વૈદિક હોળી માટે સુરતમાં શરૂ થઈ તડામાર તૈયારીઓ...

વૈદિક હોળી માટે સુરતમાં શરૂ થઈ તડામાર તૈયારીઓ...
  • સુરત પાંજરાપોળ દ્વારા પણ ગાયના છાણાંનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી છાણ અને વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી ગૌ-કાષ્ટ બનાવાઈ રહી છે.
  • 6000 જેટલી તરછોડાયેલી ગાયોના છાણમાંથી આ ગૌ-કાષ્ટ બનાવાઈ રહી છે, જેનો ઉપયોગ હોળી દહનમાં કરાશે 

ચેતન પટેલ/સુરત :હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતા હોળી (Holi) પર્વને હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી છે. હોળિકા દહનની અનેક તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પ્રદૂષણમુક્ત ગણાતી વૈદિક હોળી (vaidik holi) માટે સુરત પાંજરાપોળ દ્વારા પહેલ શરૂ કરાઈ છે. સુરતમાં તરછોડાયેલી 6000 થી વધુ ગાયોના છાણમાંથી ગૌ-કાષ્ટ બનાવાઈ રહ્યું છે. વૃક્ષોનું નિકંદન ન થાય અને ગૌ માતા પ્રત્યે લોકોની લાગણી જળવાઈ રહે તે માટે આ પહેલ કરવામાં આવી છે. સાથે જ આ પ્રકારની હોળી સ્વાસ્થ્યવર્ધી પણ છે.

વૈદિક હોળીનો કોન્સેપ્ટ છેલ્લા ઘણા વર્ષમાં વધ્યો છે. લોકો આ અંગે જાગૃત થયા છે. લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃતતા કેળવી લાકડાને બદલે ગૌ-કાષ્ટનો ઉપયોગ કરતા થયા છે. ત્યારે સુરત પાંજરાપોળ દ્વારા પણ ગાયના છાણાંનો સંગ્રહ કરી અદ્યતન મશીન થી છાણ અને વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી ગૌ-કાષ્ટ(સ્ટીક) બનાવાઈ રહી છે. મહત્વની વાત એ છે કે 6000 જેટલી તરછોડાયેલી ગાયોના છાણમાંથી આ ગૌ-કાષ્ટ બનાવાઈ રહી છે. 

આ પણ વાંચો : કયા શહેરમાં કેટલા સમય માટે કરફ્યૂ લગાવવો... જાણો શું કહ્યું નીતિન પટેલે?

વૈદિક હોળીનું એક મહત્વ છે કે, તેનાથી વાતાવરણ શુદ્ધ થાય છે. વાતાવરણમાં આરોગ્યને માટે નુકશાનકારક વાયુ હોય છે, જેનો નાશ છાણાની હોળીની જ્વાળાથી થાય છે. તો બીજી તરફ ગૌ માતા પ્રત્યે ભાવના જાગે છે અને ગૌ-કાષ્ટના ઉપયોગથી ગૌમાતાની સેવા પણ થાય છે. જેથી લોકો લાકડાને બદલે ગૌ-કાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરી શકે અને હજારો વૃક્ષોને કપાતા બચાવી શકાય એ હેતુથી તેનો ઉપયોગ કરાય છે. 

આ વિશે પાંજરાપોળના મેનેજર પ્રદીપભાઈ જણાવ્યું કે, ગૌ-કાષ્ટની કિંમત 15 રૂપિયા પ્રતિ કિલો રખાઈ છે. તેનાથી જે કંઈ પણ આવક થશે, તેનો ઉપયોગ ગાયો માટે અને તેમના સ્વાસ્થ્ય માટે ખર્ચ કરાશે. કારણકે પાંજરાપોળનું બજેટ એટલું હોતું નથી. જેનાથી ગાયોનું વધારે રક્ષણ કરી શકાય. 

No description available.

તો બીજી તરફ, ગૌ-કાષ્ટ ખરીદનાર ધર્મેશ ગાંધીએ કહ્યું કે, લોકોએ આ પ્રમાણેની સ્ટીક ખરીદવી જોઈએ. જેથી પરંપરાગત રીતે હોલિકા દહન પણ થઈ શકે અને બીજી તરફ ગૌમાતા પ્રત્યેનો પ્રેમ પણ બતાવી શકાય.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news