અમદાવાદના પીરાણા રોડ નજીક આવેલી કોટન ફેક્ટરીમાં ભીષણ આગ

વિશાલ સ્પીન્ટેક્ષ નામની કંપનીના કોટનના ગોડાઉનમાં આગ લાગતાં 8 થી 10 કરોડનું નુકસાન થવાની સંભાવના છે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, ગોડાઉનમાં રૂની ગાંસડીઓ હોવાને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ફાયરની 11 ગાડીઓ ઘટનાસ્થળે 

અમદાવાદના પીરાણા રોડ નજીક આવેલી કોટન ફેક્ટરીમાં ભીષણ આગ

અમદાવાદઃ અમદાવાદના પીરાણા રોડથી કમોડ ચોકડી રોડ પર આવેલી વિશાલ સિન્થેટિક ફેકટરીના રૂના ગોડાઉનમાં આગ લાગી છે. રૂમાંથી દોરાં બનાવતી આ કંપીના ગોડાઉમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં હાલ ફાયરની 11 ગાડીઓ આગ બુઝાવવાની કામગીરી કરી રહી છે. આગને કારણે 8 થી 10 કરોડનું નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જોકે, કોઈ જાનહાનીના સમાચાર નથી.

અમદાવાદના દસક્રોઈ તાલુકાના મીરોલી ગામમાં આવેલી આ ફેક્ટરીમાં સાંજે 5 કલાકે આગ લાગવાની ઘટના બની હતી. ગોડાઉમાં રૂની ગાંસડીઓ પડી હોવાના કારણે આગે જોત-જોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 

કંપનીના માલિક બળવંત અગ્રવાલે જણાવ્યું કે, તેમની કંપની કોટન યાર્ન બનાવે છે. અહીં તેમની કંપનીનું ગોડાઉન આવેલું હતું. કંપનીમાં રૂની 7 હજારથી વધુ ગાંસડીઓ ખરીદીને રાખવામાં આવી હતી. આ આગને કારણે કંપનીને 8 થી 10 કરોડનું નુકસાન થવાની સંભાવના છે.


 
ફાયરના કર્મચારી મલેક મહેમુદમિયાંએ આગ અંગે જણાવ્યું કે, "સાંજે 5 કલાકે આગ લાગવાના સમાચાર મળ્યા હતા. સૌ પ્રથમ 3 ગાડી મોકલી હતી. ત્યાર બાદ હું આવ્યો હતો. આગ વધુ દેખાતાં બીજી 4 ગાડી મગાવી હતી. અહીં કંપનીના પોતાના બોર છે, પરંતુ અમને પુરતું પાણી આપી શકતા ન હતા. એટલે અમે બીજી ચાર મોટી 'ગજરાજ' ગાડી મગાવી હતી. 

આગમાં કોઈ જાનહાની થઈ નથી. સાંજે 5 કલાકના સુમારે અહીં ભારે તેજ પવન ફૂંકાતો હોવાના કારણે આગ ઘણા વિસ્તારમાં પ્રસરી ગઈ હતી. કંપીના કોટનના ત્રણ ગોડાઉન છે અને અંદર ગયા પછી ખબર પડશે કે કેટલા ગોડાઉન આગની ઝપટમાં આવ્યા છે. આ આગને સંપૂર્ણપણે કાબુમાં લેવામાં આવતાં 16 થી 18 કલાકનો સમય લાગશે." 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news