બનાસકાંઠાની શાળામાં કોરોનાનો રાફડો ફાટ્યો, 9 વિદ્યાર્થી પોઝિટિવ
Trending Photos
- ડીસાની શાળામાં 2 શિક્ષકો અને 9 વિદ્યાર્થીઓ સહિત 11 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા
- કોરોનાનું સંક્રમણ વધતા શાળા એક અઠવાડિયા માટે બંધ કરાઈ
અલ્કેશ રાવ/બનાસકાંઠા :જાન્યુઆરી મહિનામાં કોરોનાના કેસ કાબૂમાં આવ્યા હતા. પરંતુ ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ડીસાની રામસણ પ્રાથમિક શાળામાં 11 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
હાલ શાળાઓ ખૂલી ગઈ છે. ત્યારે બનાસકાંઠાના ડીસાની રામસણ પ્રાથમિક શાળામાં 2 શિક્ષકો અને 9 વિદ્યાર્થીઓ સહિત 11 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. શાળાઓ ખૂલતાની સાથે જ કોરોના સંક્રમણ વધ્યું છે. કોરોનાનું સંક્રમણ વધતા શાળા એક અઠવાડિયા માટે બંધ કરાઈ છે. તો શાળામાં 11 કોરોના પોઝિટિવ કેસ આવતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા કે નહિ તે અંગે મૂંઝવણમાં મૂકાયા છે.
આ પણ વાંચો : ધોરાજીમાં ઉમેદવારી પરત ખેંચનાર ભાજપના ઉમેદવારે ઝેર પીધું
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 278 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન અમદાવાદમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 273 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં નવા કેસ બાદ કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 266,034 થઈ ગયા છે.
તો બીજી તરફ, આજથી રાજ્યભરમાં ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થયા છે. શાળામાં વિદ્યાર્થીઓનો ઓફલાઈન અભ્યાસ શરૂ થયો છે. વાલીના સંમતિપત્ર સાથે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરાયા છે. તો સાથે જ કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ, શિક્ષકોએ માસ્ક પહેરવું, નિયમો પાળવા ફરજિયાત છે. ધોરણ 10 અને 12ની સાથે યુજી-પીજીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ અને ત્યારબાદ ધોરણ 9 અને 11 તેમજ કોલેજના પ્રથમ વર્ષના વર્ગો સફળતાપૂર્વક ઓફલાઈન શરૂ કર્યા બાદ હવે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા સરકારે મંજૂરી આપી છે. કોરોના મહામારીના કારણે 11 મહિનાથી બંધ શાળાઓના વર્ગમાં ધોરણ 6 થી 8ના બાળકો ફરી અભ્યાસ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે