સૌરાષ્ટ્ર-તમિલ સંગમમમાં જોવા મળશે જોરદાર મુકાબલો, મેદાન-એ-જંગમા ઉતરશે બે રાજ્યોના ખેલાડી
Saurashtra Tamil Sangamam : 22 અને 23 એપ્રિલે ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે ‘ચેલેન્જર્સ ટ્રોફી’ સ્પર્ધા યોજાશે... ટેબલ ટેનિસ, ટેનિસ, કબડ્ડી, વોલીબોલ અને સ્વિમિંગની 38 ઇવેન્ટમાં ખેલાડીઓ વચ્ચે ટક્કર થશે
Trending Photos
Saurashtra Tamil Sangamam ગાંધીનગર : ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના ઐતિહાસિક સંબંધને ભવ્ય રીતે ઉજાગર કરવા અને બન્ને રાજ્યો વચ્ચે એક સમન્વય સ્થાપિત કરવા માટે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે તા. 17થી 30 એપ્રિલ દરમિયાન યોજાશે. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સાકાર કરવા માટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ‘ હેઠળ ભારત સરકાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 5 હજારથી વધુ મહેમાનો ગુજરાત આવવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે આ ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે ‘ચેલેન્જર્સ ટ્રોફી’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાંચ અલગ અલગ રમતમાં ખેલાડીઓ સામેલ થશે.
ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 22 અને 23 એપ્રિલ, 2023ના રોજ આ સ્પર્ધાઓ યોજાશે. તેમાં ટેબલ ટેનિસ, ટેનિસ, કબડ્ડી, વોલીબોલ અને સ્વિમિંગમાં ખેલાડીઓ ભાગ લેશે. વિજેતા ખેલાડીઓને મેડલ અને સર્ટીફિકેટ આપવામાં આવશે તેમજ ઓવર ઓલ વિજેતા રાજ્યને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ સ્પર્ધામાં તમિલનાડુ અને ગુજરાતના સીનિયર કેટેગરીના ખેલાડીઓ સામેલ થશે. તેમાં ટેબલ ટેનિસ અને ટેનિસમાં મેન્સ સિંગલ્સ, વિમેન્સ સિંગલ્સ અને મિક્સ ડબલ્સ ઇવેન્ટ યોજાશે.
સ્વિમિંગમાં ફ્રી સ્ટાઇલ 100 અને 200 મીટર, બેકસ્ટ્રોક 100-200 મી., બ્રેસ્ટસ્ટ્રોક 100-200 મી., બટરફ્લાય 100-200 મી., ફ્રી સ્ટાઇલ રીલે 4*50 અને 4*100મી., મીડલે રીલે 4*50 મી., મિક્સ્ડ ફ્રી સ્ટાઇલ રીલે 4*50મી. અને મિક્સ્ડ મીડલે રીલે 4*50 મીની ઇવેન્ટ આયોજિત કરવામાં આવી છે. આ પાંચ રમતોમાં પુરુષ અને મહિલા કેટેગરીમાં કુલ 38 ઇવેન્ટ આયોજિત કરવામાં આવી છે. આ સ્પર્ધામાં ગુજરાતના 108 તેમજ તમિલનાડુના 108 ખેલાડીઓ સહિત કુલ 216 ખેલાડીઓ ભાગ લેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે