લો બોલો! વડોદરા શહેરનો આ વિસ્તાર ઓળખાય છે 'મીની દમણ'! આજે બનેલી ઘટનાથી પોલીસની છબી ખરડાઈ

આમ તો સમાજ માં પોલીસનું કામ નાગરિકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનું હોય છે, પરંતુ સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં આવારા તત્વો અને ગુનેગારોને પોલીસ કે કાયદાનો ડર હોય તેમ નથી લાગી રહ્યું.

 લો બોલો! વડોદરા શહેરનો આ વિસ્તાર ઓળખાય છે 'મીની દમણ'! આજે બનેલી ઘટનાથી પોલીસની છબી ખરડાઈ

હાર્દિક દિક્ષીત/વડોદરા: શહેરમાં અવારનવાર ગુનેગારો દ્વારા પોલીસ ને ખુલ્લો પડકાર ફેંકી ગુના આચરવામાં આવે છે. છતાં પોલીસ મૌન જોવા મળે છે. આ એક વરવી વાસ્તવિકતા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંદીના દાવા વચ્ચે વડોદરા શહેરમાં બૂટલેગરો બેફામ બન્યા છે. શરાબનું ખુલ્લેઆમ વેચાણ તો ઠીક જો કોઈ સામાન્ય નાગરિક બુટલેગર તરફ નજર ઉઠાવીને જોઈ પણ લે તો બૂટલેગરો પોતાની મનમાની કરી સામાન્ય નાગરિકોને ફટકારે છે.

કઈક આવો જ એક કિસ્સો હાલ પ્રકાશમાં આવ્યો છે. વડોદરા શહેરના ગાજરાવાડીને લોકો મીની દમણ તરીખે ઓળખે છે. ત્યારે અહી આવેલા ગણેશ નગરમાં એક માથાભારે બુટલેગર દ્વારા એક યુવક પર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. બુટલેગર દ્વારા યુવક પર હુમલાની ઘટના નજીકમાં જ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ગણેશ નગરમાં દેશી દારૂનો ધંધો કરતા રણજીત અને તેના ભાઈઓ પર ઢોર માર માર્યાનો આક્ષેપ પિયુષ નામના સ્થાનિક યુવક દ્વારા લગાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગણેશ નગરમાં રણજીત નામનો બુટલેગર છેલ્લા ઘણા સમયથી દેશી શરાબનો ધંધો કરે છે, તો સાથે જ આ માથાભારે બુટલેગર દ્વારા અહી વસવાટ કરતા સ્થાનિક રહીશો સાથે વારંવાર તકરાર કરી દાદાગીરી કરવામાં આવે છે. આજે ગણેશ નગરમાં જ રહેતા પિયુષ નામના યુવક પર પોલીસને બાતમી આપ્યાની  શંકાના આધારે બુટલેગર દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. 

અગાઉ બુટલેગરને ત્યાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેથી બુટલેગરને પિયુષ નામના યુવક દ્વારા બાતમી આપવામાં આવી હોવાની શંકા પડી હતી. આજે પિયુષ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે બુટલેગર દ્વારા તેને રોકવામાં આવ્યો હતો અને ત્યારબાદ તુ પોલીસને મારી બાતમી કેમ આપે છે તેમ જણાવી ઢોર માર મારવામાં આવ્યો હતો. મારામારીની આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

ઉલેખનીય છે કે બુટલેગરના હુમલાનો ભોગ બનેલા પિયુષ તેમજ તેના પરિવાર દ્વારા શહેર પોલીસ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. યુવકના પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ વિસ્તારમાં પોલીસની મહેરબાનીથી વિસ્તારમાં બૂટલેગરો બેફામ બન્યા છે. સ્થાનિકોની અનેક રજૂઆત છતાં પોલીસ દ્વારા ગુનેગારો સામે કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે આખ આડા કાન કરવામાં આવે છે. જેના કારણે અહી નાગરિકોનું રહેવું મુશ્કેલ થઈ ગયું છે.

શહેરમાં બેફામ બનેલા બુટલેગરના હુમલાની ઘટનાના કારણે પોલીસની છબી ખરડાઈ છે. પોલીસ અને બૂટલેગરોની સાંઠગાંઠ ખુલ્લી પડી છે, ત્યારે ફરી એક વખત શહેર પોલીસની છબી ખરડાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news