... શનીદેવ એટલા જ રાજી થશે
- ડિસેમ્બર પછી નેત્રપીડા થાય
- જો દેશકાળ બેસે તો ઓપરેશન પણ કરાવવું પડે
- જુલાઈ – ઓગષ્ટ વધુ સાચવવાનો છે, પછીથી સળંગ સારૂ રહેશે
- બહુ મોટુ સાહસ ન કરતા, સાહસ કરવાની ઇચ્છા થશે પણ સંયમ રાખજો
- ભાગીદારી પેઢીમાં મનદુખ સર્જાય
- જન્મના ગ્રહો દૂષિત હોય તો ભાગીદારી છૂટી થાય
- લગ્નલાયક સંતાનના વિવાહ થઈ શકે છે
- મસ્તક ઉપરથી પસાર થતો તબક્કો છે
- મન ચકરાવે ચઢી જાય, માથુ ભારે લાગે
- શનિદેવ આપને ઉગારી લેશે...
- નીતિથી ચાલજો...
--------------------------------------------------------------
કુંભ (ગશષસ)
- ગેસ અને અપચાની બિમારી સતાવે
- આખુ વર્ષ આ રોગથી સાચવવાનું છે
- હતાશા વ્યાપી શકે છે, પણ, ભાગ્ય બળવાન છે માટે, વાંધો નથી
- નોકરી કરતા મિત્રો સાવધાન
- બેફીકરાઈ મુસીબત નોતરી શકે છે
- સંતાન તરફથી સહકાર સારો મળી રહે
- પિતા હયાત હોય તો લાભ મળે
- પણ, તેમનો ઇગો વધી જાય
- અહં બ્રહ્માસ્મિ જેવી વૃત્તિ ઘર કરી જાય તો નવાઈ નહીં
- દાંપત્યજીવનમાં થોડી કડવાશ આવે
- હુંસાતુંસી વધી જાય
- જૂન મહિના પછી એસીડીટીનો રોગ સતાવી શકે
- સટ્ટા બજારથી દૂર રહેજો
- મોટી રકમ લગાવતા નહીં નહીંતર નુકશાન થઈ શકે
- વર્તનમાં ઉદ્ધતાઈ વ્યાપે..
- શ્રીવિષ્ણુની ઉપાસના કરજો...
----------------------------------------------------------------------
મીન (દચઝથ)
- ગુરૂદેવ શરીર વધારી શકે છે
- ખાસ કરીને કુલા, અને પેટ વધી જાય...કસરત કરજો
- કામકાજ માટે બહાર ફરવાનું વિશેષ રહેશે
- આપ મહેનતુ વર્ષ વિતાવશો
- ભાગ્યનો સાથ મળશે એ સારી બાબત છે
- લોહી સંબંધી બિમારીથી સાચવજો
- મેડીકલ ચેકઅપ કરાવતા રહેવું
- પરદેશ જવાના યોગ છે
- આપનું આરોગ્ય સૂર્યદેવને આધીન છે
- સૂર્ય ઉપાસના કરજો
- હાથનીચેના માણસો ઉપર ખૂબ ગુસ્સો આવે
- આ ઘટના ફેબ્રુ-માર્ચની આસપાસ બને
- આ વર્ષ હું સારૂ છે એમ ચોક્કસ કહીશ
- મોજશોખની વસ્તુ ખરીદવામાં સંયમ રાખજો
- નહીંતર, પૈસા માથે પડ્યાનો અહેસાસ થશે
- સ્થાવર-જંગમ મિલકતમાં સાનુકૂળતા રહેશે
- કપડા થોડા ઓછા ખરીદજો, એક સાથે વધારે ન ખરીદતા.. કારણ કે, શરીરમાં ફેરફાર થશે
- માતા જગદંબાની આરાધના કરજો...
-------------------------------------------------------------------------------
ઈતિ શુભમ્. શુભાશુભ જન્મકુંડળીના મૂળ ગ્રહોને પણ આધીન હોય છે. નૂતનવર્ષે આપ સૌના મનોરથ સિદ્ધ થાય. સૌના સંકલ્પ પૂર્ણ થાય. વિશ્વમાં શાંતિ વ્યાપે. આપણો ભારત દેશ ખૂબ પ્રગતિ કરે. આધિ-વ્યાધિ, ઉપાધી નિર્મૂળ થાય એવી સૌને શુભેચ્છા છે અને આશિર્વાદ છે. (અમિત ત્રિવેદી, જ્યોતિષાચાર્ય )
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે