અહીં સ્વીકારાય છે ત્વચાનું દાન : ગુજરાતની પ્રથમ સ્કીન બેંક આ શહેરમાં શરૂ કરાઈ
Skin Bank In Rajkot : રાજ્યની પહેલી સરકારી સ્કીન બેન્ક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત્... સ્કીન ડોનેશન માટે મૃત્યુના છથી આઠ કલાક પછી સ્કીનને હાર્વેસ્ટ કરવી જરૂરી... ફંગલ-બેક્ટેરિયામુક્ત ત્વચા ત્રણથી પાંચ વર્ષ સાચવી શકાય
Trending Photos
Rajkot News : નાગરિકોને “ઉત્તમથી સર્વોત્તમ” આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વિવિધ આરોગ્ય યોજનાઓનો પ્રભાવશાળી રીતે અમલ થઈ રહ્યો છે, સાથે-સાથે સરકારી હોસ્પિટલોમાં વિવિધ સારવાર-સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. આ જ ઉપક્રમમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ થઈ છે રાજ્યની પહેલી સરકારી સ્કીન બેન્ક.
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે હાલમાં જ સાંસદ રામભાઈ મોકરિયાના હસ્તે આ સ્કીન બેન્કનો શુભારંભ કરાયો હતો. જેનાથી રાજકોટ અને સૌરાષ્ટ્રના બર્ન્સના દર્દીઓ માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ થઈ છે. ઉલ્લેખનીય છે કે, ત્વચા (ચામડી) પણ શરીરનું એક અંગ જ છે અને આંખ, લીવર, કિડની, હાર્ટની જેમ હવે ત્વચાનું પણ દાન અને પ્રત્યારોપણ કરી શકાય છે.
રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજ (પી.ડી.યુ.)ના પ્લાસ્ટિક સર્જરી વિભાગના અધ્યક્ષ ડૉ. મોનાલી માકડિયાએ સ્કીન બેન્કની વિગતો આપતાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં હાલમાં જ સ્કીન ડોનેશન પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્કીન બેન્કની શરૂઆત કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે, દાઝી ગયા હોય તેવા દર્દી માટે આ બેન્ક અને અનુદાનિત ત્વચા ખૂબ જ ઉપયોગી બની શકે છે. દાઝેલા દર્દીને અન્યની સ્કીન મળે તો તેની બચવાની શક્યતા ૪૦ ટકા વધી જાય છે. આવા દર્દીને બાયોલોજીકલ ડ્રેસિંગના સ્વરૂપમાં આ સ્કીન લગાવી શકાય છે. ટ્રાન્સપ્લાન્ટેડ સ્કીન દર્દીના બળી ગયેલા ટીશ્યૂ, મસલ્સને કવચ તરીકે રક્ષણ આપે છે, અને ઇન્ફેક્શનનું જોખમ પણ ઘટવાની સાથે રીકવરી જલ્દી થાય છે. થોડા સમય બાદ દાઝી ગયેલા દર્દીને નવી સ્કીન આવવા લાગે છે. આ સાથે લગાવવામાં આવેલી સ્કીન નીકળવા લાગે છે. આ સ્કીન બેન્ક માટેની વિવિધ મશીનરી અને સંસાધનો રોટરી ક્લબ તરફથી દાનમાં મળ્યા છે.
કેવી હોય છે સ્કીન ડોનેશનની પ્રક્રિયા? તે સમજાવતા ડૉ. મોનાલી જણાવે છે કે, સામાન્ય રીતે બે રીતે ઓર્ગન ડોનેટ થતા હોય છે. એક લાઈવ અને બીજું કેડેવરીક. સ્કીન ડોનેશન કેડેવરીક એટલે કે મૃત્યુ પછી જ થઈ શકે છે. વ્યક્તિના મૃત્યુ પછીની છથી આઠ કલાકની અંદર સ્કીન ડોનેશન લઈ લેવાથી જ બેસ્ટ રીઝલ્ટ મળી શકે છે. સ્કીન હાર્વેસ્ટ કર્યા પછી તેને વૈજ્ઞાનિક પદ્ધતિથી ફંગલ અને બેક્ટેરિયા ફ્રી કરવામાં આવે છે. બાદમાં તેને ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર સ્ટોર કરવામાં આવે છે. આવી સ્કીન ત્રણથી પાંચ વર્ષ સુધી સાચવી શકાય છે.
સ્કીનનું ડોનેશન સ્વીકારવા અંગે તેમણે કહ્યું હતું કે, અમારી નિષ્ણાત ટીમ ચક્ષુદાનની જેમ મૃતકના ઘરે જઈને સ્કીન ડોનેશન સ્વીકારે છે. આ માટે ટીમને વિશેષ તાલીમ પણ આપવામાં આવી છે. આ માટે અમે ૨૪ કલાક હેલ્પલાઈન નંબર ૭૨૧૧૧૦૨૫૦૦ શરૂ કર્યો છે, જેના પર કોલ કરી શકાય છે. લોકો ત્વચા દાન માટે પ્રેરિત થાય તે માટે સૂત્ર “ત્વચા ઉપહાર સર્વશ્રેષ્ઠ અને ઉમદા ઉપહાર છે” પણ બનાવ્યું છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે ડોનેશનમાં આવેલી સ્કીન નિઃશુલ્ક મળી શકશે, જ્યારે અન્ય ટ્રસ્ટ સંચાલિત કે સેવાભાવી હોસ્પિટલમાં ગંભીર કેસોમાં સામાન્ય દરે આ સ્કીન ઉપલબ્ધ કરાવીશું, એમ તેમણે ઉમેર્યું હતું.
રાજકોટ સિવિલ હોસ્પિટલના અધ્યક્ષ ડૉ. રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સ્કીન બેન્કના પ્રારંભથી રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓ માટે એક વિશેષ સુવિધા ઊભી થઈ છે. આપણી ત્વચા પણ શરીરનું એક અંગ છે અને અન્ય અંગોની જેમ તેનું પણ દાન કરી શકાય છે. બ્રેઇન ડેડ કે અન્ય મૃત્યુના કિસ્સા બાદ મૃતકના સગાઓ સ્કીન ડોનેશન માટે સિવિલ હોસ્પિટલની સ્કીન બેન્કનો સંપર્ક કરી શકે છે. સ્કીન ડોનેશન એક પૂણ્યનું કામ છે. તેનાથી અનેક લોકોની પીડા દૂર થશે અને અન્યોને નવજીવન આપી શકાય છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે, ચક્ષુદાન અને અન્ય અંગોના દાનની જેમ ત્વચા દાનના અભિયાનમાં પણ જોડાય અને અન્ય દર્દીઓને નવજીવન આપવાના પૂણ્યકાર્યમાં સહભાગી બને.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે