ગુજરાતમાં પહેલીવાર આ શહેરની સરકારી હોસ્પિટલમાં શરૂ થયો ગર્ભ સંસ્કાર વોર્ડ
Garbh Sanskar : પોરબંદરની લેડી હોસ્પિટલ ખાતે જ્યાં આ ગર્ભ સંસ્કાર વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.... જ્યાં આવનારું બાળક કેવું હોવુ જોઈએ તે વિશે દરેક માતાને માહિતી અપાશે
Trending Photos
Porbandar News અજય શીલુ/પોરબંદર : હિન્દુ ધર્મમાં ગર્ભસ્થ શિશુથી શરુ કરીને જીવનના અંતિમ ચરણ સુધીમાં ગર્ભધાન, પુંસવન, જાતકર્મ તેમજ નામકરણ સહિત સોળ સંસ્કાર આવે છે. આ તમામ સોળ સંસ્કારમાંથી સૌથી મહત્વના ગર્ભધાન સંસ્કાર માટે રાજ્યમાં પ્રથમ વખત પોરબંદર જિલ્લાની સરકારી લેડી હોસ્પિટલ ખાતે ગર્ભ સંસ્કાર વોર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ચાલો જોઈએ પોરબંદરમાં શરૂ થયેલ ગર્ભધાન સંસ્કાર વોર્ડની વિશેષતા.
હિન્દુ ધર્મમાં જન્મથી મૃત્યુ સુધીમાં આવતા 16 સંસ્કારોમાંથી સૌથી પહેલા આવતા સંસ્કાર એટલે ગર્ભ સંસ્કારને ખુબ જ મહત્વનો ગણવામાં આવે છે. આપણા વેદો ઋષિમુનિઓ દ્વારા આપવામાં આવેલ આ અમૂલ્ય સંસ્કારનું જો માણસ પાલન કરે તો સાચે જ એક શ્રેષ્ઠ માણસ બની શકે છે. પોરબંદરની જી.એમ.ઈ.આર.એસ મેડીકલ કોલેજ દ્વારા ગર્ભધાન સમયથી બાળકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે તેવા હેતુ સાથે રાજ્યમાં પ્રથમ વખત પોરબંદર જિલ્લાની સરકારી લેડી હોસ્પિટલ ખાતે ગર્ભ સંસ્કાર વોર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વોર્ડ શરૂ કરવા અંગે જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજના ડીન ડો.સુશીલ કુમારે જણાવ્યુ હતુ કે, ગર્ભ સંસ્કારથી બાળક મેન્ટલી અને ફિઝિકલી સ્વસ્થ થશે અને જ્યારે બાળક સ્વસ્થ હશે ત્યારે એક સારા માણસનું નિર્માણ થશે અને સારા સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થશે તેવા હેતુ સાથે આ ગર્ભ સંસ્કાર વોર્ડની શરૂઆત કરી છે.
પોરબંદરની લેડી હોસ્પિટલ ખાતે જ્યાં આ ગર્ભ સંસ્કાર વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. ત્યાં ગર્ભવતી મહિલાઓ માટે શું કામગીરી થઈ રહી તે અંગે જાણકારી આપતા મેડિકલ કોલેજના ડીને જણાવ્યુ હતુ કે, આ ગર્ભ સંસ્કાર વોર્ડ માટે ઈન્ટરવ્યું કરીને એક મહિલા યોગ ટીચરને નિમણુંક કરવામાં આવી છે. આ ગર્ભ સંસ્કાર વોર્ડમાં આવતી બહેનોને યોગા, મેડીટેશન અને શું ખાવું અને શું ન ખાવું તેની પણ સમજ આપવામાં આવશે. કારણ કે, સાત્વિક ભોજન હોય તો સાત્વિક વિચાર આવે તેથી આ સમય દરમિયાન કેવો ખોરાક લેવાથી બાળક વધુ તંદુરસ્ત બને તેની જાણકારી બહેનોને આપવામાં આવશે. રાજ્યમાં પોરબંદરમાં આ પ્રથમ ગર્ભ સંસ્કાર વોર્ડ છે તે શરૂ કરવામાં આવ્યો છે. અન્ય કોઈ જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારના ગર્ભ સંસ્કાર વોર્ડ કાર્યરત હોય તેવું ધ્યાનમાં નથી તેમ તેઓએ જણાવ્યુ હતું.
હજારો વર્ષો પૂર્વે આપણા વેદો અને ઋષિમુનીએ આપણને જન્મથી મૃત્યુ સુધી શ્રેષ્ઠ અને જીવન જીવવા માટેના રસ્તાઓ તેમજ ખૂબ જ અગત્યના એવા 16 સંસ્કારો વિશે કહ્યુ છે. તેવામાં બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે જો બાળકમાં શ્રેષ્ઠ સંસ્કારનું સિંચન થાય તેને જરૂરી ગર્ભ સંસ્કાર મળે તો આ ગર્ભ સંસ્કાર લઈને સંસારમાં આવતું બાળક સાચે જ એક સારો માણસ અને સારા સમાજની સાથે એક સાર રાષ્ટ્રનું નિર્માણ કરી શકવાની શક્તિ ધરાવતો મનુષ્ય બની શકે છે. પોરબંદરની લેડી હોસ્પિટલમાં હાલમાં જે રીતે આ ગર્ભ સંસ્કાર વોર્ડ શરૂ કરવામાં આવ્યો તે ખુબ જ સરાહનીય કાર્ય ગણી શકાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે