ફરી પેપર નહીં વિદ્યાર્થીઓનું નસીબ ફૂટ્યું! યુવરાજસિંહ જાડેજાના ઘટસ્ફોટ બાદ લેવાયું મોટું એક્શન

ગુજરાતમાં વધુ એક પેપર ફૂટવા અંગેની આશંકાએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ભાવનગર યુનિવર્સિટીનું બી.કોમ સેમે-6 માં એકાઉન્ટનું પેપર લીક થયું હોવાનો યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો હતો.

ફરી પેપર નહીં વિદ્યાર્થીઓનું નસીબ ફૂટ્યું! યુવરાજસિંહ જાડેજાના ઘટસ્ફોટ બાદ લેવાયું મોટું એક્શન

નવનીત દલવાડી/ભાવનગર: મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં ગત 1 એપ્રિલના રોજ બી.કોમ સેમેસ્ટર 6 માં એકાઉન્ટનું પેપર જે પરીક્ષા શરૂ થવાના 18 મિનિટ પહેલા વાયરલ થયું હોય જે અંગેની ઘટસ્ફોટ યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સોસીયલ મીડિયા દ્વારા કરતા વધુ એક પેપર ફૂટવાની આશંકાએ ભાવનગર યુનિવર્સિટી દ્વારા તાકીદે કમિટીની રચના કરી તપાસના આદેશ આપ્યા છે, અને જરૂર પડે જો આ અંગે કોઈ હકીકત સામે આવશે તો જે તે વ્યક્તિઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. 

ગુજરાતમાં વધુ એક પેપર ફૂટવા અંગેની આશંકાએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ભાવનગર યુનિવર્સિટીનું બી.કોમ સેમે-6 માં એકાઉન્ટનું પેપર લીક થયું હોવાનો યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો હતો. પરીક્ષા પહેલાં જ પેપર વાઇરલ થયું હોય જે અંગેના પુરાવા પણ તેમણે રજૂ કર્યા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં શનિવારે બી.કોમ સેમેસ્ટર 6 નું પ્રશ્નપત્ર હતું. એકાઉન્ટ વિષયનું પેપર હતું. આ પેપર શરૂ થવાનો સમય બપોરે 3:30 થી 6 કલાકનો હતો. 

જોકે, પરીક્ષા શરૂ થતાં પહેલાં 3:12 મિનિટે તે પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું. જે પેપર વાઇરલ થયું હતું તે પેપર જ પરીક્ષામાં પુછાયું હતું. વાઇરલ પેપરને ક્રોસ ચેક કરતા સેમ પેપર હોવાનું સામે આવ્યું હતું, આથી આ પેપર લીક થયું ગણાય, જેથી જરૂર પડે સરકાર જો કહેશે તો તેઓ આ અંગેના પુરાવા આપશે તેમ કહ્યું હતું. જેને પગલે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના કુલપતિ દ્વારા તપાસ અંગે 3 સભ્યોની એક કમિટી ની રચના કરવામાં આવી છે. જેમાં 2 EC સભ્ય અને એક કુલ સચિવની સભ્યોની કમિટી દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવશે. 

આ અંગે યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ઉમેશ રાવળે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના નેતા દ્વારા જે સોશિયલ મીડિયામાં પેપર લીકનો દાવો થયો છે તે અમને સાંજે જાણવા મળ્યું છે, જો કોઈ વાસ્તવિક સ્થિતિ ધ્યાનમાં આવશે તો યુનિવર્સિટી દ્વારા ચોક્કસ પગલાં લેવામાં આવશે. આ પરીક્ષા કુલ 14 કેન્દ્રો પર ચાલી રહી હતી, જેમાં શહેરનાં 5 કેન્દ્રો અને તાલુકા કક્ષાએ 9 સેન્ટરો પર પરીક્ષા ચાલી રહી હતી, જે જે સેન્ટરો પર પરીક્ષા ચાલી રહી હતી ત્યાં સેન્ટરો પરથી સીસીટીવી ફૂટેજ મંગાવવામાં આવ્યા છે, અને સમિતિ તેના આધારે નક્કી કરશે, અને તેમાં જે કોઈ જવાબદાર હશે તો યુનિવર્સિટી દ્વારા તેની સામે પગલાં લેવામાં આવશે. 

વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ કમિશનરને પણ માહિતી મોકલી આપવામાં આવી છે, અને ગતમોડી રાત્રે પોલીસને સાહિત્ય આપીને આ અંગે જાણ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news