શું ગુજરાતમાં દબાતા પગે બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ? તાપીમાં 2 હજાર દેશી મરઘાના મોત

શું ગુજરાતમાં દબાતા પગે બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ? તાપીમાં 2 હજાર દેશી મરઘાના મોત
  • તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં 20 દિવસમાં 2 હજાર મરઘાના મોત થયા
  • તાપીમાં લોકો દ્વારા ઘરે ઘરે ઉછેર કરાતા દેશી મરઘાના મોત થયા
  • ગુજરાતમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી 

ઝી મીડિયા/બ્યૂરો :ભારતમાં દસ્તક દઈ ચૂકેલા નવા વાયરસનું નામ છે H5N1. બર્ડ ફ્લૂથી ઓળખાતો આ વાયરસ 2006થી દેખાવા લાગ્યો હતો. પરંતુ આ શિયાળામાં દેશનાં 7 રાજ્યોમાં સંકટ બનીને ઊભરી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં વિવિધ રાજ્યોમાં 5 લાખ જેટલાં પક્ષીઓનાં આ વાયરસથી મૃત્યુ થઈ ચૂક્યાં છે. ગુજરાતમાં પણ 53 પક્ષીઓના મૃત્યુ થયાં છે. જો કે તેમનામાં બર્ડ ફલૂ (Bird Flu) નાં લક્ષણોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. પરંતુ દેશમાં વધતા જતા કેસ પર નજર રાખવા કેન્દ્ર સરકારે દિલ્હીમાં કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે. આ કંટ્રોલ રૂમ રાજ્યોના કંટ્રોલ રૂમ સાથે સંપર્કમાં રહેશે. ત્યારે આ વચ્ચે ગુજરાતના તાપી જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં છેલ્લા 20 દિવસમાં 2 હજાર મરઘાના મોત થયા છે. જોકે, આ મરઘાઓમાં પણ બર્ડ ફ્લૂના કોઈ લક્ષણો મળ્યા નથી, જે રાહતના સમાચાર છે.

તાપીમાં 2 હજાર મરઘાના મોત 
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં 20 દિવસમાં 2 હજાર મરઘાના મોત થયા છે. જોકે, આ મરઘાના મોત કોઈ પોલટ્રી ફાર્મ (poultry farm) માં નથી થતા. લોકો દ્વારા ઘરે ઘરે ઉછેર કરાતા દેશી મરઘાના મોત થયા છે. મરઘાના મોત થતા પશુપાલન વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, હાલ સરવેમાં કોઈ પણ પ્રકારના ગંભીર લક્ષણ કે બિમારી મરઘામાં મળી આવી નથી. 

ગુજરાતમાં એકપણ કેસ નહિ 
જોકે, ગુજરાતમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી તેવો ગઈકાલે રાજ્યના પશુપાલન વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ ખુલાસો કર્યો હતો.  બર્ડ ફ્લૂ અંગે પશુપાલન વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ આ માહિતી આપતા જણાવ્યું કે, સરકારની સૂચના મુજબ તમામને એલર્ટ કરી દેવાયા છે. ગુજરાતમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ કેસ નથી દેખાયો. પરંતુ બર્ડ ફ્લૂ અંગેની તમામ તકેદારી લેવાઈ છે. દવા અને વેક્સીનેશન માટે તૈયારી કરાઈ છે. 2 દિવસમાં 55 પક્ષીઓના મૃત હાલતમાં મળ્યા છે. જોકે, પ્રાથમિક તપાસમાં પોઈઝનથી તમામનું મૃત્યુ થયાનું અનુમાન છે. બર્ડ ફલૂ ને લઈ રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી જિલ્લા અને કોર્પોરેશન આરોગ્ય અધિકારીઓને પત્ર લખાયો છે. શંકાસ્પદ બર્ડ ફ્લૂ (Bird Flu) ના સર્વેલન્સ અને અટકાયતી પગલાં લેવા સૂચન કરાયા છે. તો સાથે જ પોલટ્રી ફાર્મમાં કામ કરતા મજૂરોને શરદી ગળું પકડાવવા જેવા શંકાસ્પદ કેસ દેખાય તો ઘનિષ્ઠ સર્વેક્ષણ બનાવવાની સૂચના અપાઈ છે. 

વડોદરામાં પણ એલર્ટ 
તો બીજી તરફ, વડોદરામાં બર્ડ ફલૂના ભયને લઈ પશુપાલન વિભાગ એક્શનમાં આવ્યું છે. 219 પોલટ્રી ફાર્મના સંચાલકોને તકેદારી રાખવા સૂચના આપી દેવાઈ છે. જિલ્લાના સૌથી વધુ 58 પોલટ્રી ફાર્મ સાવલી તાલુકામાં આવેલા છે. જોકે, વડોદરા શહેરમાં એક પણ ફાર્મ નથી. તમામ પોલટ્રી ફાર્મના સંચાલકોને મરઘાંઓનું મોત થાય તો તંત્રને જાણ કરવા સૂચના આપી દેવાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news