ગાંધીજીના પોરબંદરની એક નગરપાલિકા વારંવાર ભ્રષ્ટાચારના કારણે આવે છે ચર્ચામાં, જાણો શું છે સમગ્ર વિવાદ
Trending Photos
અજય શિલુ/પોરબંદર : વિકાસના કામોને બદલે ભ્રષ્ટાચારના કારણે સતત વિવાદમાં રહેતી પોરબંદર છાંયા નગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી છે. જે સ્થળો વિસ્તારમાં વર્ષોથી રસ્તાઓ નથી, ત્યાં નવા રસ્તા બનાવવાને બદલે જ્યાં સારી પરિસ્થિતીમાં રસ્તો હોવા છતાં આ રસ્તાને ખોદી નવો બનાવવા 50 લાખથી વધુનુ ટેન્ડર બહાર પાડવામાં આવતા વિરોધ ઉઠ્યો છે.
પોરબંદરની ચોપાટી નજીક આવેલા દદુના જીમથી લઈ બસ સ્ટેન્ડ પાસે આવેલા ફુવારા સુધીનો રસ્તો જે સીમેન્ટનો હોવા ઉપરાંત તેમાં હજુ સુધી કોઇ નુક્શાની નથી જોવા મળી રહ્યું આમ છતાં પાલિકા તંત્ર દ્વારા આ રસ્તાને નવો બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવતા પોરબંદરના શહેરીજનો દ્વારા આવા ખર્ચની કોઇ જરૂરીયાત ન હોવાની રજૂવાતો કરવામાં આવી છે. રૂપિયા 50 લાખથી વધુના ખર્ચે બની રહેલ 250 મીટરના આ રસ્તા અંગે શહેરીજનોએ એવું જણાવ્યુ હતુ કે, આ રસ્તો સારો હોય અને હયાત સ્થિતિમાં હોય આ રસ્તાને બનાવવાનો પ્રશ્ન અયોગ્ય છે. રાજાશાહી સમયથી બનેલો આ રસ્તો ખુબજ મજબુત અને ટકાઉ હોય અને તે તોડવાને બદલે જે જગ્યાએ રસ્તાઓ નથી ત્યાં રસ્તાઓ બનાવવા જોઈએ. અહી રસ્તો બનાવવા પાછળ ભ્રષ્ટાચાર કરવાની નીતી હોવાની લોકો દ્વારા આશંકાઓ છે.
સતત ભ્રષ્ટાચારના આક્ષેપો માટે ટેવાયેલી પોરબંદર પાલિકાની આ કામગીરી અંગે જ્યારે પાલિકાના ચીફ ઓફિસરને પુછવામાં આવ્યું ત્યારે તેઓએ કાઈ અલગ જ કારણ આપ્યું હતું. આ રસ્તાની બંને સાઇડ ફૂટપાથ તેમજ ચોપાટીમાં આવવા જવા માટે ઇન અને આઉટ પ્રકારનો રસ્તો કરવો હોવાથી આ રસ્તો પહોળો સહિતની કામગીરી કરવામાં આવશે તેવું ચીફ ઓફીસર દ્વારા જણાવવામાં આવ્યું હતું. પોરબંદર ચોપાટી નજીકના આ જે રસ્તાને લઈને વિવાદ ઉભો થયો છે તે એજ જગ્યા છે જ્યા ચાઇનીઝ-નોનવેજની લારીઓ અને કેબિનો હટાવવામાં આવી હતી.અને હાલમાં ફરી પેશકદમી ન થાય તે માટે આ રસ્તો પાલિકા દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે.ત્યારે આ મામલે હવે શું કાર્યવાહી કરવામા આવશે તે જોવુ રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે