ભાવનગરમાં જળસંકટના ભણકારા : 8 ડેમોમાં થોડા દિવસ ચાલે તેટલુ જ પાણી છે

ભાવનગરમાં જળસંકટના ભણકારા : 8 ડેમોમાં થોડા દિવસ ચાલે તેટલુ જ પાણી છે
  • ભાવનગર શહેર અને જીલ્લાના કુલ જળાશયોમાં સરેરાશ 64 ટકા પાણી
  • ખેડૂતો માટે માઠા સમાચાર સિંચાઇ માટે માત્ર 3 થી 4 પિયત જેટલું પાણી ઉપલબ્ધ
  • સમયસર વરસાદ ના પડે તો સિંચાઇ માટે પરિસ્થિતિ વિકટ બની શકે
  • જીવાદોરી સમાન શેત્રુંજી અને બોરતળાવ 70% જેટલા ભરાયેલા
  • આગામી ઓગષ્ટ સુધી આપી શકાય તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ
  • જરૂર પડે સૌની યોજના હેઠળ પણ પાણી ઠાલવવા તંત્ર સજ્જ છે

નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગર (Bhavnagar) જિલ્લાના મુખ્ય જળાશયો ગત ચોમાસામાં પડેલા સારા વરસાદને લઇ છલકાઈ ગયા બાદ ચાલુ વર્ષે પડેલા વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થતા જીલ્લાના કાર્યરત ૮ ડેમોમાં હજુ ૫૦% કરતા વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં ભાવનગર સહિત ચાર તાલુકાને પાણી પૂરું પાડતા અને જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ (shetrunji dam) માં હજુ ૭૦.૪૩% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ વર્ષે પીવાના પાણીની ખોટ નહિ પડે, પરંતુ પિયત માટે માત્ર ૩ થી ૪ પાણ આપી શકાય તેટલો જ જથ્થો ઉપલબ્ધ હોય જેથી સારા વરસાદની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ભાવનગર જિલ્લાના 12 જળાશયો પૈકી કાર્યરત8૮ જળાશયોમાં હજુ પણ ૫૦% કરતા વધુ પાણી (water crises) ઉપલબ્ધ છે. જયારે અન્ય ૪ ડેમોમાં હાલ નહીવત પાણીનો જથ્થો મૌજુદ છે. હાલ વરસાદ ખેંચાયો છે. જેથી જગતનો તાત વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યો છે. પરંતુ આ સ્થિતિ વચ્ચે પણ પીવાના પાણીની કોઈ પારાયણ સર્જાય તેમ નથી. પરંતુ સિંચાઈ માટે શેત્રુંજી ડેમમાંથી માત્ર ૩ થી ૪ વાર પિયત આપી શકાય એટલુ જ પાણી ઉપલબ્ધ હોઈ સિંચાઈ માટે વરસાદ વહેલો પડે તે જરૂરી છે. 

ભાવનગર જિલ્લાના મુખ્ય પાંચ મોટા જળાશયો પૈકી પીવાના પાણી અને સિંચાઈ બંને માટે ઉપયોગી અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ એવો શેત્રુંજી ડેમ કે જે હજુ પણ ૨૯.૧૧ ફૂટ એટલેકે ૭૦.૪૩% જેટલો ભરેલો છે. ગત ચોમાસા (monsoon) માં શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ ઓવરફ્લો થયો હતો અને જે પૂરી સિઝન દરમ્યાન અનેક વખત ઓવરફલો થયો હતો. તેમજ સતત ૨૯ દિવસ સુધી ડેમના દરવાજા ખોલી નાખવા પડ્યા હતા. જ્યારે ચાલુ વર્ષે પણ ચોમાસાના પ્રારંભે પડેલા સારા વરસાદના પગલે નવા નીરની આવકનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાવનગરની જીવાદોરી પૈકીનું બીજું જળ સ્તોત્ર અને રાજવી પરિવારની દેણ સમું બોરતળાવ પણ ગત વર્ષ ઓવરફલો થયું હતું અને જેમાં પણ હજુ ૬૦% જેટલું એટલે કે ૪૦૦ એમસીએફટી જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. 

આંકડાકીય વિગત મુજબ ભાવનગર જીલ્લાના જળાશયોમાં પાલિતાણાના શેત્રુંજી ડેમમાં ૭૦.૪૩ %, રજાવળ ડેમમાં ૩૯.૬૦%, ખારો ડેમમાં ૭૯.૩૩%, હણોલ ડેમમાં ૪૯.૧૧%, મહુવાના માલણ ડેમમાં ૫૮.૧૩%, બગડ ડેમમાં ૫૫.૭૨%, રોજકી ડેમમાં ૬૫.૮૭%, ઉમરાળાના રંઘોળા ડેમમાં ૬૦.૨૬%, ભાવનગરના લાખણકા ડેમમાં ૧૭.૯૩%, તળાજાના હમીરપરા ડેમમાં ૧.૯૮%, જસપરા (માંડવા) ડેમમાં ૧૭.૪૭%, પીંગલી ડેમમાં ૮૧.૫૨% પાણીનો જથ્થો સંગ્રહિત છે. 

હાલ મુખ્ય જળાશયોમાં ૫૦% કરતા વધુ પાણીનો જથ્થો હજુ પણ સંગ્રહિત હોઈ આ વર્ષે શહેર કે જીલ્લામાં પીવાના પાણીની સમસ્યા નહિ સર્જાય. જયારે સિંચાઇ માટે જળાશયોમાં માત્ર ૩ થી ૪ પિયત આપી શકાય તેટલો જ જથ્થો ઉપલબ્ધ હોવાથી જરૂર પડે તંત્ર દ્વારા સૌની યોજના હેઠળ ગમે ત્યારે જળાશયોમાં સિંચાઈ માટે જરૂરી પાણી ઠાલવી પડતી મુશ્કેલી દુર કરી શકે તેવા આયોજન હાથ ધરવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news