વિશ્વ મહિલા દિવસે જન્મ લેનાર દિકરીઓને ચાંદીનો સિક્કો આપી વધાવશે સરકાર

વિશ્વ મહિલા દિવસે જન્મ લેનાર દિકરીઓને ચાંદીનો સિક્કો આપી વધાવશે સરકાર

ગાંધીનગરઃ રાજ્યભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ આવતીકાલે 8 માર્ચે રાજ્યમાં જન્મ લેનારી પ્રત્યેક દિકરીઓના જન્મને નન્હીં પરી અવતરણ તરીકે વધાવવામાં આવશે. 

આ કાર્યક્રમના ભાગરૂપે મુખ્યપ્રધાન આવતીકાલે સવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ જઈને નવજાત બાળકીના પરિવારને ચાંદીનો સિક્કો, મમતાકીટ અને મીઠાઇ અર્પણ કરીને વધાવશે. તો નાયબ મુખ્યપ્રધાન સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. આજ રીતે વિધાનસભા અધ્યક્ષ અને રાજ્ય સરકારના તમામ મંત્રીઓ દરેક જિલ્લામાં જઈને દિકરીઓના જન્મને વધાવશે. 

સીએમ વિજય રૂપાણી સવારે 9.15 કલાકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી બેટી બચાવો બેટી પઢાવો મહારેલીનું પ્રસ્થાન કરાવશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સીએમ અને ડેપ્યુટી સીએમની હાજરીમાં બપોરે ત્રણ કલાકે મહાત્મા મંદિર ખાતે કરવામાં આવશે. આ ઉજવણીમાં 100 વર્ષ ઉંમરની માતૃશ્કિતનું શતાયુ વંદના હેઠળ સન્માન તેમજ ગૌરવશાલી નારી શક્તિના સન્માન અને માતા યશોદા એવોર્ડ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આજીવિકા ગ્રામિણ અંતર્ગત આદિજાતિ વિસ્તાર પંચમહાલના ઘોઘમ્બાની સ્વસહાય જૂથની બહેનોને સ્વરોજગારી માટે 7 મારૂતિ ઈકો વાન અર્પણ કરવામાં આવશે. આ અવસરે સેનાની ત્રણેય પાંછમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારી મહિલાઓનું સન્માન કરવામાં આવશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news