જમીન પર ઝાડ ન હોવા છતાં ઝાડ બતાવી લાખોની છેતરપિંડી, ચીખલી APMCના પ્રમુખે ભારે કરી!

ભારત સરકારના મોટા મોટા પ્રોજેક્ટમાં નવસારી જિલ્લાની ઉપજાઉ જમીન સંપાદન થતા સરકાર દ્વારા જમીનની બજાર કિંમતના 4 ઘણા રૂપિયા અસરગ્રસ્ત ખેડૂતોને આપતા માલામાલ થયા છે.

જમીન પર ઝાડ ન હોવા છતાં ઝાડ બતાવી લાખોની છેતરપિંડી, ચીખલી APMCના પ્રમુખે ભારે કરી!

ઝી બ્યુરો/વડોદરા: ભારત સરકારના ડ્રીમ પ્રોજેકટમાંનો એક વડોદરા મુંબઈ એક્સપ્રેસવેની જમીન સંપાદન દરમિયાન ચીખલીના સાદકપોર ગામના ખેડૂત અગ્રણી અને ચીખલી APMCના પ્રમુખ કિશોર પટેલે પોતાના કુટુંબની સહિયારી જમીનમાંથી તેમના ભાગમાં આવતી જમીનમાં ઝાડ ન હોવા છતાં પોતાની વગ વાપરી 197 ઝાડ ચોપડે બતાવીને 65 લાખ રૂપિયાનું વળતર મેળવી સરકાર સાથે છેતરપિંડી કર્યાના આક્ષેપો સાથે તેમના જ ભત્રીજાએ ગામ આગેવાનો સાથે કલેકટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.

ભારત સરકારના મોટા મોટા પ્રોજેક્ટમાં નવસારી જિલ્લાની ઉપજાઉ જમીન સંપાદન થતા સરકાર દ્વારા જમીનની બજાર કિંમતના 4 ઘણા રૂપિયા અસરગ્રસ્ત ખેડૂતોને આપતા માલામાલ થયા છે. જેમાં લાખો કરોડો રૂપિયા મળતા હોવાથી અનેક લોકોએ સરકારને અથવા જમીન માલિકને અંધારામાં રાખી બોગસ દસ્તાવેજો બનાવી કરોડો રૂપિયા ગજવે ઘાલ્યાની ફરિયાદો થઈ છે. 

આજે નવસારીના ચીખલી તાલુકામાંથી પસાર થતા વડોદરા મુંબઈ એકસપ્રેસ વે ના જમીન સંપાદન દરમિયાન સાદકપોર ગામે રહેતા અને ચીખલી APMC ના પ્રમુખ કિશોર પટેલે તેમના કુટુંબીઓની સહિયારી જમીનમાંથી તેમના ભાગે આવતી 37 ગુંઠા જમીનમાં ખેર, મહુડો, આંબા, ચંદન વગેરે મળી કુલ 197 ઝાડીમાં 107 ખેર સહિત મહુડો અને ચંદનના ઝાડો જમીનમાં ન હોવા છતાં સરકારના સર્વેયર અને વન વિભાગના અધિકારી કર્મચારીઓ સાથેની મિલીભગતમાં 65 લાખ રૂપિયા મેળવીને છેતરપીંડી કર્યાની માહિતી તેમના જ ભત્રીજા મિનેશ લક્ષ્મણ પટેલે RTI હેઠળ માહિતી મેળવી હતી. જેથી એક જાગૃત નાગરિક તરીકે આજે ગામના પૂર્વ સરપંચ અને આગેવાનો તેમજ પિતરાઈ ભાઈ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં કલેકટરે સમગ્ર મુદ્દે યોગ્ય તપાસ કરાવી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

એકસપ્રેસ વેના જમીન સંપાદનમાં ખોટી રીતે ઝાડ બતાવી લાખો રૂપિયા ચાંઉ કરી જવાના આક્ષેપો સામે ચીખલી APMC ના પ્રમુખ કિશોર પટેલે તેમની સામે કરેલી ફરિયાદ ખોટી અને પાયાવિહોણી ગણાવી હતી. જમીન સંપાદનમાં વર્ષ 2009 થી તેઓ ખેડૂતો સાથે મળીને આંદોલન ચલાવી રહ્યા હતા, જેના કારણે જ સરકાર દ્વારા જે જમીનના 2.56 કરોડ મળતા હતા એના 6.68 કરોડ રૂપિયા મળ્યા હતા. જેમાં જમીનમાં ઝાડના ડબલ રૂપિયા મળ્યા હતા. જે 107 ખેરના ઝાડ માટે આક્ષેપો થઈ રહ્યા છે, એમાં જગ્યા પર 122 ઝાડ હોવાનું વાન વિભાગની તપાસમાં સામે આવ્યું છે. ત્યારે મને રાજકિય રીતે બદનામ કરવા આજે આવેદન અને આક્ષેપો થયા છે.

વડોદરા મુંબઈ એકસપ્રેસ વે ની જમીન સંપાદનમાં એક જ પરિવારના કાકા ભત્રીજા ઝાડ હોવા અને ન હોવા મુદ્દે આમને સામને આવી ગયા છે. સમગ્ર પ્રકરણમાં સર્વેયર કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે, જેમાં આ પ્રકારે કરોડો રૂપિયાનું કૌભાંડ થયુ હોવાના પણ આક્ષેપો છે. ત્યારે સરકાર આ મુદ્દે યોગ્ય તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે એજ સમયની માંગ છે.

Trending news