યુક્રેનમાં દીકરીની પરિસ્થિતિ જોઈને માતા રડી પડી... દમણની માનસી ચાર વર્ષથી યુક્રેનમાં રહે છે

Ukraine Russia Conflict : દમણના દુનેઠા વિસ્તારમાં રહેતા શર્મા પરિવારની માનસી શર્મા નામની વિદ્યાર્થીની પણ યુક્રેનમાં ફસાઈ છે. બંને દેશ વચ્ચે યુદ્ધ શરું થતાં માનસી અને અહી દમણમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે

યુક્રેનમાં દીકરીની પરિસ્થિતિ જોઈને માતા રડી પડી... દમણની માનસી ચાર વર્ષથી યુક્રેનમાં રહે છે

નિલેશ જોશી/દમણ :રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જાહેર થતાં અનેક ભારતીયો અને ખાસ કરીને અસંખ્ય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. ત્યારે દમણના દુનેઠા વિસ્તારમાં રહેતા શર્મા પરિવારની માનસી શર્મા નામની વિદ્યાર્થીની પણ યુક્રેનમાં ફસાઈ છે. બંને દેશ વચ્ચે યુદ્ધ શરું થતાં માનસી અને અહી દમણમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. 

દુનેઠાંમાં રહેતા સુનીલ શર્માની પુત્રી 4 વર્ષથી યુક્રેનમાં રહીને એમ.બી.બી.એસનો અભ્યાસ કરી રહી છે. માનસી યુક્રેનના પોલેન્ડની બોર્ડર નજીક આવેલા ઇવાનો પ્રાંતમાં રહીને અભ્યાસ કરી રહી છે. જ્યારથી યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે ત્યારથી માનસી તેના પરિવારજનો સાથે સતત સંપર્કમાં છે. રશિયાએ યુદ્ધ જાહેર કરતાં જ અહીં તેના પરિવારજનોના જીવ અધ્ધર થઇ ગયા હતા. દિવસભર પરિવારજનો પોતાની પુત્રીના સંપર્કમાં રહે છે અને વીડિયો કોલ દ્વારા તેની હાલચાલ જાણી રહ્યા છે.

માનસીએ પણ યુક્રેનથી એક વીડિયો મોકલાવીને ભારત સરકાર સમક્ષ મદદની માંગ કરી છે. અહીં તેના પરિવારજનોમાં પણ ચિંતાનો માહોલ છે. શર્મા પરિવારની પુત્રી યુક્રેનમાં ફસાઇ હોવાની જાણ થતા જ તેમના પડોશીઓ અને દમણના અગ્રણીઓ શર્મા પરિવારની મુલાકાત લઈ અને હૈયા ધરપત આપી રહ્યા છે. સાથે જ પરિવારજનો એ પણ અહીં દમણ પ્રશાસનથી લઈ સરકારી તંત્રને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા છે અને પોતાની પુત્રીને યુક્રેનથી બહાર લાવવા ભારત સરકાર મદદ કરે તેવી માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, રશિયાના હુમલા બાદ યૂક્રેનમાં તબાહી શરૂ થઈ છે. યૂક્રેનની રાજધાની કીવને ઘેરવાનું પ્લાનિંગ રશિયાએ કરી લીધું છે. બીજી તરફ યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેંસ્કીને પણ કોઈને સપોર્ટ નથી. હવે તો અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેને પણ હાથ અધ્ધર કરી લીધા છે. યૂક્રેનને પોતાની લડાઈ જાતે લડવી પડશે. અમેરિકા પોતાની સેના નહીં મોકલે. આ મામલે જેલેંસ્કીએ કહ્યું કે, રશિયા સાથેની લડાઈમાં તેમને એકલું પાડી દેવાયું. તેમણે દાવો કર્યો કે, રશિયાના હુમલામાં યૂક્રેનના 137 લોકોના મોત થયા છે. જ્યારે 316 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે હવે રશિયાને જડબાતોડ જવાબ આપવા યૂક્રેનમાં તડામાર તૈયારી છે. જાણકારી મુજબ, આજે સવારે કીવમાં કુલ 6 ધમાકા થયા. આ ધમાકા ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઈલોથી કરવામાં આવ્યા. એટલું જ નહીં પણ યૂક્રેને રશિયાના એક વિમાનને તોડી પાડ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news