Loksabha Election 2024: ગુજરાતમાં કેવો છે ચૂંટણીનો માહોલ? વાંચો રાજકીય પાર્ટીઓની ઓફિસથી ખાસ રેકોર્ડ

Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 7 મેએ ત્રીજા તબક્કામાં 26 સીટો પર મતદાન થવાનું છે. આ વખતે ગુજરાતમાં ભાજપ સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનમાં ચૂંટણી લડી રહ્યાં છે. કોંગ્રેસ 24 તો આપ  2 સીટો પર લડવાની છે. ત્યારે ઝી 24 કલાકે ત્રણેય પાર્ટીઓના કાર્યાલયોમાં પહોંચીને માહોલ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
 

Loksabha Election 2024: ગુજરાતમાં કેવો છે ચૂંટણીનો માહોલ? વાંચો રાજકીય પાર્ટીઓની ઓફિસથી ખાસ રેકોર્ડ

અમદાવાદઃ લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, આંદોલનો અને સમાજોના વિરોધ વચ્ચે ચૂંટણી રસાકસીવાળી જોવા મળી રહી છે. પરંતુ રાજકીય પાર્ટીઓના કાર્યાલયો પર કાગડા ઉડતા હોય તેમ લાગી રહ્યું છે. જોઈએ તેવો પ્રચાર દેખાતો નથી. જ્યાંથી સમગ્ર રાજ્યમાં પાર્ટી દિશાનિર્દેશ આપતી હોય અને ચૂંટણીમાં જે સૌથી કેન્દ્ર સ્થાને હોય તે પાર્ટી કાર્યાલયોની હાલ શું સ્થિતિ છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો...પાર્ટી કાર્યાલયો પર અમને કેટલાક એવા દ્રશ્યો જોવા મળ્યા તે ચોંકાવનારા પણ હતા. જુઓ આ ખાસ અહેવાલમાં.

ભાજપના કાર્યાલયનો માહોલ
સૌથી પહેલા અમે દેશમાં અને રાજ્યમાં જેની સત્તા છે તે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પહોંચ્યા હતા. ભાજપ દરેક ચૂંટણીમાં પોતાનું કાર્યાલય કમલમમાંથી ખસેડીને સરખેજના મીડિયા સેન્ટરમાં ખસેડી દે છે. લોકસભા ચૂંટણી માટે પણ મીડિયા સેન્ટરમાં ધમધમાટ જોવા મળ્યો. અહીં અમે પહોંચ્યા તો કાર્યકરો અને મોટા નેતાઓ ઓછા પરંતુ જાતભાતના પોસ્ટર અને સ્લોગન વધુ જોવા મળ્યા. જેમાં કેન્દ્રની વિવિધ યોજનાઓ અને મોદી સરકારે કરેલા કામને દર્શાવતા પોસ્ટર લગાવેલા જોવા મળ્યા...તો પોતાના રાષ્ટ્રીય નેતા અને દેશના પ્રધાનમંત્રી મોદીના મોટા મોટા હોડિંગ્સ લગાવેલા જોવા મળ્યા.સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખના પણ હોડિંગ્સ જોવા મળ્યા. પરંતુ સૌથી વધુ આકર્ષણના કેન્દ્ર હોય તો તે સરકારની વિવિધ યોજનાઓના હોડિંગ્સ હતા.

શું છે કોંગ્રેસના કાર્યાલયની સ્થિતિ
ભાજપ પછી અમે દેશની સૌથી જૂની અને સૌથી વધુ દેશમાં શાસન કરનારી કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય પર પહોંચ્યા. કોંગ્રેસ કાર્યાલય પર વાહનોની અવરજવર સામાન્ય હોય તેમ જોવા મળી. બહાર કોઈ બેરિકેડ્સ નહતા. કાર્યકરોની પણ કોઈ ફોજ દેખાતી નહતી. પરંતુ સૌથી વધુ ચોંકાવનારા ગેટ બહાર લાગેલા બે પોસ્ટર હતા. એક પોસ્ટરમાં કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના જન્મદિવસની શુભેચ્છા પાઠવતું પોસ્ટર હતું. 4 એપ્રિલે શક્તિસિંહનો જન્મદિવસ હતો. આ પોસ્ટર અમદાવાદની દાણીલીમડા બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા શહેઝાદ પઠાણના નામથી લાગેલા હતા. શુભેચ્છા સંદેશના પોસ્ટરની બિલકુલ બાજુમાં ભારત જોડો ન્યાયયાત્રાનું પોસ્ટર લગાવેલું જોવા મળ્યું. નોંધવા જેવી વાત એ છે કે રાહુલ ગાંધીની આગેવાનીમાં 7થી 10 માર્ચે ગુજરાતમાંથી આ યાત્રા પસાર થઈ હતી, જેને એક મહિનો થવા આવ્યો છતાં આ પોસ્ટર ત્યાંના ત્યાં જ જોવા મળ્યું ..સૌથી મોટી ચૂંટણીનો માહોલ છે પરંતુ કોંગ્રેસમાં ચૂંટણી જેવું કંઈ દેખાયું નહીં. હવે જ્યાં કોઈ તૈયારી જ નથી તે પાર્ટી વિશે વધારે શું કહેવું?

કોંગ્રેસના કાર્યાલયમાં જ્યારે પણ જઈએ ત્યારે બીજુ કોઈને મળે પરંતુ મનીષ દોશી તમને અચ્ચુક મળી જાય. મનીષ દોશી કોંગ્રેસના એવા નિષ્ઠાવાન કાર્યકર છે કે તેઓ કોંગ્રેસ હારે કે જીતે પરંતુ તેઓ ન મળે તેવું ક્યારેય ન મળે. અમે જ્યારે પહોંચ્યા તો મનીષભાઈ મળી ગયા. તેમની સાથે અમે ચર્ચા કરી.

આપના કાર્યાલયમાં કેવી હતી હલચલ?
કોંગ્રેસ પછી ગુજરાતમાં પગપેસારો કરવા માટે મથતી આમ આદમી પાર્ટીના કાર્યાલય પહોંચ્યા. AAPના કાર્યાલયની હાલત આશ્ચર્ય પમાડે એવી જોવા મળી. આ વખતે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને AAPએ બે બેઠક ભરૂચ અને ભાવનગરમાં ઉમેદવારો ઉતાર્યા છે. અમે જ્યારે ત્યાં પહોંચ્યા તો બહાર જરા પણ હલચલ દેખાતી ન હતી. ગેટમાંથી અંદર પ્રવેશ્યા તો ડાબી બાજુ આમ આદમી પાર્ટીનું એક પોસ્ટર ધૂળ ખાઈ રહ્યું હતું. જમણી બાજુ પણ દીવાલ પર વિધાનસભા ચૂંટણી સમયનું બોર્ડ જોવા મળ્યું. કાર્યાલયના મુખ્ય દરવાજાની ઉપર પણ "એક મોકો ઈસુદાન અને કેજરીવાલને"ના સૂત્ર સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવવા નંબર લખેલ પોસ્ટર જોવા મળ્યું હતું. કાર્યાલયે ત્રણેક ટૂ-વ્હીલર પાર્ક કરેલાં દેખાયાં.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ સક્રિય રહેલા કેજરીવાલ, મનીષ સિસોદિયા હાલ જેલમાં છે, સંજય સિંહ થોડા દિવસ પહેલાં જ જામીન પર છૂટીને બહાર આવ્યા છે. AAPની ઓફિસે સન્નાટા પાછળ આ છે કારણ આમ આદમી પાર્ટીના જનરલ સેક્રેટરી સાગર રબારીએ કહ્યું, અમારા બે ઉમેદવારના પ્રચાર માટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને સંજય સિંહ આવશે.

ત્રણેય પાર્ટીના કાર્યાલયની અમારી વિઝીટમાં એવું કંઈ ખાસ જોવા ન મળ્યું જે ચૂંટણીમાં જોવા મળે છે. ગુજરાત બહારના રાજ્યોમાં ચૂંટણીનો માહોલ પુરજોશમાં જોવા મળી રહ્યો છે. પરંતુ ગુજરાતમાં જાણે ઠંડી ઠંડી ચૂંટણી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જો કે ગુજરાતમાં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવશે તેમ તેમ માહોલ જામે તો નવાઈ નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news