અબજો રૂપિયાની જમીનના વિવાદમાં રાજવી પરિવારના 90 વર્ષના મોટા માતાનું અપહરણ, પરિવારના સભ્યો સામે ફરિયાદ

ગઢકાના ગાયત્રી દેવી જાડેજા, રાજકોટના આત્મીય કોલેજના પ્રોફેસર રવિરાજસિંહ પરમાર, રાજકોટના હરિસિંહ સોઢા અને પારડીના પ્રદ્યુમનસિંહ જાડેજાએ જમીન વિવાદમાં મોટા મોટાનું અપહરણ કર્યુ હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

અબજો રૂપિયાની જમીનના વિવાદમાં રાજવી પરિવારના 90 વર્ષના મોટા માતાનું અપહરણ, પરિવારના સભ્યો સામે ફરિયાદ

અલ્કેશ રાવ, બનાસકાંઠાઃ ફરી એકવાર સામે આવ્યો છે પરિવારમાં પૈસા અને જમીન માટેનો ઝઘડો. કહેવાય છેકે, કે જર, જોરું અને જમીન ત્રણેય કજિયાના છોરું. રાજવી પરિવારનો કંઈક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના ગઢકાની 48 એકર જમીનના વિવાદમાં રાજપરિવારના 90 વર્ષના મોટા માતાનું અપહરણ કરાયું હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. બનાસકાંઠા જિલ્લાના થરા રાજવી પરિવારના મોટા માતા રસિકકુંવરબાનું અપહરણ પારિવારિક સભ્યો દ્વારા જ કરાયું હોવાની ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાવવામાં આવી છે. પિયર પક્ષના 4 વ્યક્તિઓએ મોટા માતાનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાતા થરા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલો રાજકોટ જિલ્લા સાથે પણ જોડાયેલો હોવાથી ત્યાં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. અપહરણ કેસમાં રાજકોટ પોલીસને જાણ કરાતા એક અપહરણકારની ઇનોવા કાર જપ્ત કરાઇ છે. અપહૃત મોટા માતાને ગઢકામાં છુપાવાયા હોવાની શંકાએ પોલીસની એક ટીમ ત્યાં તપાસ માટે દોડી ગઇ છે. કાંકરેજના થરા રાજઘરાના પરિવારના 90 વર્ષીય મોટા માતાનું જમીનના વિવાદમાં તેમના પિયરપક્ષ રાજકોટના ગઢકાના ચાર વ્યક્તિએ થરામાંથી અપહરણ કરી અજાણ્યા સ્થળે છુપાવી દેતાં ચકચાર મચી છે. 

સમગ્ર મામલે બીજી પત્નીના પુત્રએ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન રાજકોટ પોલીસને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ કમિશનરના આદેશથી યુનિવર્સિટી પોલીસે એક અપહરણકારના ઘરે દરોડો પાડી ઇનોવા કાર જપ્ત કરી હતી. જોકે આરોપી હજુ પણ પોલીસ ગિરફ્તમાં આવ્યો નથી. કાંકરેજના થરા ખાતે રહેતા રાજઘરાનાના રસિકકુંવરબાના પિયર રાજકોટના ગઢકા ગામે તેમના પિતા લગધીરસિંહના વારસાની 48 એકર જમીન આવેલી છે. લાંબા સમયથી આ જમીન કોને મળશે તેને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે.
 

પ્રાપ્ત માહિતી મુજબ રસિકકુંવરબા 7 ઓક્ટોબરે થરા તેમના નિવાસ સ્થાને પરિવાર સાથે હતા. જી.જે.03.4032 નંબરની ઈનોવા કારમાં આવેલાં ગઢકાના ગાયત્રીદેવી ગજેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ આત્મીય કોલેજના પ્રોફેસર રવિરાજસિંહ પરમાર, રાજકોટના હરિરાજસિંહ સોઢા અને લોધિકા તાલુકાના પારડીના રાજભા પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ રસિકકુંવરબાનું અપહરણ કર્યું હતું. અને અજ્ઞાત સ્થળે છુપાવી દીધા હતા. આ અંગે બીજી પત્નીના પુત્ર ભગીરથસિંહ મંગળસિંહ વાઘેલાએ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ચારેય વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છેકે, થરા દરબારગઢના મંગળસિંહ વાઘેલાના પ્રથમ લગ્ન ગઢકાના લગધીરસિંહ જાડેજાની દીકરી રસિકકુંવરબા સાથે થયા હતા. જોકે, રસિકકુંવરબાને સંતાન ન થતાં વારસો આગળ વધારવા માટે તેમના પતિએ બીજા લગ્ન કર્યા હતા. બીજા લગ્ન કાંકરેજના કસરા ગામે સુરેન્દ્રસિંહ ફતેસિંહ ગોહિલના ઘરે કર્યા હતા. બીજી પત્ની થકી તેમને પાંચ સંતાન છે. જે પૈકી ભગીરથસિંહ વાઘેલાએ મોટા માતાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. મોટા માતાનું અપહરણ થયું હોવાની જાણ થતાં ભગીરથસિંહ વાઘેલા અને તેમના ભાઇ વીરભદ્રસિંહ રાજકોટમાં ગાયત્રીદેવી ગજેન્દ્રસિંહ જાડેજાના ઘરે તેમને શોધવા માટે ગયા હતા. જોકે, ત્યાં કોઇ હાજર ન હતું. અને ઘરે તાળાં હતા. ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. મોટો માતાજીની જલદીથી ભાળ મળે તે માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news