કુમકુમ મંદિર દ્વારા ફૂલદોલોત્સવની ઉજવણી, જગન્નાથ મંદિરે ભગવાનને કરાયો અદ્ભૂત શણગાર

સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા મંહત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તા. 29 માર્ચને સોમવારના રોજ સવારે 8 થી 9.30 વાગ્યા સુધી ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામિનારાયણ ભગવાનને હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા

કુમકુમ મંદિર દ્વારા ફૂલદોલોત્સવની ઉજવણી, જગન્નાથ મંદિરે ભગવાનને કરાયો અદ્ભૂત શણગાર
  • ભગવાને હિંડોળામાં બિરાજમાન કરીને કેશુડાંના જળથી ભગવાન ઉપર છંટકાવ કરવામાં આવ્યો.
  • આ ફૂલદોલોત્સવ પ્રસંગે ધૂન - કીર્તન સાથે ઔચ્છવ કરવામાં આવ્યો.
  • કોરોના વાયરસની આપત્તિના કારણે આ ઉત્સવ ઓનલાઈન ઉજવવામાં આવ્યો હતો.

અમિત રાજપુત/ અતુલ તિવારી/ અમદાવાદ: સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા મંહત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તા. 29 માર્ચને સોમવારના રોજ સવારે 8 થી 9.30 વાગ્યા સુધી ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામિનારાયણ ભગવાનને હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહંત આનંદપ્રિયદાસજી સ્વામી સ્વામિનારાયણ ભગવાન ઉપર કેશુંડાના જળથી છંટકાવ કરીને ભગવાનને ભીંજવી દીધા હતા. કોરોના વાયરસની આપત્તિના કારણે આ ઉત્સવ ઓનલાઈન ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નંદપદવીના સંતો રચિત કીર્તનો ગાઈને ઓચ્છવ કરવામાં આવ્યો હતો.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ ફુલદોલોત્સવ- રંગોત્સવ અંગે જણાવ્યું હતું કે, ધુળેટીને કુલદોલોત્સવ, રંગોત્સવ કે પૉખોત્સવ પણ કહેવામાં આવે છે. આ ફુલદોલોત્સવના પ્રારંભ માટે એમ માનવામાં આવે છે કે, એક વખત અર્જુન અને યાદવોની સાથે શ્રીકૃષ્ણ ભગવાન એકવાર રેવતાચળ- ગિરનારમાં ગયા હતા. ત્યાં યાદવોએ શ્રીકૃષ્ણને અને અર્જુનને પ્રસન્ન કરવા હિંડોળાની રચના કરી હતી અને તેમાં તેમને બેસાડીને ઝુલાવ્યા હતા. ત્યારથી એ બંને નરનારાયણ નામે પ્રસિદ્ધિને પામ્યા અને પુષ્પદોલોત્સવનો પ્રારંભ થયો. આમ, ભગવાનને ફૂલના હિંડોળમાં ઝુલાવવામાં આવે તેને પુષ્પદોલોત્સવ કે ફૂલદોલોત્સવ કહેવામાં આવે છે.

“ફૂલદોલોત્સવ" સ્વામિનારાયણ ભગવાનનો અતિ પ્રિય ઉત્સવ હતો. આ ઉત્સવ સ્વામિનારાયણ ભગવાન દર વર્ષે જુદે - જુદે સ્થળે ઉજવતા. ધોરાજીથી માંડી, ગઢડા, લોયા, પંચાળા, બોટાદ, સારંગપુર, વડતાલ આદિ ગામની રજકણો આ કેસૂડાંના રંગે રંગાયેલી છે. જે ઉત્સવમાં ભગવાન અને તેમના સંતોનાં દર્શન થાય એટલે એ ઉત્સવ માત્ર ઉજવણી નહીં પણ એક અવસર બની જાય છે. વડતાલમાં સ્વામિનારાયણ ભગવાનને બાર - બાર બારણાંના હિંડોળામાં ઝુલાવામાં આવ્યા હતા અને સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને બાર - બાર સ્વરુપે બિરાજીને દર્શન આપ્યા હતા.

સર્વે ઉત્સવોમાંય રંગોત્સવનો ઉત્સવ એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિરમોડ રહ્યો છે. ભગવાન આ “કુલદોલોત્સવ" ખૂબ ધામધૂમથી ઉજવતા.આ ઉત્સવની સ્મૃતિ માટે આજેય સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં છેલ્લા 200 વર્ષથી આ ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં સ્વામિનારાયણ ભગવાન ઉપર ગુલાલ છાંટવામાં આવે છે. કેસુડાંના જળથી તૈયાર કરવામાં આવેલો રંગ સ્વામિનારાયણ ભગવાન ઉપર અને સંતો - ભક્તો ઉપર છાંટવામાં આવે છે. ભગવાનને ધાણી તથા હારડાંના હારના શણગાર સજવામાં આવે છે.

આ ઉપરાંત જગન્નાથ મંદિર ખાતે ભગવાનને અદ્ભૂત શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને શ્વેત વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. ગુલાબી રંગની રજવાડી પાઘડી પણ પહેરાવવા આવી છે. ભગવાન પાસે ધુળેટી પર્વને લઈને પ્રતિક રૂપે પિચકારી પણ રાખવામાં આવી છે. કોરોનાના લીધે મંદિર ખાતે ફુલોત્સવ અને રંગોત્સવની ઉજવણી રદ કરવામાં આવી છે. મંદિર ગાદીપતિ દિલીપદાસજી મહારાજે ZEE 24 કલાકને નિવેદન આપતા ગુજરાત અને દેશવાસીઓને ધુળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. કોરોનાને ડામવા તમામ નાગરિકો વેકસિન લે અને બીજા નાગરિકોને વેકસિન લેવા જાગૃત કરે. મંદિર ખાતે દર્શન ચાલુ રાખવામાં આવતા નાગરિકો દર્શન કરવા આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news