આવું તો કંઈ હોતું હશે! મહેસાણામાં એડમિશન ચાલું હતા'ને બિલ્ડરે રાત્રે તોડી પાડી શાળા, દાનમાં આપેલી જમીનને લઈ વિવાદ
Mehsana News: મહેસાણા નજીક તળેટી ગ્રામ પંચાયતની હદમાં આવેલ જય સોમનાથ હાઈસ્કૂલનું મકાન તોડી પાડવામાં આવેલ છે. આ મામલે સ્કૂલના સંચાલક કલ્પેશ પરમારનું કહેવું છે કે આ સ્કૂલનું બાંધકામ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: મહેસાણા નજીક આવેલ તળેટી ગ્રામ પંચાયતની હદમાં આવેલ જય સોમનાથ હાઇસ્કુલનું મકાન તોડી પાડવા મામલે વિવાદ સર્જાયો છે. સ્કૂલના સંચાલકનું કહેવું છે કે આ સ્કૂલ જે જમીન પર બનાવેલ છે તે જમીન તેમને દાનમાં મળેલ છે. પરંતુ તે સમયે કોઈ કાગળિયા કરવામાં આવેલ નથી, જ્યારે આ જમીનના માલિક દીકરાનું કહેવું છે કે આ જમીન અમે દાનમાં આપેલ નથી. માત્ર બાળકોના રૂમમાં બેસવા દેવા જ આપી હતી.
મહેસાણા નજીક તળેટી ગ્રામ પંચાયતની હદમાં આવેલ જય સોમનાથ હાઈસ્કૂલનું મકાન તોડી પાડવામાં આવેલ છે. આ મામલે સ્કૂલના સંચાલક કલ્પેશ પરમારનું કહેવું છે કે આ સ્કૂલનું બાંધકામ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. આ માટે સ્કૂલની જમીન સંસ્થાને જમીન માલિક દ્વારા દાન આપવામાં આવી હોવાની વાત સંચાલક કરી રહ્યા છે, જ્યારે જમીનના ભાવ વધતાં આ જમીન માલિક દ્વારા અંગત ફાયદા હેતુથી જમીન માલિકે બિલ્ડરને જમીન વેચાણ આપી દીધી હોવાનો આક્ષેપ સ્કૂલ સંચાલક કરી રહ્યા છે અને બિલ્ડર દ્વારા કોઇપણ નોટિસ વગર આ બાંધકામ તોડી પાડ્યું હોવાનો આક્ષેપ સંચાલક દ્વારા કરવામાં આવ્યો. જ્યારે સંચાલક પોતે આ જમીન સંસ્થાને દાન મળેલ હોય તેવા કોઈ દસ્તાવેજ હાલમાં તેમની પાસે ન હોવાનું જણાવ્યું હતું. હાલ અમે રેકડ પર ક્યાંય હશે તો અમે શોધીશું તેવું જણાવી રહ્યા છે.
તો બીજી બાજુ સમગ્ર મામલે જમીન માલિકના પુત્ર એ જણાવ્યું હતું કે, આ જમીન અમે દાનમાં આપેલ નથી. અમારા ફાધર દ્વારા ત્યાં પ્લોટ લેવામાં આવ્યા હતા. જ્યાં રૂમો બનાવી બાળકોના હિતમાં ત્યાં બેસવા દેવામાં આવ્યા હતા. અમે કોઈ ભાડું લેતા નથી નાં કોઈ એગ્રીમેન્ટ કર્યો હતો. માત્ર વિદ્યાર્થીઓ બેસવા માટે જગ્યા આપી હતી. તેમને સંચાલક દ્વારા કરવામાં આવેલ આક્ષેપ પાયા વિહોણા ગણાવ્યા હતા.
આ મામલે જમીન લેનાર બિલ્ડરના વહીવટકર્તા હરેશ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ સંચાલક અવારનવાર અમારી પાસે પૈસા માગેલ અને આ બાંધકામ તોડવા સંચાલક કલ્પેશ પરમાર એ જ જણાવ્યું હતું. આ કલ્પેશ પરમાર જમીન પચાવી પાડવાનાં હેતુથી અમારા પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે અને અમને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
હાલમાં આ સ્કૂલ મામલે સંચાલક અને જમીન માલિક તેમજ જમીન લેનાર બિલ્ડર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા જોવા મળ્યા છે. ત્યારે આ સ્કૂલ તોડી પાડવાનો મામલો હાલમાં ચર્ચાસ્પદ બનવા ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે