હર્ષ સંઘવીએ શું કહ્યું કે, ઉકળી ઉઠ્યાં AAP નેતા ગોપાલ ઈટાલિયા? જાણો ઈશુદાન ગઢવીએ કેમ દબાવ્યો હાથ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં મંચ પરથી હળવા અંદાજમાં આપના નેતા ગોપાલ ઈટાલિયા અને ઈશુદાનને સંબોધીને કહ્યુંકે, આપણે બધા એકબીજાના દુશ્મન નથી બધા મિત્રો જ છીએ. રાજનીતિમાં પણ હળવાશ હોવી જોઈએ. બધું માથા પર ગરમ રાખીને, બુમો પાડીને રાજનીતિ કરવી જોઈએ નહીં. ક્યારેક હળવું પણ રહેવું જોઈએ. 

હર્ષ સંઘવીએ શું કહ્યું કે, ઉકળી ઉઠ્યાં AAP નેતા ગોપાલ ઈટાલિયા? જાણો ઈશુદાન ગઢવીએ કેમ દબાવ્યો હાથ

શંખનાદ 2022/ZEE24કલાક: ઝી24કલાકના ચૂંટણીલક્ષી કાર્યક્રમ શંખનાદ 2022માં દરેક રાજકીય પક્ષોના તમામ મોટા નેતાઓએ હાજરી આપી. અને તેમણે તમામ તીખા સવાલોના શાલીનતાથી જવાબો પણ આપ્યાં. આ કાર્યક્રમમાં જ્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કેન્કલેવ દરમિયાન પૂછાયેલાં સવાલોનો જવાબ આપી રહ્યાં હતાં એજ સમયે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પણ આમંત્રિત મહેમાન તરીકે ત્યાં આવી પહોંચ્યાં. અને ઈન્ટવ્યૂના સ્ટેજની બરોબર સામે જ તેમની બેઠક વ્યવસ્થા હતી. તેમની સાથે મીડિયા છોડીને આપમાં જઈ નેતા બનેલાં ઈશુદાન ગઢવી પણ હાજર હતાં. હર્ષ સંઘવીની નજર મળતા તેમણે ઈશુદાન તરફ જોઈને હળવી શૈલીમાં વાત રાજનીતિમાં ખેલદિલીની વાત કરી.

ઉલ્લેખનીય છેકે, હર્ષ સંઘવીનું વક્તવ્ય ચાલી રહ્યું હતું તે સમયે પહેલાં તો ગોપાલ ઈટાલિયા ડાઉન હોલમાં પ્રવેશવા તૈયાર નહોંતા. જોકે, ઈશુદાન ગઢવી તેમને હાથ દબાવીને હોલમાં લઈ આવ્યાં. ત્યાર બાદ જેવા આ બન્ને આપના નેતાઓ સ્ટેટની સામેના મહેમાનોની વિંગમાં પહેલી હરોળમાં બિરાજમાન થયા એવી જ હર્ષ સંઘવીની નજર આ બન્ને નેતાઓ પર પડી. આપના નેતાઓને જોઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હળવી શૈલીમાં જોવા મળ્યાં. હર્ષ સંઘવીએ મંચ પરથી આપના નેતાનું નામ દઈને કહ્યુંકે, ઈશુદાન ગઢવી મારા સારા મિત્ર છે, તે પત્રકાર હતા ત્યારે પોલીસની કામગીરીના વખાણ કરતા હતાં. પણ હવે તે આપના નેતા છે એટલે ડ્રગ્સ મુદ્દે ગુજરાતની જાંબાંઝ પોલીસે કરેલી ઉમદા કામગીરીને તેઓ નહીં વખાણી શકે. કારણકે, તેમણે પોતાની પાર્ટીની લાઈન મુજબ ચાલવું પડે. બાકી મનમાં તો તેમને ખબર જ છેકે, ગુજરાત પોલીસ સારું કામ કરી રહી છે, પણ તેઓ આપમાં જતા રહ્યાં છે એટલે હવે બોલી નહીં શકે. ઈશુદાન માણસ સાચો છે એટલે આજે નહીં તો કાલે સાચી વાત બોલશે ખરાં. 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં મંચ પરથી હળવા અંદાજમાં આપના નેતા ગોપાલ ઈટાલિયા અને ઈશુદાનને સંબોધીને કહ્યુંકે, આપણે બધા એકબીજાના દુશ્મન નથી બધા મિત્રો જ છીએ. રાજનીતિમાં પણ હળવાશ હોવી જોઈએ. બધું માથા પર ગરમ રાખીને, બુમો પાડીને રાજનીતિ કરવી જોઈએ નહીં. ક્યારેક હળવું પણ રહેવું જોઈએ. ક્યારેક એવું પણ બને કે આપણે નેતા બનવા નીકળ્યાં હોઈએ અને આપણાં ઘરના લોકો પણ આપણને મત ન આપે. તો આક્રોશમાં નહીં પણ ખેલદિલીથી હસતા-રમતા ચૂંટણી લડવી જોઈએ. ચૂંટણીને એક યુદ્ધના બદલે લોકશાહીના પર્વ તરીકે જોવી જોઈએ.

કેજરીવાલ અંગે વાત કરતા હર્ષ સંઘવીએ કહ્યુંકે, આપણે ત્યાં બહારથી ગમે તે આવે આપણે હંમેશા આત્મીયતા રાખીને તેની મહેમાનગતિ કરીએ છીએ. પણ નર્મદા વિરોધી વિચારધારા ધરાવતા લોકોને ગુજરાત ક્યારેય સાંખી નહીં લે. મંચ પરથી ઉતર્યા બાદ પણ હર્ષ સંઘવીએ ગોપાલ ઈટાલિયાને હાથ મિલાવીને કહ્યુંકે, બહુ બધુ મનમાં ભરીને નહીં રાખવાનું, ખેલદિલી રાખવાની, આપણે દુશ્મન નથી આપણું ગુજરાત એક પરિવાર છે. ખેલદિલીથી રાજનીતિ કરવાની.

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ શંખનાદના મંચ પરથી હર્ષ સંઘવીને કાઉન્ટર જવાબ આપ્યો. ગોપાલ ઈટાલિયાએ કહ્યુંકે, ભાજપના ગૃહ રાજ્યમંત્રી મંચ પરથી રાજનીતિમાં ખેલદિલીની સુફિયાણી વાતો કરે છે. પણ તેમનું આચરણ અલગ છે. છેલ્લાં એક સપ્તાહમાં એમના જ પોલીસ વિભાગ દ્વારા મારા પર ખોટી રીતે ખોટા કેસ બનાવીને બબ્બે FIR કરવામાં આવી છે. ઈશુદાન ગઢવી પર ભાજપના જ મહિલા નેતાઓ દ્વારા છેડતીનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે આમની ખેલદિલી ક્યાં જતી રહે છે.

વધુમાં ગોપાલ ઈટાલિયાએ કહ્યુંકે, ભાજપ જ્યારે વિપક્ષમાં હતું ત્યારે પોતે સત્તાની વિરુદ્ધ આંદોલન કરતું હતું. હવે જ્યારે ભાજપ સત્તામાં છે અને કોઈ આંદોલનકારી હક્કની લડાઈ માટે અવાજ ઉઠાવે તો તેને કોઈપણ રીતે દબાવી દેવામાં આવે છે. અહીં મંચ પર બેસીને હર્ષ સંઘવી ખેલદિલીના ખોટા ઉપદેશો આપે છે. અને પછી તેમની જ પોલીસ ખોટી રીતે ફસાવીને અમારી સામે ખોટા કેસ બનાવે છે. ગોપાલ ઈટાલિયાએ વધુમાં જણાવ્યુંકે, બીજી તરફ અમને અર્બન નક્સલ ગણવામાં આવે છે. જો અમે અર્બન નક્સલ હોઈએ તો ગુજરાત પોલીસ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શું કરે છે. તે કેમ અમને પકડીને જેલમાં નાંખી નથી દેતાં. જેલમાં પુરીને કેમ આ મુદ્દે અમારી સામે કેસ નથી ચલાવતા. ભાજપવાળા હંમેશા પાયાવિહોળી વાહિયાત વાતો કરે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news