મળવા જેવો માણસ : 34 વર્ષની બેંકની નોકરીમાં નથી લીધી એક પણ રજા

ભાવનગરમાં રહેતા 75 વર્ષીય મધુભાઈ શાહે તેમની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની નોકરીમા એક પણ રજા લીધા વગર કામ કર્યું છે. એટલું જ નહિ, તેમનું જીવન અન્યો માટે એટલું પ્રેરણાદાયી છે કે, તેઓ આજે 75 વર્ષની ઉંમરે પણ કોઈ પણ અપેક્ષા વગર બેંકમાં ગ્રાહકો અને બેંક કર્મચારીઓની મદદ કરવા નિયમિત ભાવનગરની દરબારગઢ બ્રાન્ચમાં પહોંચી જાય છે

મળવા જેવો માણસ : 34 વર્ષની બેંકની નોકરીમાં નથી લીધી એક પણ રજા

ભાવનગર/ગુજરાત : આજના સમયમાં માણસ 9 કલાક કામ કરીને થાકી જાય છે. તેમાં પણ જો ઓફિસમાં વધુ કામ આવી જાય તો ક્યારે રવિવાર આવે અને આરામ થાય તેની તે રાહ જોઈને બેસે છે. પણ, તમને કોઈ કહે કે તમારે એકપણ રજા લીધા વગર એક અઠવાડિયું કામ કરવાનું છે, તે તમને આંખમા તમ્મરીયા આવી જશે. પણ ગુજરાતમાં એક વ્યક્તિ એવી છે, જેણે કોઈ પણ રજા લીધા વગર નોકરી છે. ભાવનગરમાં રહેતા 75 વર્ષીય મધુભાઈ શાહે તેમની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની નોકરીમા એક પણ રજા લીધા વગર કામ કર્યું છે. એટલું જ નહિ, તેમનું જીવન અન્યો માટે એટલું પ્રેરણાદાયી છે કે, તેઓ આજે 75 વર્ષની ઉંમરે પણ કોઈ પણ અપેક્ષા વગર બેંકમાં ગ્રાહકો અને બેંક કર્મચારીઓની મદદ કરવા નિયમિત ભાવનગરની દરબારગઢ બ્રાન્ચમાં પહોંચી જાય છે.

ભાવનગરની સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર (હાલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા)માં 34 વર્ષ સુધી મધુભાઈનો એક જ ક્રમ રહેતો. ઓફિસ ખૂલે તે પહેલા તેઓ સાઈકલ લઈને પહોંચી જાય, અને બધા કર્મચારીઓ નીકળી જાય પછી છેલ્લે તેઓ સાઈકલ લઈને ઘર તરફ જવા રવાના થાય. એક કર્મચારી રોજ જેટલું કામ કરે, તેના કરતા રોજ ત્રણ ગણું કામ તેઓ કરે. પોતાની આ સેવાભાવી વિચારો વિશે તેઓ કહે છે કે, કામ ખંત અને સંનિષ્ઠાથી કરવું. કામ એવું કરવું જે દિલને ગમે. કામ કરીને ચાલ્યા જવું એ કામ નથી. હું હંમેશા કર્તવ્યનિષ્ઠ કર્મચારી બનીને રહ્યો છું. 

આજે 75 વર્ષની ઉંમરે પણ મધુભાઈ એટલા જ એક્ટિવ છે, જેટલો કોઈ જુવાનિયો હોય. રોજ સવારે વ્યાયામ સ્કૂલમાં પહોંચી જાય. તેઓ 1952ના વર્ષથી વીરભદ્ર બાળ ક્રિડાંગણ સાથે સંકળયેલા છે. તેના બાદ બેંકમાં મદદ કરે. આ સિવાય તેઓ ભાવનગરની 15 જેટલી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જ્યાં તેઓ નિયમિત સેવા આપે છે. પોતાની 34 વર્ષની નોકરીમાં તેઓ ક્યારેય મોડા ગયા નથી. 365 ગુણ્યા 36 વર્ષ અને તેમાંથી રવિવારની બાદબાકી કરો, બાકીના બધા જ દિવસો તેમણે કામને કર્તવ્ય સમજીને નોકરી કરી છે. ઓવરટાઈમનો એક પણ રૂપિયો બેંકમાંથી લીધો નથી. અનેક સરકારી કર્મચારીઓ એવા હોય છે, જે રિટાયર્ડ થવાના હોય તો બધી બાકીની રજા ભોગવી છે, પરંતુ મધુભાઈએ તો રિટાયર્ડમેન્ટના છેલ્લાં બે વર્ષમાં પબ્લિક હોલિડેમાં પણ કામ કર્યું છે. વર્ષે મળતી 12 કેઝ્યુઅલ લિવ, 33 અર્ન્ડ લીવ, સીક લિવ તથા અનવેઈલ્ડ લીવ પણ વાપરી નથી. ક્યારેય રિસેષ ભોગવી નથી. ચાલુ નોકરીમાં રિશેષમાં જઈને 55 વાર રક્તદાન કર્યું, છતાં રજા લીધી નથી. મોડી રાત સુધી ફરજ બજાવી, તેમ છતાં ઓવરટાઈમ ક્લેઈમ નથી કર્યો. 

2004માં તેઓ બેંકમાઁથી સ્પેશિયલ આસિસ્ટન્ટની પોસ્ટ પરથી જે દિવસે રિટાયર્ડ થયા હતા, તે દિવસે તેમણે 8 વાગ્યા સુધી બેંકમાં કામ કર્યું હતું. અને ક્રમ ભૂલ્યા વગર બીજા દિવસથી ગ્રાહકોની મદદ કરવા બેંકમાં પહોંચી ગયા હતા. તેઓ નિયમિત બ્લડ ડોનેશન કરતા. તેથી ચાલુ નોકરીમાં જો બ્લડ ડોનેટ કરવા જવું પડે, તો જવા માટે રિશેષનો જ સમય પસંદ કરતા, અને આવીને તરત કામે લાગી જતા. તેમની માતાના નિધન સમયે સાથી કર્મચારીઓને બેસણાંમાં ન આવવાનું સૂચવીને તેમને શ્રદ્ધાંજલિ આપવી હોય તો બેંકમાં અડધો કલાક વધુ કામ કરવાની સલાહ આપી હતી. તેમની આ સલાહને અનુસરીને અનેક કર્મચારીઓએ અડધો કલાક વધુ કામ કર્યું હતું. 

મધુભાઈ માટે કામ જ સર્વસ્વ છે. તેમને ફરવાનો, બહાર ખાવાનો કે અન્ય કોઈ જ પ્રકારનો શોખ નથી. તેમણે જીવનનો બધો જ સમય હોસ્પિટલ, બ્લડ બેંક, સેવાભાવી સંસ્થાઓ તથા બેંકમાં જ વિતાવ્યો છે. એટલું જ નહિ, અપરિણીત એવા મધુભાઈએ પોતાનો પગાર તથા પેન્શનનો ઉપયોગ પણ દાનધર્મ માટે કર્યો છે. તેમણે તેમના માતાપિતાનું ચક્ષુદાન અને દેહદાન કરાવ્યું હતું. લોકો તેમની આ આદતને ખોટો  ભગત કહેતા, ઘણા લોકોને હું ગમતો નહિ અને ઘણાને ગમતો. પણ, મેં કંઈ પણ વિચાર કર્યા વગર હંમેશા મારી સેવા આપી છે. પણ, નવરો બેસી રહેવાની મારી આદત જ નથી. 

સૌથી જૂનુ 114 વર્ષથી બેંક એકાઉન્ટ છે
મધુભાઈ શાહની એક બાબત રેકોર્ડ સાબિત થાય તેવી છે. ભાવનગરની જૂની બેંક ઓફ સૌરાષ્ટ્રમાં તેમના નામના ખાતાને 114 વર્ષ થઈ ગયા છે. 1902માં ભાવનગરના મહારાજાએ જ્યારે બેંક શરૂ કરાવી હતી, ત્યારે તેમના દાદીએ બેંકમાં ખાતુ ખોલાવ્યું હતું, જે બાદમાં તેમના પિતા અને પિતાથી તેમના નામે થયું હતું. આમ તેમના ખાતાને 114 વર્ષ થઈ ગયા છે. 

પોતાનું જીવન બીજાની સેવામાં અર્પણ કરી દેનાર મધુભાઈની હવે એક જ ઈચ્છા છે, ઈચ્છા મૃત્યુ. આ માટે તેણે સરકારમાં અરજી પણ કરી છે. આ વિશે તેઓ કહે છે કે, મને સ્વૈચ્છિક મૃત્યુ જોઈએ છીએ. દરેક વસ્તુનો અંત તો હોય જ છે, મારી કોઈ ઈચ્છા જ ક્યાં છે, હું તો કામ કર્યે જ જાઉં છું... કર્યે જ જાઉં છું...

સૌથી વધુ 37 વાર મતદાન કર્યું
અત્યાર સુધીમાં ભાવનગરમાં લોકસભા, વિધાનસભા તથા મહાનગર પાલિકામાં કુલ મળીને 37 વાર મતદાન કર્યું છે. એટલું જ નહિ, આ તમામ ઈલેક્શનમાં પોતાના બૂથ પર મતદાન કરવા પહોંચી જનારા તેઓ સૌથી પહેલા વ્યક્તિ હતા. આમ, સૌથી વધુ મતદાન કરનાર ભારતમાં તે એકમાત્ર વ્યક્તિ હશે. મધુભાઈની એક ખાસિયત જાણવા જેવી છે, તેમણે જન્મ્યાથી આજદિન સુધી ક્યારેય ચા-કોફી ચાખી નથી. કાંડે ઘડિયાળ બાંધી નથી. કે એકેય ફિલ્મ જોઈ નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news