નર્મદા ડેમના લેટેસ્ટ અપડેટ : 90 ટકા ભરાઈ ગયો સરદાર સરોવર ડેમ, બાકીના 49 ડેમ હજી પણ હાઈએલર્ટ પર

Narmada Dam Overflow : ગુજરાતની જીવાદોરી સમાન 'સરદાર સરોવર' ડેમમાં ૯૦ ટકાથી વધુ જળ સંગ્રહ, ગુજરાતના કુલ ૪૯ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૫.૩૭ ટકા જળ સંગ્રહ
 

નર્મદા ડેમના લેટેસ્ટ અપડેટ : 90 ટકા ભરાઈ ગયો સરદાર સરોવર ડેમ, બાકીના 49 ડેમ હજી પણ હાઈએલર્ટ પર

Narmada River :  ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૯૦ ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં ૩,૦૦,૪૦૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૯.૯૨ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૪૬,૮૫૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૬૧.૯૨ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ,જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

ગુજરાતના 49 ડેમ હાઈએલર્ટ પર
રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૪૯ જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે ૧૩ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય સરદાર સરોવર સહિત રાજ્યના ૪૦ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત ૨૦ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૪૧ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.

સૌથી વધુ પાણીની આવક સરદાર સરોવર ડેમમાં થઈ
આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ  સરદાર સરોવરમાં ૨,૬૭,૮૦૭ ક્યુસેક જ્યારે ઉકાઈ યોજનામાં ૬૦,૫૩૪ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૫.૩૭ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૫૩.૧૭ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૧.૪૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં  ૫૦.૪૮ ટકા તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૯.૬૫ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.

ત્રણ રાજ્યોનુ વરસાદી પાણી ગુજરાતમાં આવ્યું
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પડી રહેલા સારા વરસાદના કારણે ગુજરાતના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. સતલાસણા ધરોઈ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે. જો કે, ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટના કારણે ધરોઈ ડેમ હજુ 40 ટકા જ ભરાયો છે.. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સિઝનમાં પહેલી વાર 135.61 મીટર પર પહોંચી છે અને આ સાથે નર્મદા ડેમ 90 ટકા ભરાયો છે. અહીંમા રિવરબેડ પાવરહાઉસ, કેનાલ હેડ પાવરહાઉસ અને નવ દરવાજાથી પાણી નદીમાંથી છોડાઈ રહ્યું છે. તો આ તરફ ઉકાઈ ડેમના છ દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 334.90 ફૂટ પર પહોંચી છે. ડેમનું રૂલ લેવર 335 ફૂટ અને ભયજનક સપાટી 345 ફૂટ છે.

સરસ્વતી નદીમાં પાણી છોડવાની માંગ
તો બીજી તરફ, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પાટણની સરસ્વતી નદીમાં પાણી ઠાલવવાની રજૂઆત કરી છે. નર્મદા ડેમના દરવાજા ખોલીને કેનાલમાં છોડવામાં આવી રહ્યું પાણી સુજલામ સુફલામથી સરસ્વતી નદીમાં ઠાલવવાની માંગ કરી છે. સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવે તો ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવે તેવે ઉલ્લેખ પત્રમાં કરાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news