સૌરાષ્ટ્ર, કચ્છના કાંઠે 15મીએ બપોરે 12 વાગ્યે ટકરાશે બિપરજોય, 135 KMPHની ઝડપે પવનો ફૂંકાવાની આગાહી

Biparjoy cyclone: ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં મોટુ સંકટ આવી રહ્યું છે. વાવાઝોડું બિપરજોય ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ટકરાવાનું છે. વાવાઝોડાને લીધે રાજ્યના તમામ 33 જિલ્લામાં વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે વરસાદની આગાહી કરી છે. 
 

સૌરાષ્ટ્ર, કચ્છના કાંઠે 15મીએ બપોરે 12 વાગ્યે ટકરાશે બિપરજોય,  135 KMPHની ઝડપે પવનો ફૂંકાવાની આગાહી

બ્યૂરો રિપોર્ટ, અમદાવાદઃ કોઈ સંકટ જ્યારે નજીક આવતું હોય, ત્યારે એ સંકટથી વધુ ભયાનક તેનો ડર હોય છે. આ  ડર વ્યક્તિના સુખ શાંતિ હણી લે છે, ગુજરાતના લોકો અત્યારે આવી જ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોના જીવ તાળવે ચોંટ્યા છે, કેમ કે અહીં બિપરજોય વાવાઝોડું આફત બનીને ત્રાટકે તેની આડે ગણતરીના કલાકો જ બાકી છે. જે ઝડપે ભારતના હાઈવે પર વાહનો નથી ચલાવી શકાતા, તે ઝડપે વાવાઝોડું ફૂંકાશે, તેની કલ્પના જ વ્યક્તિને હચમચાવી મૂકે છે. 1998ના કંડલાના વિનાશક વાવાઝોડા બાદ ગુજરાતે આવા વાવાઝોડાનો અનુભવ નથી કર્યો.

બિપરજોય...આ નામમાં ભલે જોય જવો હળવો શબ્દ હોય, પણ આ નામ જેને અપાયું છે, તે વાવાઝોડું વિનાશ વેરે તેમ છે.. તેનું કારણ છે વાવાઝોડાનું કદ અને પવનની ગતિ. વાવાઝોડું જેમ જેમ દરિયાકાંઠે આગળ વધી રહ્યું છે, તેમ તેમ વિકરાળ સ્વરૂપ ધારણ ધારણ કરી રહ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની આગાહી કરાઈ છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડું બિપરજોય 15મી જૂને બપોરે દરિયાકાંઠે ત્રાટકશે. વાવાઝોડાની ગતિ અને સ્થિતિ જોવા માટે આ મેપને સમજો..હાલ વાવાઝોડું અરબી સમુદ્રમાં ગુજરાત તરફ એટલે કે ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. 14મીએ સવાર સુધી વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધશે, ત્યારબાદ તે જમણી તરફ ફંટાઈને ઉત્તર પૂર્વ તરફ એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા તરફ આગેકૂચ કરશે અને 15મી જૂને એટલે કે ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધી કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચીના તટ વચ્ચે ટકરાશે. હવામાન વિભાગનું માનીએ તો વાવાઝોડું કચ્છના જખૌ પોર્ટ પર સૌથી પહેલા ત્રાટકશે. વાવાઝોડાનું લેન્ડફોલ ભલે કચ્છમાં થશે, પણ સૌરાષ્ટ્રના સાત જિલ્લા પર પણ તેની ગંભીર અસર વર્તાશે...આ દરમિયાન પવનની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. 

પોરબંદરના દરિયાકાંઠા અને વાવાઝોડા વચ્ચેનું અંતર હવે ઘટીને 300 કિલોમીટરની અંદર આવી ગયું છે. હવામાન વિભાગનું માની તો ચક્રવાતથી સૌથી વધુ નુકસાન કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર અને મોરબીને થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો વાવાઝોડું ત્રાટકે તે પહેલા જ વરસાદ પણ શરૂ થઈ ગયો છે, દરિયામાં ભારે કરન્ટ છે..જે વાવાઝોડું વિત્યા બાદ એટલે કે 16 જૂન સુધી યથાવત રહી શકે છે. વાવાઝોડાની ગતિ પ્રમાણે જ વરસાદ પણ ભારેથી અતિભારે રહશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકે ત્યારથી લઈને બીજા દિવસ સુધી વરસાદ રહેશે.

500 કિલોમીટરથી વધુના ઘેરાવા સાથે આગળ વધી રહેલું બિપરજોય વાવાઝોડું જ્યારે દરિયાકાંઠા પર ટકરાશે, ત્યારે રાક્ષસી ગતિએ પવનો ફૂંકાશે. 14મી જૂને કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. જો કે 15મી જૂને વાવાઝોડા સમયે કચ્છ જામનગર અને દ્વારકામાં પવનની ગતિ વધીને 135 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે. 

એટલે કે જે ઝડપે ભારતના હાઈવે પર વાહનો નથી ચલાવી શકાતા, તે ઝડપે વાવાઝોડું ફૂંકાશે. તે સમયે કાંઠાના વિસ્તારોના માહોલની કલ્પના કરવી પણ અઘરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news