ગુજરાતના માછીમારો માટે મહત્વપૂર્ણ સમાચાર: આટલા દિવસનું રહેશે વેકેશન, નહીં ખેડી શકે દરિયો!

આ વર્ષે પણ આગામી 1 જુનથી 1 ઓગસ્ટ સુધી પોરબંદર સહિત ગુજરાતના માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ લગાવાયો છે. 61 દિવસીય માછીમારી વેકેશન રહેશે જાહેર કરવામાં આવ્યુ છે, ત્યારે આ વેકેશનના સમયગાળા અંગે અને માછીમારીમાં મહત્વના એવા ડીઝલના ભાવ સહિતના પ્રશ્નો મુદ્દે માછીમારો સરકાર પાસે રાહતની માંગ કરતા જોવા મળી રહ્યા છે. 

ગુજરાતના માછીમારો માટે મહત્વપૂર્ણ સમાચાર: આટલા દિવસનું રહેશે વેકેશન, નહીં ખેડી શકે દરિયો!

અજય શીલુ/પોરબંદર: ચોમાસા દરમિયાન દરિયામાં ભારે પવન તથા દરિયો રફ રહેતો હોવાથી દર વર્ષે આ સમયગાળા દરમિયાન ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતા હોય છે. આ વર્ષે પણ આગામી 1 જુનથી 1 ઓગસ્ટ સુધી પોરબંદર સહિત ગુજરાતના માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ લગાવાયો છે. 61 દિવસીય માછીમારી વેકેશન રહેશે જાહેર કરવામાં આવ્યુ છે, ત્યારે આ વેકેશનના સમયગાળા અંગે અને માછીમારીમાં મહત્વના એવા ડીઝલના ભાવ સહિતના પ્રશ્નો મુદ્દે માછીમારો સરકાર પાસે રાહતની માંગ કરતા જોવા મળી રહ્યા છે. 

ગુજરાતના દરિયામાં છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન દર વર્ષે વાવાઝોડાથી લઈને ભારે પવન ફુંકાવા સહિતની પરિસ્થિતિ જોવા મળતી હોય છે.આ સમયગાળો માછીમારી માટે અનુકુળ ન હોવાથી દર વર્ષે ચોમાસા દરમિયાન માછીમારોને માછીમારી કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવતો હોય છે. માછીમારીના આ વેકેસનનો સમય આ વખતે પણ 1 જુનથી લઈને 1 ઓગષ્ટ સુધીનો રહેશે. 

આ 61 દિવસ સુધી કોઈપણ બોટે દરિયામાં માછીમારી ન કરવા જણાવવામાં આવ્યુ છે. આ સુચના અંગેનો પરિપત્ર પોરબંદર માછીમાર બોટ એસોસિએશનને ફિશરીઝ વિભાગ દ્વારા મોકલવામાં આવ્યો છે. પોરબંદર માછીમાર બોટ એસોસિએશન પ્રમુખ મુકેશ પાંજરીએ આ વેકેશન અંગે જણાવ્યું છે કે, દર વખતની જેમ આ વખતે પણ ૬૧ દિવસ સુધી એટલે કે 1 જુનથી 1 ઓગસ્ટ સુધી માછીમારોનુ વેકેશન રહેશે. 

તેઓએ સાથે એવી પણ માંગ કરી હતી કે,માછીમારી વેકેસનનો સમયગાળો 61 દિવસના બદલે 90 દિવસ કરવો જોઈએ કારણ કે ઓગસ્ટ મહિના દરમિયાન પણ વરસાદ અને વાવાઝોડાનો ખતરો રહેતો હોય છે. સાથે જ તેઓએ આ નિયમ ગુજરાતના દરેક બંદર પર અમલ થાય તે જરુરી છે કારણ કે હાલમાં બધા બંદરો આ સમયગાળાનુ પાલન નહી કરતા હોવાનું પણ સામે આવતુ હોય છે તેથી આવું કરનારા માછીમારો સામે પગલા લેવામાં આવે તે જરૂરી છે તેમ તેઓએ જણાવ્યું હતું. 

દરિયામાં સતત વાવાઝોડા તથા પવન સહિતના કારણે પોરબંદર સહિત ગુજરાતના માછીમારોને છેલ્લા ચાર પાંચ વર્ષ દરમિયાન મોટો આર્થિક ફટકો પડ્યો છે. કુદરતી આપત્તીની સાથે ઉંચા ડીઝલના ભાવને કારણે માછીમારોને માછીમારી કરવી પરવડે તેમ ન હોવાથી ચાલુ સિઝન દરમિયાન પણ હજારો બોટો માછીમારી માટે દરિયામાં જવાને બદલે બંદરો પર લાંગરેલ જોવા મળે છે.

માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, ઉંચા ડીઝલના ભાવને કારણે આજે એક ટ્રીપ દરમિયાન જ ત્રણથી સાડા ત્રણ લાખ તો માત્ર ડિઝલનો ખર્ચ આવે છે અને કુલ મળીને એક ફિશીંગ ટ્રીપ માટે સાડા ચાર લાખથી વધુનો ખર્ચ થાય છે, સામે માછલીઓનો જથ્થો તેમજ યોગ્ય ભાવ નહી મળતા આ માછીમારી ઉદ્યોગ આજે મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. આગામી વકેશન સમયગાળો પૂર્ણ થાય તે પૂર્વે સરકાર દ્વારા તેઓને ડીઝલના ભાવમાં યોગ્ય સબસીડી આપે તો જ માછીમારી કરવી પરવડે તેમ છે અન્યથા આ માછીમારી ઉદ્યોગ બંધ થવાની કગાર પર આવી ગયો છે.

દરિયામાં માછીમારી દરમિયાન અવાર નવાર જ્યારે વાવાઝોડા તથા ખરાબ વાતાવરણને કારણે બોટોને તંત્ર દ્વારા પરત આવવા સૂચના આપવામાં આવતી હોય છે જેથી બોટોને મોટો ડીઝલનો ખર્ચ કરીને પરત આવવું પડે છે તેનુ પણ કોઈ વળતર ન મળતુ હોવાથી માછીમારોને મોટો આર્થિક ફટકો પડે છે. માછીમારો માટે 1 જુનથી વેકેશન સમયગાળો હોવાથી આ સમયગાળા દરમિયાન તેઓ પોતાની બોટોને બંદર પર લાંગરી તેમાં જરૂરી સમારકામ સહિતની કામગીરી કરતા હોય છે ત્યારે આ વખતે માછીમારો એવી પણ માંગ કરતા જોવા મળી રહ્યા છે કે, તેઓને ડીઝલના ઉંચા ભાવમાથી રાહત આપવામાં આવે અને માછલીઓનો યોગ્ય ભાવ મળે જેથી તેઓને રાહત મળે.

હાલના સમયમાં આ ઉદ્યોગને મોટુ ગ્રહણ લાગ્યું હોય તેમ ચાલુ સિઝનમાં પણ બોટો દરિયામાં જવાને બદલે બંદરો પણ લાંગરેલી જોવા મળતી હોય છે ત્યારે તેઓના પ્રશ્ને સરકાર યોગ્ય નિર્ણય કરે તો જ આ ઉદ્યોગ આગામી સમયમાં ટકી શકશે તે માછીમારોનુ માનવુ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news