લગાન ફિલ્મ બાદ આ ગામ ગુજરાતના નક્શામાં એવુ ચમક્યું કે આજે બન્યું ‘આદર્શ ગામ’

Model Village : ભુજ (Bhuj) તાલુકાના કુનરીયા (Kunariya) ગામના લોકો દ્વારા છેલ્લા 6 વર્ષથી વૃક્ષો દ્વારા વરસાદની ખેંચી લાવવા માટેનું એક સામૂહિક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે

લગાન ફિલ્મ બાદ આ ગામ ગુજરાતના નક્શામાં એવુ ચમક્યું કે આજે બન્યું ‘આદર્શ ગામ’

Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છમાં ગ્લોબલ વોર્મિંગના કારણે આમ તો વરસાદનું પ્રમાણ અગાઉની સરખામણીએ અનિશ્ચિત રહ્યું છે. ત્યારે ભુજ તાલુકાના કુનરીયા ગામના લોકો દ્વારા છેલ્લા 6 વર્ષથી વૃક્ષો દ્વારા વરસાદને ખેંચી લાવવા માટેનું એક સામૂહિક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.સાથે જ ગામમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે તો આ વર્ષે ગામ સંપૂર્ણ રીતે કાર્બન ન્યુટ્રલ ગામ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે.

કુનરિયા ગામ કે જ્યાં શેહર જેવા જ વિકાસના કાર્યો થયા છે તો સાથે જ ગામ પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ જ એક્ટિવ છે. અહીં હાલમાં મહિલા સરપંચ દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. જો કે ગત ટર્મના સરપંચ સુરેશ છાંગાના નેતૃત્વમાં છેલ્લાં 5 વર્ષમાં 11 કરોડના માતબર રકમના વિકાસના કાર્યો થયા છે.રોડ-રસ્તા, ગટરલાઇન, લાયબ્રેરી, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક શાળા, બાલિકા પંચાયત, આંગણવાડી વગેરે જેવા વિકાસના કાર્યો થયા છે.કુનરિયા ગામમાં કુલ 3500ની વસ્તી છે જેમાં 2400 જેટલામતદાતા છે.

કુનરીયા જૂથ ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 6 વર્ષથી અત્યાર સુધીમાં 1,80,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાંથી 1,60,000 જેટલા વૃક્ષો હજુ સુધી જીવિત છે. કુનરીયા ગ્રામ પંચાયત દ્વારા ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન અંતર્ગત દર વર્ષે વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. છેલ્લાં 6 વર્ષમાં વૃક્ષોના કારણે પર્યાવરણમાં નોંધપાત્ર ફેરફાર પણ ગામમાં જોવા મળી રહ્યા છે.

કુનરીયા ગામ આમ તો વર્ષ 2001માં રિલીઝ થયેલી આમિર ખાનની લગાન ફિલ્મના શૂટિંગ બાદ સમગ્ર વિશ્વમાં જાણીતું થયું હતું, પરંતુ હવે આ ગામ તેના પર્યાવરણીય વિકાસ, વેસ્ટ મેનેજમેન્ટ, બાલિકા પંચાયત, સિંગલ યુઝ પ્લાસ્ટિક બેનના લીધે જાણીતું થયું છે અને ન માત્ર કચ્છનું પરંતુ ગુજરાતનું એક મોડેલ ગામ બન્યું છે.

ગામના સામાજિક અગ્રણી અને પૂર્વ સરપંચ સુરેશ છાંગાએ જણાવ્યું હતું કે, "ગામના લોકોની એવી ઈચ્છા હતી કે ગામનો આત્મા ગામડાનું રહે અને સુવિધાઓ તમામ શહેર જેવી મળે.શહેર જેવી સુવિધાઓ જેમાં રોડ કનેક્ટિવિટીની વાત હોય, સારા શિક્ષણની વાત હોય, ટકાઉ વિકાસની વાત હોય, પર્યાવરણની જાળવણીની વાત હોય આ તમામ સુવિધાઓ મળી રહે તે માટે છેલ્લાં 6 વર્ષોથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.ગામ હવે કાર્બન ન્યુટ્રલ તરફ આગળ વધી રહ્યું છે અને 1.6 લાખ વૃક્ષોના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ પણ વધી રહ્યું છે.બાળકો જે પ્રાઇવેટ શાળા તરફ વધુ ઝુકાવ રાખતા હતા તે ગામમાં હવે સારી ગુણવતા વાળુ શિક્ષણ મળતા અહીઁ જ સરકારી શાળામાં આગળ વધી રહયા છે.સ્વાસ્થ્ય માટે કરીને આરોગ્ય કેન્દ્ર, આશા વર્કરો પણ તપાસ કરીને ગામના લોકો સ્વસ્થ રહે અને તંદુરસ્ત રહે તે માટે પ્રયત્નો કરતા રહે છે.

કુનરીયા જૂથ ગ્રામ પંચાયત અંતર્ગત આવતા આજુબાજુના ગામમાં વરસાદ પડ્યો ન હતો જ્યારે ગામમાં 1,60,000 જેટલા વૃક્ષો વાવવાથી ગામમાં વૃક્ષોના કારણે વરસાદનું આગમન થયું હતું. વૃક્ષો વરસાદને ખેંચી લાવ્યા છે અને તેના જ લીધે ગામના 10 જેટલા પાણીના સ્ત્રોતો પુનઃ જીવિત થયા હતા. વૃક્ષોની સંખ્યા વધી જવાથી જંગલ જેવું વાતાવરણ ઉભુ થતાં વિવિધ જાતના પશુ- પક્ષીઓ પણ આ વનમાં આવતા થયા છે. આગામી સમયમાં ગામના તળાવોનું બ્યુટીફીકેશન કરવામાં આવશે. ઉપરાંત પર્યાવરણ જાગૃતિ અંગેના કાર્યક્રમો પણ અહીં છેલ્લાં 2 વર્ષોથી કરવામાં આવી રહ્યા છે તેવું સામાજિક અગ્રણી સુરેશ છાંગા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કુનરીયા ગ્રામ પંચાયતે the plastic waste management amendment rules 2021 મુજબ નક્કી કરીને ગામમાં સંપૂર્ણપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને આ નિર્ણયને ગામના દરેક લોકોએ સ્વીકાર્યું હતું. ગામના દુકાનદારો પણ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ નથી કરી રહ્યાં .સાથે જ ગામમાં આવતા ફેરિયાઓ પણ સૂચન મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ નથી કરી રહ્યાં

ગામના સ્થાનિક યુવાન ભૂરાભાઈ કેરાસિયાએ જણાવ્યું હતું કે," મોડેલ ગામની વાત કરીએ તો ગામના સરપંચ અને ગામના લોકોનો લક્ષ્ય એ જ રહે છે કે શહેરોમાં જે સુવિધાઓ લોકોને મળી રહી છે તેવી જ સુવિધાઓ ગામના લોકોને ગામમાં જ મળે અને ગામના લોકોને શહેરના ધક્કા ના પડે તે માટે હરહંમેશ પ્રયત્ન કરવામાં આવતા હોય છે.ગામમાં લોકો હવે ડિજિટલ પેમેન્ટ તરફ વળી રહ્યા છે, નેટ બેન્કિંગનો પણ લોકો ઉપયોગ કરી રહ્યા છે તો શાળામાં સ્માર્ટ કલાસરૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે તો સારી ઈન્ટરનેટ કનેક્ટિવિટી પણ પંચાયત દ્વારા આપવામાં આવી છે જેનાથી બાળકો પણ સારી રીતે અભ્યાસ કરી શકે છે.ગામમાં સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા જેથી ગુનાની પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે પહેલે પણ ગામમાં ગુનાની પ્રવૃત્તિઓ નતી થઈ રહી અને સીસીટીવી બાદ ગુનાનું પ્રમાણ નહિવત છે."

કુનરિયા ગામમાં મહિલાઓની ભાગીદારી પંચાયત અને શાસન વ્યવસ્થામાં આવે તે માટે પણ પંચાયત દ્વારા કામ કરવામાં આવ્યું છે તો બાળકોના શિક્ષણ માટે પણ ખાસ કરીને કાર્ય કરવામાં આવ્યું છે આંગણવાડી, કોમ્યુનિટી હોલના બાંધકામ, કબ્રસ્તાન, સ્મશાનની વ્યવસ્થા માટે પણ પંચાયતે અંગત રસ દાખવીને કાર્ય કર્યું છે.કુનરિયા જૂથ ગ્રામ પંચાયતના કાર્યોની નોંધ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પણ લીધી છે.

બાલિકા પંચાયતના સરપંચ ભારતી ગરવાએ જણાવ્યું હતું કે,"કુનરિયા ગામમાં ભારતની પ્રથમ બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓની પણ પંચાયતી કામોમાં ભાગીદારી વધે અને સાશન વ્યવસ્થામાં રસ લે તે હતો. બાલિકા પંચાયતની રચનામાં 10 વર્ષની બાલિકાથી લઈને 21 વર્ષની કિશોરીઓએ મતદાનની પ્રક્રિયામાં ભાગ લઈને મત કેવી રીતે અપાય છે અને ચુંટણી કેવી હોય છે તે અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. બાલિકા પંચાયતની રચનાથી જ ગામમાં મહિલાઓમાં આત્મવિશ્વાસમાં વધારો થયો છે."

કુનરિયા ગ્રામ પંચાયતના સરપંચ રશ્મીબેન છાંગાએ Zee media સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે," હાલમાં ગામ કાર્બન ન્યુટ્રલ ગામ બનવા તરફ આગળ વધી રહ્યું છે જે અંતર્ગત તેમના સરપંચ બન્યા બાદ 30,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તો ગામના 50 જેટલા ખેડૂતોને ગોબર ગેસ પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેનો ઉપયોગ કરીને આગળ વધી રહ્યા છે.તો ગામના અન્ય 50 ખેડૂતોએ compost kit વિતરણ કરવામાં આવી છે અને તેઓ અળસીયા મારફતે ખાતર મેળવીને ખેતી કરી રહ્યા છે.ગામમાં 610 પરિવારને સુકો અને ભીનો એમ બંને કચરો એકત્રિત કરવા માટે કચરાપેટી આપવામાં આવી છે જેમાં એકત્રિત થતાં કચરામાંથી ખાતર અને કંતાન બનાવવામાં આવી રહ્યું છે. "

વધુમાં મહિલા સરપંચે જણાવ્યું હતું કે,"ગામના 500 પરિવારને આધુનિક ટેકનોલોજી વાળા ચૂલા આપવામાં આવ્યા છે જેથી કરીને ઓછા લાકડાનું બારણ થાય અને કાર્બન ઉત્સર્જન ઓછું થાય. આ ઉપરાંત કાર્બન ઉત્સર્જન રોકવા માટે વૃક્ષોનું વાવેતર તો કરવામાં આવી જ રહ્યું છે. સાથે જ કચ્છ જિલ્લાની કોઈ શાળામાં નહિ હોય તેવું સ્માર્ટ ક્લાસ રૂમ કુનરિયાની શાળામાં છે.તો બંને શાળામાં વરસાદી પાણી જમીનમાં જ ઉતરે તે માટે બોરવેલની સુવિધા કરવામાં આવી છે.સોલારની પેનલો પણ લગાડવામાં આવી છે.કુમાર શાળા માટે નવું બિલ્ડીંગ પણ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ગામમાં 1,60,000 વૃક્ષો વાવવામાં આવ્યા છે અને અને આ વર્ષે 40,000 જેટલા વધારે વૃક્ષો હજી અહીં વાવવામાં આવશે અને કાર્બન ન્યુટ્રલ ગામ બનાવવામાં આવશે."

ગામમાં બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે જેમાં દર મહિને 1 વખત મહિલાઓ અને બાલિકાઓ વચ્ચે બેઠક યોજાય છે જેમાં મહિલાઓ તેમજ બાલિકાઓને થતાં પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવે છે અને તે સમસ્યાઓ કે પ્રશ્નો પર ગ્રામ પંચાયતની બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવે છે અને આવા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે છે તેવું રશ્મીબેન છાંગાએ જણાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news