રાજકોટમાં સિટીબસના ડ્રાઈવરોની હડતાલ, રિક્ષા ચાલકોએ વધાર્યું ભાડું, મુસાફરોની મુશ્કેલી વધી

રાજકોટમાં પગાર ન મળતા સિટીબસના ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા છે. ડ્રાઈવરોની હડતાલ બાદ રિક્ષા ચાલકોએ પોતાના ભાડામાં 50 ટકા જેટલો વધારો કરી દીધો છે, જેના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. 

રાજકોટમાં સિટીબસના ડ્રાઈવરોની હડતાલ, રિક્ષા ચાલકોએ વધાર્યું ભાડું, મુસાફરોની મુશ્કેલી વધી

ગૌરવ દવે,  રાજકોટઃ  રાજકોટમાં RMC સંચાલિત ઇલેક્ટ્રિક સિટીબસના ડ્રાઇવરોએ વીજળીક હડતાલ કરી હતી. જેને કારણે ઇલેક્ટ્રિક સિટીબસના પૈડા થંભી ગયા હતા. સમયસર પગાર નહીં થતા બસનાં ડ્રાઈવરોએ વીજળીક હડતાળ પર ઉતરતા હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એટલું ન નહિ હડતાળને કારણે રિક્ષા ચાલકોએ પણ 50 ટકા જેટલો ભાડામાં વધારો કરી દેતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા...અંતે કેવી રીતે હડતાલ સમેટાઈ જુઓ આ રિપોર્ટમાં..

રંગીલું રાજકોટ...રાજકોટનો વિકાસ થતા રાજકોટ હવે 23 કિલોમીટરની ત્રિજીયા ધરાવતું શહેર છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટવાસીઓને ટ્રાન્સપોર્ટેશન પૂરતી સુવિધા મળી રહે તે માટે સીટીબસ સેવા પુરી પાડી રહી છે. માસ ટ્રાન્સપોર્ટ માટે સૌથી સરળ સિટીબસ સેવા છે. જોકે આજે અચાનક જ રાજકોટની સિટીબસ સેવા ખોરવાઈ હતી. જેની પાછળ કારણ હતું સિટીબસના ડ્રાઇવરોના પગાર સમયસર ન થવું. સિટીબસના ડ્રાઇવરોએ આજે સવારે સિટીબસ ડેપોમાંથી ઇલેક્ટ્રિક સિટીબસ જ ન હંકારતા વીજળીક હડતાલ પડી અને ટ્રાન્સપોર્ટેશન ખોરવાયું. રાજકોટના 80 ફૂટ રોડ પર ઇલેક્ટ્રિક સિટીબસ ચાર્જિંગ સ્ટેશને અંદાજી 65 થી 70 બસ રાખી દેવામાં આવી અને સિટીબસના પૈડાં થંભી ગયા. સિટીબસના ડ્રાઇવરોએ કહ્યું હતું કે, નારાયણા સિટીબસ ઓપરેટર પ્રા. લી અને PMI કંપની સિટીબસ સેવાનું સંચાલન કરે છે. કોન્ટ્રાકટ બેઇઝ ડ્રાઇવરો હોવાથી અમને નિયમિત સમયસર પગાર ચુકવવામાં આવતો નથી. ક્યારેક 10 તારીખે તો ક્યારેક 20 તારીખ સુધી પગાર ચુકવવામાં આવતો નથી. અમે પણ ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવીએ છીએ. ઘણી વખત તો ઘરનું ભાડું પણ ચૂકવી શકતા નથી. નિયમિત પગાર ચૂકવવા માટે છેલ્લા બે મહિનાથી રજૂઆત કરીએ છીએ. 10 તારીખ સુધીમાં પગાર ચૂકવી દેવામાં આવે તેવી અમારી માંગ છે. હડતાળને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હળતાલનું લાભ લઇ રીક્ષા ચાલકોએ બેફામ ભાડા વસુલ કર્યા હતા. 50 ટકા જેટલા ભાડા વધારી દેતા મુસાફરોને ન છૂટકે રિક્ષામાં મુસાફરી કરી હાલાકી વેઠવી પડી હતી.

તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા હડતાલ સમેટવાના પ્રયાસ કરવાને બદલે મીડિયાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટ સિટીબસ શાખાના આસી.ઈજનેર શૈલેષ રાવરાણી મીડિયાને જોઈને ભડક્યો હતો. સિક્યોરિટીને બોલાવીને મીડિયાને સિટીબસ ડેપો બહાર કાઢવા સૂચના આપી હતી. જોકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે મીડિયાને પ્રવેશ આપવા ટેલિફોનિક સૂચના આપી છતાં સિટીબસના ઈજનેર અલ્પના મિત્રા અદેશ દેશે તો જ પ્રવેશ આપીશ તેવો પાવર કરતો કેમેરામાં કેદ થયો હતો.

જોકે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ મધ્યસ્થી બન્યા અને ડ્રાઇવરો અને એજન્સી વચ્ચે સંકલન કર્યું હતું. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, સવારે ઇલેક્ટ્રિક સિટીબસ સેવામાં ડ્રાઇવરો દ્વારા પગાર અનિયમિત મળતો હોવાની ફરિયાદ કરી હડતાળ પાડવામાં આવી હતી. જાહેર પરિવહન વ્યવસ્થામાં ડીઝલ અને ઇલેક્ટ્રિક બસ સેવા ચાલે છે, જેમાં સવારે ઇલેક્ટ્રિક બસનાં ડ્રાઈવરનો પગારનો પ્રશ્ન મુખ્ય હતો. આ વખતે RMCનાં અધિકારીઓ દ્વારા બસ એજન્સી અને ડ્રાઈવર વચ્ચે મિટિંગ કરવામાં આવી રહી છે. આ મામલે ડ્રાઈવર-એજન્સી વચ્ચે મનપા અધિકારીઓએ સંકલન કર્યું છે અને હાલ વાટાઘાટો ચાલે છે. થોડા સમયમાં જ બસ સેવા પૂર્વવત સેવાઓ શરૂ થઈ જશે. હાલ આ મુદ્દો છે જેને ધ્યાન ઉપર રાખીને પ્રાથમિકતા સાથે વાટાઘાટો થઈ ચૂકી છે અને ઇલેક્ટ્રિક સિટી બસની હડતાળ પૂર્ણ થવા તરફ છે. કર્મચારીઓને લગતા પ્રશ્નો ન આવે તે જોવામાં આવશે. એજન્સી જો આ મામલે કાયમી સમાધાન કરી વ્યવસ્થા નહીં કરે તો આગળ કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાના કૌભાંડમાં સંડોવાયેલા સિટી ઇજનેર અલ્પના મિત્રાને સિટિબસ સેવાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યાર થી અલ્પના મિત્રા સિટીબસ સેવાની સુકાન સાંભળી છે ત્યારે થી જ પગાર ચુકવવામાં મુશ્કેલી ઉભી થઇ છે. મનપા દ્વારા માત્ર કિલોમીટર દીઠ રકમ ચૂકવવમાં આવતી હોય છે. આ વખતે માર્ચ-એપ્રિલનાં કારણે તેમાં અંદાજે 15 દિવસ જેટલું મોડું થયું છે. પણ ડ્રાઈવરોનો પ્રશ્ન તો કાયમી છે. એજન્સી દ્વારા તેઓને 6 મહિનાથી સમયસર પગાર ચૂકવવામાં આવતો નહીં હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે મનપા દ્વારા એજન્સીને તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા આદેશ આપવામાં આવ્યો છે. જેને કારણે એજન્સીએ ડ્રાઇવરોના સંગઠનને એજન્સીએ પગાર નિયમિત ચુકવવાની બાંહેધરી આપતા હડતાલ સમેટી લેવમાં આવી હતી. જોકે RMC નિયમિત બિલ ચુકવણું કરતું ન હોવાથી પગાર ચુકવવામાં મુશ્કેલી સર્જાય હોવાનું સામે આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news