વિધાનસભાની વાતઃ વરાછા વિધાનસભા બેઠકઃ પાટીદારોનુ વર્ચસ્વ ધરાવતી સીટ પર શું આ વખતે રચાશે નવા સમીકરણ?
Gujarat Elections 2022 : ભાજપ અને પાટીદારોનો ગઢ વરાછામાં રત્નકલાકારોના મૂડ પર ઘણું બધું નિર્ભર કરે છે. મનપાની ચૂંટણીમાં ફાવી ગયેલી AAP પણ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં છે, ત્યારે આ વખતે નવા સમીકરણો લગભગ નિશ્વિત છે
Trending Photos
અમદાવાદ :સુરતની 16 વિધાનસભા બેઠકોમાંથી વરાછા બેઠક પર આ વખતે સૌની નજર છે. આ બેઠક પર ભાજપ જીતની હેટ્રિક લગાવી શકે છે કે કેમ તેના પર સૌની નજર છે. 2017માં પાટીદાર અનામત આંદોલનની અસર વચ્ચે પણ ભાજપે આ પાટીદાર બહુલ બેઠક જીતી હતી. આમ તો આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જંગ સમેટાઈ જતો હોય છે, પણ આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે.
વરાછા બેઠકનો રાજકીય ઈતિહાસ
2007ના સીમાંકનમાં સુરત, ઉત્તર અને સુરત પશ્વિમ વિધાનસભાના વિસ્તારોમાંથી વરાછા બેઠક અસ્તિત્વમાં આવી હતી. 2012માં પહેલી વાર યોજાયેલી ચૂંટણીમાં ભાજપમાંથી કિશોર કાનાણી ચૂંટાયા. 2012માં તેઓ ફરી અહીંથી જીત્યા. કિશોર કાનાણીએ બંને વખતે કોંગ્રેસનાં ઉમેદવાર અને સુરતમાં મોટો ચહેરો ધીરુ ગજેરાને હરાવ્યા હતા. 2012માં કિશોર કાનાણીને 68,529 અને ધીરુ ગજેરા 48,170 મત મળ્યા હતાં. જ્યારે 2017માં કિશોર કાનાણીને 68472 અને ધીરુ ગજેરાને 54474 મત મળ્યા હતા.
વરાછા બેઠકનાં રાજકીય સમીકરણો
વરાછા વિસ્તાર પાટીદારોનો ગઢ છે. આજ કારણ છે કે 2017ની ચૂંટણી વખતે પાટીદાર આંદોલનની અસર અહીં સૌથી વધુ જોવા મળી હતી. આ વિસ્તારમાં આંદોલનને લગતા વિરોધ પ્રદર્શન પણ થયા હતા. ભાજપને પ્રચારમાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતા ભાજપે આ બેઠકને જાળવી રાખી હતી. જો કે કોંગ્રેસના ઉમેદવારને મળેલા મતની ટકાવારી વધી હતી. 2012માં કોંગ્રેસને વરાછામાં 37.80 ટકા મત મળ્યા હતા, જ્યારે 2017માં આ ટકાવારી વધીને 43.51 ટકા થઈ હતી.
2021માં યોજાયેલી મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાની સૂચક હાજરી નોંધાવી હતી. વરાછામાં પણ આપનાં કોર્પોરેટર ચૂંટાયા હતા. એવામાં આ વખતે તો AAP વિધાનસભાની ચૂંટણીમાં પણ ઉતરી છે. આ ઉપરાંત અત્યાર સુધી કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા ધીરુ ગજેરા હવે ભાજપમાં જોડાયા છે. એટલે કે જંગ ત્રિપાંખિયો છે, છતા અનિશ્વિત છે.
સામાજિક સમીકરણ
વરાછા બેઠક પર પાટીદારો સમુદાયનાં 1.40 લાખ જેટલાં મતદારો છે. એટલે કે 70 ટકાથી વધુ મતદારો પાટીદાર સમુદાયનાં છે. જેઓ દેખીતી રીતે વિજેતા નક્કી કરે છે. મૂળ સૌરાષ્ટ્રના પાટીદાર સમુદાયનાં લોકો અહીં આવીને વસ્યા છે. વરાછા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 1,98,634 છે, જેમાંથી પુરૂષ મતદારો 1,12,305 અને મહિલા મતદારો 85,851 છે.
વરાછા બેઠકનાં મુખ્ય મુદ્દા
વરાછા વિસ્તાર ડાયમંડ સિટી સુરતમાં રત્નકલાકારો માટે હબ સમાન છે. કોરોના કાળમાં રત્નકલાકારોએ આર્થિક સંકડામણ સહન કરવાનો વારો આવ્યો હતો. ઘણા રત્નકલાકારોએ પોતાનાં બાળકોને ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં મૂકવાની પણ ફરજ પડી હતી. રત્નકલાકારો માટે કોઈ પેકેજ જાહેર ન કરાતા એક સમયે રત્નકલાકારોમાં સરકાર સામે ભારે રોષ હતો. જો કે હવે કોરોના કાળ વિતી ગયો છે.
કુમાર કાનાણીને રૂપાણી સરકારના મંત્રીમંડળમાં સ્થાન અપાતા તેમનું રાજકીય કદ વધ્યું હતું. જો કે તેમને આ વખતે ટિકિટ મળે છે કે કેમ તેના પર પણ ઘણું બધુ નિર્ભર કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે