માંગણીઓ પુરી ન થતાં શિક્ષકોની 'ગાંધીગિરી', કાળીપટ્ટી ધારણ કરી કર્યો વિરોધ
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળની ફરિયાદ છે કે રાજ્ય સરકારે 2017માં જાન્યુઆરીમાં રાજ્યના તમામ ફિક્સ પગારના સહાયકોને પગાર વધારો આપવાનો ઠરાવ કર્યો હતો.
Trending Photos
અમદાવાદ: ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળની ફરિયાદ છે કે રાજ્ય સરકારે 2017માં જાન્યુઆરીમાં રાજ્યના તમામ ફિક્સ પગારના સહાયકોને પગાર વધારો આપવાનો ઠરાવ કર્યો હતો. જેમાં સરકારી કર્મચારી સહાયકો, સરકારી શાળાના શિક્ષક સહાયકો પ્રાથમિક ગ્રાન્ટેડ શાળાના શિક્ષક સહાયકો સહિત તમામ ફિક્સ પગારના કર્મચારીઓને પગાર વધારાનો લાભ અપાયો છે. પરંતુ માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષક સહાયકોને પગાર વધારો અપાયો નથી.
સરકારે માધ્યમિકના શિક્ષક સહાયકોને 6 હજાર અને ઉચ્ચ માધ્યમિકના શિક્ષક સહાયકોને 12 હજાર ઓછો પગાર વધારો આપ્યો છે. નાણામંત્રીએ તફાવતની રકમ આપી દેવાની જાહેરાત કર્યાને પણ દસ મહિના થઇ જવા છતાં પગાર વધારો અપાયો નથી.
આ ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 4 હજાર શિક્ષકોની ભરતી તથા નિવૃતિ અને આકસ્મિક મૃત્યુથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા તથા ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપવા અને સિનિયર શિક્ષકોનો પગાર જુનિયર શિક્ષકોથી ઓછો થઇ જવાથી માંડી 31 વર્ષે ઉચ્ચ માધ્યમિક શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ આપવા સહિતના અનેક પ્રશ્નોને લઇને સરકાર દ્વારા કોઇ નિકાલ ન લાવવામાં આવતા આજથી ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો આંદોલન પર ઉતર્યા છે. જેમાં જેમાં 7 હજારથી વધુ માધ્યમિક સ્કૂલોના કાયમી શિક્ષકો તથા શિક્ષણ સહાયકો કાળી પટ્ટી ધારણ કરીને શાળામાં આવ્યા હતા.
રાજકોટમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પગાર વધારા સહિતની વિવિધ માગ સાથે હડતાળ પર ઉતર્યા છે. રાજકોટ શહેર અને જિલ્લાના શિક્ષકો આ આંદોલનમાં જોડાયા છે. આ આંદોલનમાં શિક્ષકો પોતાનું કાર્ય બંધ નહી કરે અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. એક સપ્તાહમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો શિક્ષકો ગાંધીનગર ખાતે રામધૂન સાથે ધરણા કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે