VIDEO વડોદરા: દેવની હત્યા પહેલાના CCTV ફૂટેજ આવ્યાં સામે, જોઈને ધ્રાસકો પડી જશે
વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી ભારતી શાળામાં દેવ તડવી નામના વિદ્યાર્થીની હત્યા થતાં ચકચાર મચી ગઈ. દેવના શરીર પરથી એક બે નહીં પરંતુ 25 જેટલા છરીના ઘાના નિશાન મળી આવ્યા.
Trending Photos
તુષાર પટેલ, રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી ભારતી શાળામાં દેવ તડવી નામના વિદ્યાર્થીની હત્યા થતાં ચકચાર મચી ગઈ. દેવના શરીર પરથી એક બે નહીં પરંતુ 25 જેટલા છરીના ઘાના નિશાન મળી આવ્યા. એવો આરોપ છે કે, ધોરણ 10ના 3-4 વિદ્યાર્થીઓએ જ દેવની હત્યા કરી છે. દેવની હત્યા થઈ તે પહેલાના અંતિમ દ્રશ્યોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જેને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપી વિદ્યાર્થીની ધરપકડ પણ કરી લીધી હોવાનું કહેવાય છે. આરોપીની પૂછપરછમાં અનેક મહત્વના ખુલાસા થશે એવું મનાઈ રહ્યું છે. હત્યાનું મૂળ કારણ પણ સામે આવી શકે છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ધોરણ 9માં અભ્યાસ કરતા દેવને થોડા દિવસ પહેલાં ધોરણ 10ના વિદ્યાર્થી સાથે ઝઘડો થયો હતો. ઝઘડાની અદાવત રાખીને જ આ વિદ્યાર્થીઓએ દેવની હત્યા કરવાની યોજના બનાવી હતી. પ્લાન મુજબ આ વિદ્યાર્થીઓ ઘરેથી એક સ્કૂલબેગમાં ત્રણ ચપ્પુ અને મરચાનો પાઉડર લઈને શાળામાં આવ્યા અને દેવ જ્યારે બાથરૂમમાં ગયો એટલે મોકો મળતા જ દેવને 25 જેટલા છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો. હત્યા કર્યા બાદ એક વિદ્યાર્થી સ્કૂલબેગ નજીકના મંદિરની છત પર ફેંકી આવ્યો હતો.
બનાવની જાણ થતાં જ પોલીસ અને એફએસએલની ટીમ શાળામાં દોડી આવી હતી અને ગણતરીની મિનિટોમાં જ આરોપી વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા. આ સાથે જ ડીઈઓની ટીમ પણ સ્કૂલે પહોંચી હતી અને મૃતક વિદ્યાર્થી અંગે જાણકારી મેળવી હતી. ગત મધરાતે આરોપી વિદ્યાર્થીઓની ધરપકડ કરાઇ હતી ઉપરાંત વધુ એક વિદ્યાર્થી આરોપીની પણ વલસાડથી ધરપકડ કરી વધુ તજવીજ હાથ ધરાઇ છે. સઘન પૂછપરછમાં વધુ ખુલાસા થાય તેવી શકયતા વ્યકત કરાઇ છે.
દેવની હત્યાથી તેના પરિજનોની હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ છે. પરિવારજનો પણ સ્કૂલે પહોંચ્યા હતા.પરંતુ દેવના શરીર પર એટલા ઈજાના નિશાન હતા કે તે જોઈને તેમનું કાળજું કંપી ઉઠ્યું હતું. દેવની માતાને તો વિશ્વાસ જ ન થયો કે હવે દેવ તેમની વચ્ચે નથી. પરંતુ હવે તેમની માગણી છે કે, દેવના હત્યારાઓને કડકમાં કડક સજા થાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે