કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી પર હુમલો, ચૂંટણી પંચે આપ્યો ખુલાસો
Gujarat Second phase Assembly Election : બનાસકાંઠામાં દાંતાના ગુમ થયેલા કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડીનો મામલો... ચૂંટણી પંચે ઘટનાનો ખુલાસો કર્યો
Trending Photos
Gujarat Second phase Vidhan Sabha Chunav 2022 : ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી હાઈવોલ્ટેજ ડ્રામા જેવી બની છે. મતદાનના ગણતરીના કલાકો પહેલા બનાસકાંઠામાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. એક તરફ થરાદમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પર હુમલો કરાયો હોવાની ઘટના બની હતી, તો બીજી તરફ બનાસકાંઠા કોંગ્રેસના દાંતાના ઉમેદવાર કાંતિ ખરાડીનો ગુમ થવાનો મામલો સામે આવ્યો હતો. જેના બાદ મોડી રાત્રે જંગલમાંથી કાંતિ ખરાડી મળી આવ્યા હતા. હુમલો થયો હોવાથી જંગલમાં સંતાયા હોવાનો કાંતિ ખરાડીએ જણાવ્યુ હતું. જોકે, કાંતિ ખરાડી પર ભાજપ દ્વારા હુમલો કરાયો હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો હતો. ત્યારે આ મામલે ચૂંટણી પંચે ખુલાસો કર્યો છે.
ચૂંટણી પંચે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળની રજૂઆત પછી મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા તરત જ તપાસના આદેશ કરાયા હતા. બનાસકાંઠા જિલ્લાના દાંતા વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ખરાડી પર કોઈ જ હુમલો થયો નથી કે તેમનું અપહરણ પણ થયું નથી તેવું ચૂંટણી પંચે જણાવ્યું.
ચૂંટણી પંચે પ્રેસનોટ જાહેર કરીને કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના દાંતા વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર કાંતિભાઈ ખરાડી પર કોઈ હુમલો થયો નથી કે તેમનું અપહરણ થયું નથી. બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિકારીઓએ સામે ચાલીને કાંતિભાઈ ખરાડીનો સંપર્ક કર્યો હતો અને એમને જો કોઈ ફરિયાદ હોય તો કમ્પ્લેન નોંધાવવા કહ્યું હતું. પરંતુ કાંતિભાઈ ખરાડીએ એવી કોઈ જ ઈચ્છા નહીં હોવાનું જણાવ્યું છે.
ગુજરાતના અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રતિનિધિ મંડળની રજૂઆત પછી તા.4 ડિસેમ્બરની મધરાત પછી મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ બનાસકાંઠા જિલ્લાના પોલીસ નિરીક્ષક અને જિલ્લા પોલીસ વડાને આ અંગે તાત્કાલિક તપાસ કરીને રિપોર્ટ કરવાની સૂચના આપી હતી. બનાસકાંઠા પોલીસના અધિકારીઓ તત્કાળ કાંતિભાઈ ખરાડીને મળ્યા હતા. કાંતિભાઈ ખરાડી પર કોઈ જ હુમલો થયો નથી કે તેમનું અપહરણ થયું ન હતું. આ બાબત કાંતિભાઈ ખરાડીએ જાતે બનાસકાંઠા જિલ્લા પોલીસને કહી છે. પોલીસના અનુરોધ પછી પણ તેમણે કોઈ જ કમ્પ્લેન નોંધાવવાની ઈચ્છા નહીં હોવાનું કહ્યું હતું.
મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રતિનિધિ મંડળની રજૂઆત પછી તરત જ મોડી રાત્રે જરૂરી તપાસ કરી છે એટલું જ નહીં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા પવન ખેરાના ટ્વીટનો પણ રાત્રે 3.58 કલાકે જવાબ આપ્યો છે.
શું બન્યુ હતું
બનાસકાંઠાની દાંતા બેઠક પરથી કોંગ્રેસથી ચૂંટણી લડીર હેલા ધારાસભ્ય કાંતિ ખરાડીના ગુમ થવાથી રાજકીય માહોલ ગરમાયો હતો. કાંતિ ખરાડી ગુમ થયા છે તેવી માહિતી ચારેતરફ પ્રસરાતા ઉહાપોહ મચ્યો હતો. રેન્જ આઈજી જે .આર મોરથલીયા પણ આ ઘટના બાદ દાંતા પહોંચ્યા હતા. ત્યારે કલાકોની શોધખોળ બાદ કાંતિ ખરાડી સહી સલામત મળી આવ્યા હતા. ધારાસભ્ય કાંતિ ખરાડી સહી સલામત મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. કાંતિ ખરાડી મળી આવતા તેમના દાંતા લાવવામાં આવ્યા હતા, જેથી દાંતા ખાતે તેમના સમર્થકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે