ગુજરાતના સૌથી સુંદર ટાપુ પર તૌકતે બાદ ગાયબ થયેલી વીજળી હજી નથી આવી
Trending Photos
કેતન બગડા/અમરેલી :તૌકતે વાવાઝોડાને 7 મહિના વિત્યા બાદ પણ અમરેલી જિલ્લાના શિયાળ બેટ ટાપુમાં વીજનો પુરવઠો હજુ ચાલુ નથી થયો. જેથી શિયાળ બેટના લોકોને વીજળી વગર પારવાર મુશ્કેલી પડી રહી છે. અહીં 10000 હજારની વસ્તી ધરાવતા આ શિયાળ બેટ ટાપુમાં વીજ કનેક્શન દરિયામાં થઈને ફાઇબર ઓપ્ટિકલ્સથી મળે છે. પરંતુ વાવાજોઝાએ અહીં ખેદાન મેદાન કરી નાખતા અહીં લાઈટ હજુ સુધી આવી નથી. બીજી તરફ, અહીં લોકોને પાણીની સમસ્યા ખૂબ સતાવી રહી છે. અહીં પાણી પણ આ ટાપુ પર દરિયામાં કેબલમાં પાઇપ લાઈન મારફત પહોંચાડવામાં આવે છે. પરંતુ 7 મહિનાથી અહીં લોકો લાઈટ અને પાણી વિના જીવન નિર્વાહ કરી રહ્યા છે.
અમરેલી જિલ્લાના શિયાળ બેટ ટાપુ રાજુલા તાલુકામાં આવેલું છે. અહીં પીપાવાવ પોર્ટ પર થી 20 મિનિટના અંતરે હોડી મારફત પહોંચાય છે. જ્યાં લાઈટ પાણીની વ્યવસ્થા દરિયામાં કેબલ મારફત કરવામાં આવી છે. અહીં શિયાળ બેટમાં લાઈટ-પાણીની વ્યવસ્થા આનંદીબેન પટેલ જ્યારે સીએમ હતા ત્યારે કરવામા આવી હતી. અહીં વીજ અને પાણીની લાઇનનું લોકાર્પણ કરાયુ હતું. પરંતુ હાલ તૌકતે બાદ અહીં લાઈટના અને પાણીના દરિયામાં પાથરેલા કેબલ અને લાઈનો તૂટી જતા લોકોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.
શિયાળ બેટના સ્થાનિકો કહે છે કે, અહીં શિયાળ બેટથી સાવ નજીક પીપાવાવ પોર્ટ છે અને પીપાવાવ પોર્ટ દ્વારા આ શિયાળ બેટને દત્તક લેવાયુ છે. છતાં હાલ અહીં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. એક તરફ પીપાવાવ વિદેશી હૂંડિયામણની કમાણી કરતું પોર્ટ છે અને તેની સામે જ શિયાળ બેટ છે, જેના લોકો જરૂરિયાતી વિકાસથી પણ વંચિત છે. લોકો લાઈટ પાણીની સમસ્યાઓનો ભયંકર સામનો કરી રહ્યા છે. તૌકતે બાદ ફરી રાજુલા જાફરાબાદ બેઠું થયું છે. પરંતુ આ શિયાળ બેટ જાણે પાષાણ યુગમાં જીવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. લોકોને 7 મહિના વીત્યા હોવા છતા લાઈટ નથી મળી કે પાણી નથી મળ્યું. ત્યારે લોકોની હાલ એક જ માંગ છે કે અમને તુરંત લાઈટ આપવામાં આવે.
અહીં તૌકતે બાદ લાઈટ ન હોવાથી લોકો ને પીવાના પાણીની ખૂબ તકલીફ સતાવી રહી હતી. જેથી સ્થાનિક ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા અહીં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ધારાસભ્યની ટીમ દ્વારા જનરેટર મૂકી લોકોને કુવા અને બોરમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે લોકોને હવે અહીં લાઈટ જોઈએ છે. જે અંગે લોકોએ અંબરીશ ડેરને પણ અનેક વખત રજુઆત કરી છે. ત્યારે અંબરીશ ડેર દ્વારા પણ સરકારમાં અનેક વખત રજુઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી વીજળી અને પાણીની સમસ્યા હજુ ઠેરની ઠેર જોવા મળી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે