'એક થઈને રહો નહીં તો કોઈ યાદ પણ નહીં કરે કે ચૌધરીઓ ક્યારેય સત્તામાં હતા', શિવાભાઈ ભૂરિયાનો ધડાકો

શિવાભાઈ ભૂરિયાએ બનાસકાંઠા જિલ્લામાં ચૌધરીઓ વચ્ચે ચાલતી હુંસાતુંસીને જાહેર મંચ પરથી ખુલ્લી પાડી અને કહ્યું કે જો આ જ રીતે આંતરિક ખટપટ અને કાવાદાવા ચાલુ રહેશે તો ચૌધરી સમાજનું નામું નંખાઈ જશે.

'એક થઈને રહો નહીં તો કોઈ યાદ પણ નહીં કરે કે ચૌધરીઓ ક્યારેય સત્તામાં હતા', શિવાભાઈ ભૂરિયાનો ધડાકો

ઝી બ્યુરો/બનાસકાંઠા: બનાસકાંઠાની દિયોદર વિધાનસભા બેઠકથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયાએ ચૌધરી સમાજના સંમેલનમાં એક મોટો ધડાકો કર્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને પરબતભાઈ પટેલની હાજરીમાં શિવાભાઈએ આ ધડાકો કર્યો છે. તેમણે શંકર ચૌધરી અને પરબત પટેલની હાજરીમાં કહ્યું કે- પોતાના સમાજ માટે ઝેર પીવું પડે તો પીવું જોઈએ. ઝેર પીને પણ સમાજના વિકાસ અને એકતા માટે કામ કરવું જોઈએ. 

શિવાભાઈ ભૂરિયાએ બનાસકાંઠા જિલ્લામાં ચૌધરીઓ વચ્ચે ચાલતી હુંસાતુંસીને જાહેર મંચ પરથી ખુલ્લી પાડી અને કહ્યું કે જો આ જ રીતે આંતરિક ખટપટ અને કાવાદાવા ચાલુ રહેશે તો ચૌધરી સમાજનું નામું નંખાઈ જશે. જી હા... તેમણે ઉદાહરણ સાથે કહ્યું કે ચૂંટણી થાય તો બનાસકાંઠા જિલ્લામાં થરાદ બેઠક સિવાય કોઈ પણ ચૌધરી ઉમેદવારની જીત મુશ્કેલ છે. 

તેમણે સમાજના સંમેલનમાં સ્ટેજ પરથી કહ્યું કે અત્યારે તો ફક્ત અને ફક્ત મારું અને મારું કેવી રીતે સચવાય તેવી જ પ્રવૃત્તિ ચાલી રહી છે. જો આ પ્રવૃત્તિ ચાલતી રહેશે તો આગળ જતાં તેનાં પરિણામ તમામે ભોગવવાં પડશે. થરાદ મત વિસ્તારમાં યોજાયેલા ચૌધરી સમાજના આ કાર્યક્રમમાં શિવાભાઈ ભૂરિયાએ શંકર ચૌધરી અને પરબત પટેલની હાજરીમાં સનસનીખેજ આરોપ લગાવ્યો. 

તેમણે કહ્યું કે બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર રેખાબેન ચૌધરીને જીતાડવા માટે દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણે રેખાબેનનું નામ લેવાનું પણ ટાળ્યું હતું. જી હા...લોકસભાની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યની ભૂમિકા સામે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યો છે એટલે આ મામલો ગંભીર રીતે ચર્ચામાં આવી ગયો છે. આનો મતલબ એ થયો કે શિવાભાઈ કોંગ્રેસના હોવા છતાં સમાજનાં ઉમેદવાર જીતે તેવું ઈચ્છતા હતા. સમાજનાં ઉમેદવાર એટલે રેખાબેન ચૌધરી. જેમને બનાસકાંઠામાં ભાજપે લોકસભાની ટિકિટ આપી હતી અને તેમની સામે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યાં હતાં. 

શિવાભાઈ ભૂરિયા આટલેથી જ ન અટક્યા, તેમણે કહ્યું કે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે રેખાબેનનું નામ નથી લીધું તેમ છતાં ભાજપે શું તેમનો શું ફેર પાડી દીધો? શિવાભાઈએ કહ્યું કે ધાનેરામાં ભાજપમાંથી બળવો કરીને અલગ થયા પછી માવજી દેસાઈ અપક્ષમાંથી ચૂંટણી જીત્યા તો ભાજપે તેમનો શું ફેર પાડી દીધો? લોકસભાની ચૂંટણીમાં રબારી સમાજ કોંગ્રેસ તરફી હતો તેમ છતાં ભાજપે શું ફેર પાડી લીધો? બનાસકાંઠાના થરાદના કાર્યક્રમમાં શિવાભાઈ ભૂરિયાની વેદના બહાર આવી છે.

તો લોકસભાની ચૂંટણીમાં જે રીતે કાવાદાવા ખેલાયા અને ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતી ગયાં તે પછીની શિવાભાઈ ભૂરિયાની આ હૈયાવરાળ છે. શિવાભાઈ ભૂરિયાએ શંકર ચૌધરી અને પરબતભાઈ પટેલને પણ સંભળાવ્યું કે થરાદમાં જે પ્રવૃત્તિ આદરી છે તે ચાલુ રાખશો તો પસ્તાશો. શિવાભાઈ ભૂરિયાએ કહ્યું કે રાજકીય પાર્ટી કરતાં સમાજ પ્રથમ હોવો જોઈએ. અન્ય જ્ઞાતિના પ્રભુત્વ સામે ટકવું હોય તો એક થઈને રહો નહીં તો કોઈ યાદ પણ નહીં કરે કે ચૌધરીઓ ક્યારેય સત્તામાં હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news